કોરોના અપડેટ:આણંદમાં કોરોના વિસ્ફોટ, જિલ્લામાં આજે નવા 112 કેસ નોંધાયા, કુલ એક્ટિવ કેસ 414, આજે 39 દર્દી સાજા થયા

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓમિક્રોનના એક પણ કેસ નહિ, ઓમિક્રોનથી 11 સાજા થયા, કુલ 18 એક્ટિવ કેસ
  • 101 સંક્રમિતો સાથે આજે આણંદ તાલુકામાં આંકડો સૌથી વધુ, જિલ્લામાં 18 હજાર 071 લોકોને રસી અપાઈ
  • સોજીત્રામાં મામલતદાર કચેરીમાં પ્રવેશ માટે વેકસીન સર્ટી અને માસ્ક વિના પ્રવેશ નિષેધ કરાયો

આણંદ જિલ્લામાં આજે ગુરૂવારે નવા 112 કેસ નોંધાયા છે. જેથી આણંદ જિલ્લામાં નોંધાયેલા કોરોનાના કુલ એક્ટિવ કેસ 414 થયા છે. જો કે આણંદ જીલ્લામાં આજે ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી. નોંધનીય છે કે કોરોનાના 39 દર્દી સાજા થયા છે. આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણની ગતિ વધી રહી છે અને પરિસ્થિતિ વણસી રહી છે. રાજકીય અને સરકારી કાર્યક્રમોનો સતત વધતી જતી સંખ્યા કોરોના સંક્રમણને બળ પૂરું પાડી રહી હોય તેવું લાગી રહ્યું છે. કોરોના સંક્રમણ નાગરિકોને ભરડે લઈ રહ્યું છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી અનુસાર 2022 નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં જ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગઈકાલે બુધવારે 114 કેસ બાદ આજે ગુરૂવારે પણ નવા 112 કેસ નોંધાયા છે. કોરોના મજબૂતાઈથી 414 દર્દીને ભરડે લઈ બેઠો છે. દૈનિક સંક્રમિતોની વધતી સંખ્યા છતાં કોવિડ નિયમોને નકારતા નાગરિકો ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે. જ્યારે રાજકીય પક્ષોના નેતાઓ અને આગેવાનો પણ જાહેર બેજવાબદાર રીતે વર્તી રહ્યા હોઈ જિલ્લામાં કોરોના ફૂલીફાલી રહ્યો છે.

આણંદ તાલુકામાં ગઈકાલે સૌથી વધુ 98 દર્દીઓ હતા. આજે પણ તાલુકામાં 101 દર્દી નવા નોંધાયા છે. જ્યારે સોજીત્રામાં 3, પેટલાદમાં 2, આંકલાવમાં 1, બોરસદમાં 1, ખંભાતમાં 1 અને ઉમરેઠ તાલુકામાં 3 દર્દીઓ નોંધાયા છે. ઓમિક્રોનની માહિતી જોઈએ તો આજે ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો નથી. ઓમિક્રોન સંક્રમિત દર્દીઓમાંથી 11 દર્દી સાજા થયા છે તેમજ કુલ એક્ટિવ કેસનો આંકડો 18 સુધી પહોંચ્યો છે.

મહત્વનું છે કે સોજીત્રા તાલુકામાં પણ કોરોનાએ દસ્તક દેતા જ તાલુકા તંત્ર એલર્ટ થઇ ગયું છે.સોજીત્રામાં મામલતદાર કચેરીમાં પ્રવેશ માટે વેકસીન સર્ટી ફરજીયાત બતાવવાનું ફરમાન કરવામાં આવ્યું છે. વળી માસ્ક વિના પણ અહીં પ્રવેશ નિષેધ કરાયો છે.જે અંગેની સૂચના કચેરી ની બહાર મુકવામાં આવી છે.

જિલ્લામાં રસીકરણ અભિયાન શરૂ થયું છે. જેમાં 15થી 18 વર્ષના કિશોર-કિશોરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આજે રસીકરણનો કુલ આંકડો 18 હજાર 071 સુધી પહોંચ્યો હતો. આરોગ્ય તંત્ર કોરોના સારવારની સાથે રસીકરણ ઉપર પણ ભાર મૂકી રહ્યું છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 10 હજાર 159 સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યારસુધી 9695 લોકોને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે. હાલમાં 13 દર્દી કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે 10 અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. તો બીજી તરફ 391 સંક્રમિતોને હોમ આઈસોલેશનમાં સારવાર અપાઈ રહી છે. 2 દર્દી ઓક્સિજન ઉપર કોરોના સામે ઝઝૂમી રહ્યા છે. કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 50 નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...