ન્યાય મળ્યો:બોરીયાવીની શ્રી સંતરામ કો.ઓ.ક્રેડિટ સોસાયટીને ખાતેદારની રૂ.1.98 લાખની રકમ વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક કોર્ટનો હુકમ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

બોરીયાવીના રહીશે ગામની ક્રેડિટ સોસાયટીમાં દૈનિક બચત યોજનામાં કરેલા નાણાંનું રોકાણ પાકતી મુદ્દતે પણ પરત ન મળતા ન્યાય મેળવવા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, આણંદમાં ફરિયાદ કરી હતી. જેમાં કોર્ટે બચત રોકાણની તમામ વિગતો સહિતના દસ્તાવેજો ચકાસીને ફરિયાદીને રોકાણ રકમ રૂ.1.98 લાખ વ્યાજ સહિત ચૂકવવા સોસાયટીને હુકમ કર્યો હતો.
રીકરીંગ બચત યોજનામાં ખાતું ખોલાવ્યું હતું
પ્રાપ્ત વિગતો મુજબ, બોરીયાવીના મૌલેશ પટેલે શ્રી સંતરામ કો.ઓ.ક્રેડિટ સોસાયટી લી.બોરીયાવીમાં રીકરીંગ બચત યોજનામાં ખાતું ખોલાવ્યું હતું. ઓગસ્ટ 2017થી જુલાઇ 2018ની મુદ્દત દરમિયાનમાં ખાતામાં દૈનિક બચત પાસબૂક તેઓને આપવામાં આવી હતી. જેમાં ક્રેડિટ સોસાયટીના કર્મચારી મિતેશ પટેલ, મૌલેશભાઇના ઘરે આવીને રીકરીંગની રકમ લઇ જતા અને પાસબૂકમાં એન્ટ્રી કરી આપતા હતા.
4 લાખથી વધુ રૂપિયા જમા કરાવ્યાં હતા
આ દરમિયાન ક્રેડિટ સોસાયટીના એજન્ટે રીકરીંગની રકમ લેવા આવવાનું બંધ કર્યુ હતું. જે અંગે મૌલેશભાઇએ ક્રેડિટ સોસાયટીમાં પૂછપરછ કરવા છતાં સ્પષ્ટ જવાબ મળ્યો ન હતો. જો કે આ સમયગાળામાં તેઓએ રૂ. 4 લાખ 28 હજાર 900 જમા કરાવ્યાં હતા. જેમાંથી 2 લાખ 30 હજારનો ઉપાડ કર્યો હતો. જેથી તેઓના ખાતામાં 1 લાખ 98 હજાર જમા રકમ હતી. આ અંગેની પાસબૂકમાં વિગતવાર નોંધ પણ હતી. જે બાબતે પાકતી મુદ્દતે તેઓએ બચતની રકમ પરત માંગતા મેનેજર દ્વારા જણાવાયું હતું કે, હાલમાં સોસાયટીની આર્થિક સ્થિતિ સારી નથી અને નાણાં આવતા નથી. જેથી નાણાંની રીકવરી થતી નથી. નાણાં આવ્યેથી ચૂકવી આપવામાં આવશે.
અંતે મૌલેશભાઇએ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી
મહત્ત્વનું છે કે, ત્યારબાદ લોકડાઉનનો સમયગાળો વીત્યો હોવા છતાં રકમ પરત આપવામાં સોસાયટીએ ઉદાસીનતા દાખવી હતી. આ દરમિયાન ખેતીકામમાં નાણાંની જરુરિયાત ઉભી થતા મૌલેશભાઇએ પુન: ક્રેડિટ સોસાયટીમાં જઇને પાકતી ડિપોઝિટના નાણાં પરત માંગવા છતાં પણ ન મળતા તેઓએ વકીલ મારફતે નોટિસ પણ આપી હતી. જે સ્વીકારવાનો ક્રેડિટ સોસાયટીના મેનેજર, ચેરમેને ઇન્કાર કર્યો હતો. આથી મૌલેશભાઇએ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી.
​​​​​​​​​​​​​​નોંધનીય છે કે, ગ્રાહક કોર્ટમાં શ્રી સંતરામ કો.ઓ.ક્રેડિટ સોસાયટીના કોઇ પ્રતિનિધિએ હાજર થઇને કોઇ જવાબ રજૂ કર્યો નહોતો. જેથી કોર્ટે એકતરફી કેસ ચલાવવાનો નિર્ણય કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે, ફરિયાદી માંગ્યા મુજબની દાદ પેટે સ્કીમ મુજબ રોકેલી રકમો અંગે ક્રેડિટ સોસાયટી પાસેથી 1 લાખ 98 હજાર 900 પરત મેળવવા હકદાર જણાય છે અને તે નહીં ચૂકવીને ક્રેડિટ સોસાયટી તરફથી સેવાકીય ખામી દાખવવામાં આવી છે. આ કેસમાં કોર્ટે ફરિયાદીને 1 લાખ 98 હજાર 900 અરજી દાખલ કર્યા તારીખથી વાર્ષિક 9 ટકા લેખે પરત વસૂલ આપવા તેમજ માનસિક ત્રાસ પેટે રૂ.3 હજાર અને અરજ ખર્ચના રૂ.2 હજાર ચૂકવવા હૂકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...