લેન્ડ ગ્રેબિંગ:બેંકમાં તારણમાં મૂકેલી જમીન બે શખસોએ પચાવી પાડતા ફરિયાદ

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમીનમાં મૂળ માલિકની કોઈ પણ પરવાનગી વિના પાકનું વાવેતર પણ કરાતું હતું

ખંભાત તાલુકાના મોતીપુરામાં આવેલી ત્રણ અલગ-અલગ સર્વેવાળી જમીન પર ભરવાડ કોમના બે શખસોએ મૂળ માલિકીની જાણ બહાર કબજો જમાવી લીધો હતો. સમગ્ર બનાવની જાણ ગત ડિસેમ્બરમાં થતાં તેમણે કલેક્ટરમાં લેખિતમાં અરજી આપી હતી. મૂળ અમદાવાદના વસ્ત્રાપુર ખાતે મુકુન્દભાઈ ડાહ્યાભાઈ પટેલ રહે છે. તેમણે ખંભાત પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2015માં તેમના પિતા ગુજરી ગયા હતા. એ પછી તેમની માલિકીની જમીનમાં તેઓ તથા તેમના ભાઈ-બહેનો સીધા વારસદાર બન્યા હતા. તેમના પિતાની માલિકીની ખંભાતના મોતીપુરામાં અલગ-અલગ જમીન આવેલી છે.

જે બેંકમાં તારણ પર મૂકેલી છે. જેના પર હનુ ધના ભરવાડ, પૂના વશરામ ભરવાડે (રહે. હરીપુરા, લાટ, મોતીપુરા, ખંભાત) સર્વે નંબર 178 હે. 2-11-45 જૂની શરતવાળી જમીન તથા બ્લોક સર્વે નંબ 179 હે. 3-16-67 જૂની શરતવાળી જમીનમાં ગેરકાયદે કબજે કરી પચાવી પાડી, તેમની મંજૂરી વિના પાકનું વાવેતર કર્યું હતું.

એ જ રીતે તેમના ભાઈ પ્રકાશભાઈની માલિકીની સર્વે નંબર 231 હે. 3-25-77 જૂની શરતવાળી જમીનમાં તથા તેમના ભાઈ નવનીતભાઈની માલિકીની સર્વે નંબર 239 હે. 3-12-53 વાળી જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરી પાકનું વાવેતર કર્યું હતું. પ્રકાશભાઈ અમેરિકા હોય અને નવનીતભાઈ નેપાળ હોય તેમના બંન વતી મુકુન્દભાઈએ આ મામલે બંને શખસો વિરૂદ્ધ ત્રણ અલગ-અલગ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...