ગ્રામ પંચાયત ચૂંટણી જંગ:આણંદના સારસામાં આચારસંહિતા ભંગની ફરિયાદ, નોડેલ અધિકારીએ તપાસ શરૂ કરી

આણંદએક મહિનો પહેલા
  • મતદારોને ઉમેદવારના સ્ટીકર અને ચૂંટણી ચિન્હવાળા ચવાણુંના પેકટ વહેંચવામાં આવ્યાં

આણંદના સારસા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. જેને લઈ ચકચાર મચી છે. આણંદ તાલુકાના સારસા ગામના સરપંચ પદે સંપન્ન અને બળીયા ઉમેદવારો હોઈ ગામમાં ખાણી પીણીની લ્હાણી કરાઈ રહી હોવાના અહેવાલો ફરતા થયા છે. સરપંચ પદના ઉમેદવાર વિમલ પટેલે હરીફ ઉમેદવાર કિરીટ પટેલ ઉપર ચૂંટણી આચારસંહિતાનો ભંગની ફરિયાદ કરી છે. ઘરે ઘરે ચવાણું વહેંચતા હોવાની માહિતીને લઈ હરીફ ઉમેદવાર દ્વારા ચૂંટણી નોડલ અધિકારીને કાયદેસરની ફરિયાદ થતા રાજકીય આલમમાં પણ અફડાતફડી મચી છે. નોડલ અધિકારી દ્વારા આ અંગે સારસા ગામમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે રેવન્યુની આવકની દ્રષ્ટીએ આણંદ તાલુકામાં સૌથી મોટી ગણાતી ગ્રામપંચાયત સારસામાં વર્ષોથી રાજકીય અને સામાજિક રીતે પટેલોનો દબદબો રહ્યો છે. છેલ્લા 60 વર્ષોથી પટેલ ઉમેદવાર જ સરપંચપદે ચુંટાઈ આવે છે. આ વખતે સામાન્ય બેઠક હોય બે પટેલ ઉમેદવાર કિરીટ પ્રભુદાસ પટેલ અને વિમલ મહેશભાઈ પટેલ વચ્ચે સરપંચ પાવર માટે ચૂંટણી જંગ જામ્યો છે.

ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ વિમલ પટેલ સૌથી નાની વયના સરપંચ તરીકેનો તાજ શોભાવી ચુક્યા છે. ગત ટર્મમાં મહિલા સામાન્ય બેઠક હોય ઈન્દિરાબેન મહેશભાઈ પટેલ અંદાજે 250 મતે વિજય બન્યા હતા. જેઓ હાલના સરપંચ ઉમેદવાર વિમલ પટેલના માતા છે.

આ વર્ષની ચૂંટણીમાં સરપંચના સામસામી ઉમેદવાર હોઈ ચૂંટણી જંગ પ્રતિષ્ઠાનો મુદ્દો બની ગયો છે. આ અંગે ચૂંટણી નોડલ અધિકારી શકીલ વ્હોરા સાથે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, સરસા સરપંચ પદના ઉમેદવાર વિમલ પટેલે હરીફ ઉમેદવાર કિરીટ પટેલ ઉપર ચૂંટણી આચારસંહિતાનો ભંગની ફરિયાદ કરી છે. ગેરકાયદેસર રીતે મતદારોને ઉમેદવારના સ્ટીકર અને ચૂંટણી ચિન્હવાળા ચવાણુંના પેકટ વહેંચવામાં આવ્યાં છે. જે અંગે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે. જેથી નોડેલ તરીકે સારસા ગામે પહોંચી તપાસ ચાલુ કરવામાં આવી છે. આ ઘટના બાદ મતદારોને લોભામણી ભેટ આપી મતના સોદા કરતા સોદાગરોમાં ફફડાટ વ્યાપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...