સાયક્લોનિક સકર્યુલેશનના પગલે આણંદ પંથકમાં બે દિવસથી હળવા વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યાં છે. મંગળવાર સાંજે કેટલાંક ગામોમાં સામાન્ય છાંટ પડયા હતા. જયારે બુધવાર વહેલી સવારથી આકાશમાં અષાઢી માહોલ છવાયેલો જોવા મળ્યો હતો.જેના પગલે ઘંઉ અને તમાકુની કાપણી કરી હોય તેવા ખેડૂતો પાકને ઢાંકવા માટે દોડધામ કરતાં જોવા મળ્યો હતો .હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ દિવસ દરમિયાન પવન સાથે છુટાછવાયા માવઠા થવાની સંભાવના વ્યકત કરી છે.
સાયક્લોનિક સકર્યુલેશનને પગલે આગામી 5 દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે. આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે તા 16, 17 અને 18ના રોજ કેટલાંક ગામડાઓમાં સામાન્ય માવઠું થવાની સંભાવના છે. તેમજ વાદળોના પગલે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી નીચું રહેતા ગરમીમાં રાહત જોવા મળી રહી છે. જયારે ભેજનું પ્રમાણ 81 ટકા રહેવા પામ્યુ હતું. તેમજ આગામી ત્રણ દિવસ દરમિયાન ભારે પવન રહેવાની સંભાવના વ્યકત કરી છે.
હાલ જિલ્લામાં 21 હજાર હેક્ટરમાં ડાંગર, 6100 હેક્ટરમાં બાજરી 6512 હેક્ટરમાં શાકભાજીનું વાવતેર 4590 હેકટરમાં થયું છે બીજી તરફ ઘઉ અને તમાકુમાં તો કાપણી પણ શરૂ કરી દેવામાં આવી છે. જેના કારણે મોટાભાગના પાક ખેતરમાં પડ્યો છે. જો આ સ્થિતિમાં માવઠું પડશે તો ખેડુતો ને વ્યાપક નુકસાન જવાની ભીતિ વર્તાઇ રહી છે.
ત્યારે બુધવાર રાત્રે 9.00 વાગ્યાના અરસામાં ભારે પવન સાથે વિજળી તડાકા સાથે આણંદ, પેટલાદ, સોજીત્રા, આંકલાવ અને બોરસદ પંથકમાં સતત 10 મિનિટ સુધી સામાન્ય વરસાદ વરસ્યો હતો. આણંદ શહેરમાં વરસાદના પગલે માર્ગો પરથી વરસાદી પાણી વહેતા જોવા મળ્યાં હતા. તો બીજી બાજુ કાપેલી તમાકુ ખેતરમાં પડી હોવાથી ખેડૂતો તમાકુના પાકને બચાવવા માટે દોડધામ કરવી પડી હતી. વિદ્યાનગર રોડ પર વૃક્ષ ધરાશાયી થતા વાહનચાલકોને હાલાંકી ભોગવવી પડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.