તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંભાત CCTV કૌભાંડ:પાલિકાએ 175 CCTV લગાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો તો કોન્ટ્રાક્ટરે માત્ર 58 જ લગાવ્યા, તેમાંથી ચાલુ માત્ર 3 જ!

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખંભાત નગર પાલિકા દ્વારા અમદાવાદની કંપનીને 1.34 કરોડના ખર્ચે સમગ્ર નગરમાં સીસીીટવી કેમેરા નાંખવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેમાં પાલિકાના ચોપડે 130 કેમેરા બતાવ્યા છે. પરંતુ શહેરમાં માત્ર 58 જ સીસીટીવી કેમેરા નાખવામાં આવ્યા છે. જેમાંથી હાલ માત્ર 3 જ કેમેરા ચાલુ હાલતમાં મળ્યા હતા. - Divya Bhaskar
ખંભાત નગર પાલિકા દ્વારા અમદાવાદની કંપનીને 1.34 કરોડના ખર્ચે સમગ્ર નગરમાં સીસીીટવી કેમેરા નાંખવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેમાં પાલિકાના ચોપડે 130 કેમેરા બતાવ્યા છે. પરંતુ શહેરમાં માત્ર 58 જ સીસીટીવી કેમેરા નાખવામાં આવ્યા છે. જેમાંથી હાલ માત્ર 3 જ કેમેરા ચાલુ હાલતમાં મળ્યા હતા.
  • પોલીસે યુવકના અપમૃત્યુ બાબતે ફૂટેજની ચકાસણી કરતા સમગ્ર બાબતનો ઘટસ્ફોટ થયો

સંવેદનશીલ તાલુકા એવા ખંભાતમાં સીસીટીવી કેમેરાનું કૌભાંડ ધુણ્યું છે. ત્રણ વર્ષ અગાઉ અમદાવાદની કંપની દ્વારા રૂપિયા 1.34 કરોડના ખર્ચે સમગ્ર ખંભાત શહેરમાં 175 સીસીટીવી કેમેરા નાંખવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેમાં પાલિકાના ચોપડે માત્ર 130 જ કેમેરા બતાવ્યા છે. જ્યારે પાલિકા અને કંપનીની મિલીભગતથી માત્ર 58 જગ્યાએ જ કેમેરા નાંખવામાં આવ્યા છે. મોટાભાગની જગ્યા ભૂતિયા છે કે જ્યાં કેમેરા નાંખવામાં જ આવ્યા નથી. જોકે, તેનાથી પણ રસપ્રદ બાબત એવી છે કે, જાહેર માર્ગો પર પાલિકા દ્વારા બતાવવામાં આવેલા 58 સીસીટીવી કેમેરા પૈકી માત્ર ત્રણ જ કેમેરા ચાલુ છે.

આ હકીકત ગત અઠવાડિયે માછીપુરાના યુવકનું રહસ્યમય મોત નીપજ્યું અને પોલીસે જ્યારે સીસીટીવી કેમેરાની ચકાસણી માટે ફૂટેજ માંગ્યા ત્યારે સમગ્ર હકીકત બહાર આવી છે. મૃતક યુવકનું બાઈક બસ સ્ટેન્ડમાંથી મળી આવ્યું હતું. જેને પગલે શહેર પોલીસ દ્વારા પાલિકા પાસે બસ સ્ટેન્ડ વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ માંગવામાં આવ્યા હતા. ત્યારે કેમેરા બંધ હાલતમાં હોવાનું ખૂલ્યું હતું.

બીજી તરફ નગર પાલિકા પાસેથી કુલ કેટલાં કેમેરા શહેરમાં નાંખવામાં આવ્યા છે અને હાલમાં કેટલાં ચાલુ હાલતમાં છે તે અંગેના દસ્તાવેજી પુરાવા માંગવામાં આવ્યા હતા. જેમાં એવી હકીકત બહાર આવી હતી કે, નગરપાલિકા એક્ઝિક્યુટિવ ઠરાવ નંબર 169માં શહેરમાં સર્વેલન્સ સીસીટીવી કેમેરા નાખવાનો ઠરાવ કરાયો છે. જોકે, તેની અંદર કેટલા નંગ સીસીટીવી કેમેરા નાખવા તેનો કોઈ ઉલ્લેખ જ નથી. આ ઉપરાંત, કેટલાંય વિસ્તારો એવા છે કે જ્યાં સીસીટીવી કેમેરા નાંખવામાં આવ્યા નથી, છતાં તેનો ઉલ્લેખ કરાયો છે.

તપાસ કરીને કેમેરા ચાલુ કરાવીશું
સમગ્ર ઘટનામાં મને જાણ નથી કે હાલમાં કેટલાં કેમેરાનો કોન્ટ્રાક્ટ હતો અને કેટલાં નાંખવામાં આવ્યા છે. જોકે, એ જાણમાં આવ્યું છે કે, હાલમાં કેટલાંક કેમેરા બંધ છે, જે અંગે તપાસ કરીને ચાલુ કરાવીશું.> જિતેન્દ્ર ડાભી, ચીફ ઓફિસર, ખંભાત નગર પાલિકા.

વિસ્તારનું નામ લખાયું પણ ક્યાં નાંખ્યા તેનો ઉલ્લેખ નહીં
પાલિકા દ્વારા 130 કેમરાની યાદી આપવામાં આવી છે. જેમાં 102 નંબરથી 130 નંબર સુધીમાં વિસ્તારનું નામ લખવામાં આવ્યું છે. જેમાં મોહનપુરા, ફતેહ દરવાજા, ભાવસાર વાડ, પાંચ હાટડી, દડીબા અને સિવ્યુ બંગ્લાનો ઉલ્લેખ છે. વિસ્તારમાં કઈ જગ્યાએ કેમેરા નાખ્યા છે તેનો ઉલ્લેખ નથી. ટેન્ડરની શરતોમાં સ્પષ્ટ જોગવાઈ છે કે સીસીટીવીની કામગીરી કરતા પહેલા અને કામગરી પૂર્ણ થયાના ફોટોગ્રાફ્સ રજૂ કરવાંથી જ બિલનું ચુકવણું કરવાનું હોય છે.

આમ છતાં કરોડોનું ચુકવણું બારોબાર કેવી રીતે કરાયું તે પણ એક પ્રશ્નાર્થ છે. તેમજ સમગ્ર કોન્ટ્રાક્ટમાં વર્ષ 2017માં ઠરાવ કર્યા બાદ વર્ષ 2018માં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. બાદમાં 5 વર્ષ માટે તેની દેખરેખ માટે કંપની દ્વારા રૂપિયા 23 લાખ લઈ બીજી એક ખાનગી કંપનીને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો. હાલમાં કંપની દ્વારા કોઈ જ પ્રકારની દેખરેખ રખાતી નથી. જેને પગલે કેટલાંય વિસ્તારોમાં કેમેરાના વાયર તૂટી ગયેલી હાલતમાં પણ જોવા મળી રહ્યા છે.

સ્કૂલોમાં નાંખેલા કેમેરા પાલિકાએ પોતાનામાં ગણાવ્યા
કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સીસીટીવી નાખવામાં આવ્યા હતા. જોકે, આમ છતાં પૂર્વ સત્તાધીશો દ્વારા નગરપાલિકા કચેરી, સિવ્યું બંગલો તથા વિવિધ સ્કૂલોમાં નાખેલા સીસીટીવી પણ આ ગ્રાન્ટમાં ગણાવી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...