આરોગ્ય કર્મીઓમાં રોષ:બોરસદના વિવાદસ્પદ ટીએચઓની જિલ્લામાં ઉંચા હોદ્દા પર બદલી કરાતાં કર્મચારી ભડક્યા, આરોગ્ય કર્મચારી મહાસંઘની ડીડીઓને રજૂઆત

આણંદ14 દિવસ પહેલા
  • અસભ્ય વર્તન બદલે સજા કરવાના બદલે જિલ્લામાં મૂકાતાં ડીડીઓને રજુઆત
  • કર્મચારીઓ દ્વારા સખત અને ઉગ્ર આંદોલન કરવાની જરૂર પડશે તો ભૂખ હડતાલ કરીશું : મહાસંઘ
  • બોરસદ ટીએચઓ વિરૂદ્ધ ખાતાકીય તપાસ માટે સક્ષમ અધિકારીની નિમણુંક કરી છે : ડીડીઓ

બોરસદમાં મહિલા કર્મચારી સાથે અસભ્ય વર્તન કરનારા તાલુકા હેલ્થ ઓફિસરને સજા કરવાના બદલે તેની ઉંચા હોદ્દા પર બદલી કરાતાં રોષ ભડક્યો હતો. ઉપરાંત તેની સામે જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા બોરસદના આરોગ્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં આંદોલન સાથે ડીડીઓને રજૂઆત કરવા પહોંચ્યા હતા. આરોગ્ય કર્મચારી મહાસંધ દ્વારા ભારે આક્રોશ પૂર્વક આ અધિકારીની બદલી જિલ્લા બહાર કરવા માંગણી કરી હતી.

આ અંગે મહાસંઘે રજૂઆતમાં જણાવ્યું હતું કે, અમને જાણવા મળેલી હકિકત પ્રમાણે બોરસદ તાલુકા હેલ્થ ઓફિસર ડો.રાકેશ પટેલને બેહુદા વર્તનની કડક કાર્યવાહી કે તપાસ કરવાના બદલે તેમને ભેટ સ્વરૂપે પ્રમોશન મોટી પોસ્ટ આપી દેવામાં આવી છે. જે બાબતે અમને ન્યાય આપવાના બદલે અન્યાય થયો છે. આથી, તમામ કર્મચારીઓમાં રોષની લાગણી જન્મી છે. અમારા જાણવા મુજબ અમારો અવાજ ઉઠાવનારા યુનિયનના તમામ કર્મચારીઓની બદલી કરવાની મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જો તેમ કરવામાં આવશે તો તમામ કર્મચારીઓ દ્વારા સખત અને ઉગ્ર આંદોલન કરવાની જરૂર પડશે તો ભૂખ હડતાલ કરીશું.

આ અંગે આણંદ ડીડીઓ મિલિંદ બાપનાએ જણાવ્યું હતું કે બોરસદ આરોગ્ય કર્મચારીઓની ફરિયાદ અને માંગણીને લઈ બોરસદ તાલુકા આરોગ્ય અધિકારીની બદલી કરવામાં આવી છે. તેમજ કર્મચારીઓની સામુહિક ફરિયાદ સંદર્ભે આ અધિકારી વિરૂદ્ધ તપાસ પણ સક્ષમ અધિકારીને સોંપવામાં આવી છે. જે તપાસના અંતે જે કંઈ સત્ય બહાર આવશે જે રિપોર્ટના અનુસંધાને ખાતકીય કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...