મીટીંગ:બોરસદ ચોકડીનો એક તરફનો સર્વિસ રોડ ખુલ્લો મુકવાની વિચારણા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ પાલિકા અને દાંડી વિભાગ વચ્ચે મીટીંગ યોજાઇ

બોરસદ ચોકડી ફલાય ઓવરબ્રીજ બનાવવાની કામગીરીના પગલે આણંદ જિલ્લા કલેકટરે ઉમાભવનથી ગણેશ ચોકડી સુધીના માર્ગને ડાયવર્ઝન આપ્યું છે ત્યારે આ માર્ગ પર સતત 24 કલાક ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતી હોય છે. વારંવાર સર્જાતી ટ્રાફિક સમસ્યા પાલિકા અને દાંડી વિભાગ માટે માથાના દુ:ખાવારૂપ બની રહી હોવાથી સમસ્યાના સમાધાન માટે આણંદ પાલિકા અને દાંડી વિભાગ વચ્ચે મીટીંગ યોજાઇ હતી. જેમાં વાહનચાલકો સરળતાથી પસાર થઇ શકે તે માટે સોજીત્રા રોડ પર અમીન ઓટો થઇને ડીએસપી કચેરી સુધીના માર્ગ પર સર્વિસરોડ તૈયાર કરી ખુલ્લો મુકવાનું સુચન કરવામાં આવ્યું હતું.

આ માર્ગ પર ટ્રાફિક ના થાય તે માટે પોલીસ બંદોબસ્ત ફાળવવા માટે જિલ્લા પોલીસવડાને પાલિકા તંત્ર દ્વારા લેખિતમાં રજૂઆત કરાશે.આણંદ નગરપાલિકાના પ્રમુખ રૂપલબેન પટેલે જણાવ્યું હતું કે, ઉમાભવનથી જીટોડિયા રોડ, એનડીડીબી રોડ, ગણેશ ચોકડી રોડ, ડાયવર્ઝનના લીધે વારંવાર ટ્રાફિક જામ થઇ જાય છે.

તેમજ બોરસદ ચોકડી ક્રિષ્ના કોમ્પલેક્ષ પાસે પાણીની પાઇપ લાઇન તુટી જતી હોવાથી આણંદ નગરપાલિકા ભવનમાં દાંડી વિભાગ અને પાલિકા તંત્રની મીટીંગ યોજાઇ હતી. મીટીંગમાં પાણીની લાઇન સીફટીંગ કરવામાં આવે તેમજ ફલાય ઓવરબ્રીજની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા સુચના આપી હતી. તેમજ પાણીની પાઈપ લાઈન બાબતે કેન્દ્રને રજૂઆત કરવામાં આવશે.

બોરસદ ચોકડી રેલવે ફાટક પર ટ્રાફિક સમસ્યા કાયમી ધોરણે ઉકેલવા માટે દાંડી વિભાગ દ્વારા રૂા 5286.29 લાખના ખર્ચે ફલાય ઓવરબ્રીજ બનાવવામાં આવી રહ્યો છે. જેની કામગીરીના પગલે આણંદ જિલ્લા કલેકટરે ડાયવર્ઝન આપવામાં આવ્યું હોવાથી સતત ટ્રાફિક જામની સમસ્યાથી વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. આમ ટ્રાફિક નિવારવા માટે એક તરફ સર્વિસ રોડ બનાવવામાં આવશે. પોલીસ બંદોબસ્ત મળવાથી ટુંક સમયમાં રસ્તો ખુલ્લો કરી દેવામાં આવશે. જેના પર ફકત ટુ વ્હીલર અને કાર ચાલકો સરળતાથી પસાર થઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...