તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાડ જ ચીભડાં ગળી ગઈ:ધુવારણ પાવર પ્લાન્ટમાંથી સાડા પાંચ કરોડના સ્પેર પાર્ટસની ચોરી, 6 અધિકારીઓ સહિત 7 સામે ફરિયાદ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • સીંગાપુરથી રીપેરીંગ થઈ આવેલા ગેસ ટર્બાઈનના 98 પાર્ટસ ગુમ થયા..!

વિશ્વ સ્તરે મોટું નામ ધરાવતા ખંભાત સ્થિત ધુવારણ પાવર પ્લાન્ટમાં રૂ.5.55 કરોડના સ્પેર પાર્ટસ ગુમ થઇ જતાં ભારે હોબાળો મચ્યો છે. છેલ્લા છ મહિનાથી આંતરિક તપાસના અંતે આ ઘટના પાછળ એન્જિનીયર સહિત છ જવાબદાર અધિકારીઓ અને સિક્યુરીટી એજન્સીના કર્ચમારી, અધિકારીની જવાબદારી ફિક્સ થતાં તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

જુલાઈ 2019માં સીંગાપોરથી પાર્ટસ પરત આવ્યા હતા
ખંભાતના જીએસઇસીએલ ધુવારણ પ્લાન્ટ ખાતે છેલ્લે જૂન – જુલાઇ 2020માં ઓડિટ કરવામાં આવ્યું હતું. બાદમાં 2021નુ વાર્ષિક ઇન્વેન્ટરી ઓડિટ હાલ ચાલુ હતી. ધુવારણ ખાતે ગેસ આધારીત પાવર પ્લાન્ટ આવેલા છે. જેના અલગ અલગ ત્રણ પ્લાન્ટ છે. જે પૈકી એક પ્લાન્ટ સીસીપીપી-1 આવેલો છે. જે પ્લાન્ટમાં ગેસ ટર્બાઇનમાં બકેટ ઓફ ગેસ ટર્બાઇન તથા સ્રાઉડ ઓફ ગેસ ટર્બાઇન જે ગેસ ટર્બાઇનના સ્પેરપાર્ટસ હોય છે. આ પાર્ટસ ઓક્ટોમ્બર 2010માં પ્લાન્ટમાં લગાવવામાં આવ્યાં હતાં.

2010માં લગાવાયેલા પાર્ટસ ખરાબ થઇ જવાથી સને 2018 ઓક્ટોબર માસમાં બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં ગેસ ટર્બાઇનના સ્ટેજ 1 અને 2ના પાર્ટસ જામ થઇ જવાથી ખુલ્યાં ન હોવાથી તેને ટર્બાઇન રોટર સાથે સીંગાપુર ખાતે સને માર્ચ, 2019માં મોકલી આપ્યાં હતાં. જે 20મી જુલાઇન 2019માં પરત આવ્યાં હતાં. આ પાર્ટસ મીકેનીકલ મેઇન્ટેનન્સ વિભાગના અધિકારી, કર્મચારી તથા જનરલ ઇલેક્ટ્રીક તથા પાવરમેક પ્રોજેક્ટ લીમીટેડ કંપનીના અધિકારી, કર્મચારીઓની હાજરીમાં ટર્બાઇન રોટર સાથે બકેટ ઓફ ગેસ ટર્બાઇન 92 નંગ પરત રાખવામાં આવ્યાં હતાં.

મેઈન્ટેનન્સ વિભાગે પાર્ટસની ગણતરી કરી પણ લેખિત જાણ ના કરી
આ તમામ બકેટ અને સ્રાઉડ ઓફ ગેસ ટર્બાઇન નંગ 24 જે સીસીપીપી 1-2માં લાકડાના બોક્સમાં રાખેલા અને તેની નોંધ ઇન વોઇસ હોય તેમાં કરી હતી. જોકે, ગણતરી બાદ મેઇન્ટેનન્સ વિભાગના અધિકારીઓએ લેખિત જાણ કરી ન હતી. આ સ્પેરપાર્ટ જે સીસીપીપી 1-2 પ્લાન્ટમાં રાખેલા હતા. જે અંગે લેખિતમાં કોઇ સિક્યુરીટી વિભાગને જાણ કરી ન હતી. તે પછી 12મી ઓક્ટોબર, 2020ના રોજ બકેટ ઓફ ગેસ ટર્બાઇન નંગ 92 તથા સ્રાઉડ ઓફ ગેસ ટેર્બાઇન નંગ 24 સીસીપીપી 1-2માં લાકડાના બોક્સમાં રાખેલા હતા. બાદમાં ઓક્ટોબર 2018થી જે જગ્યાએ વોચ ટાવર -4 ઉપર નિયમિત સિક્યુરીટી ગાર્ડની નિમણૂંક કરી હતી.

2020માં થયેલી તપાસમાં પાર્ટસ ગુમ થયાનું ધ્યાન પર આવ્યું
જે બાદ તા.29મી ડિસેમ્બર, 2020ના રોજ બપોરે જીઇના પ્રતિનિધી ડીમ્પલ મહેતા, કાર્તિકેય જેઓ સીસીપીપી-1ના એચજીપીઆઈના પ્લાનીંગ માટે સ્થળ તપાસ કરવા જતા ગેસ ટેર્બાઇનના સ્પેર પાર્ટસ સ્રાઉડ તથા બકેટ મળ્યાં નહતાં. આ અંગે મેઇન્ટેનન્સ વિભાગના ડેપ્યુટી એન્જિનીયર જે.સી. પરીખને જાણ કરી હતી. જેથી ખાત્રી કરતાં બકેટના 86 અને સ્રાઉડ ઓફ ગેસ ટેર્બાઇન નંગ 12 ગુમ થઇ ગયેલા હતાં. આ અંગે ઉચ્ચ કક્ષાએ જાણ કરતાં તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. 86 બકેટ કિંમત રૂ.5,11,70,000 તથા 12 સ્રાઉડ ઓફ ગેસ ટર્બાઇનના પાર્ટસ કિંમત રૂ.43,32,000 મળી કુલ રૂ.5,55,02,000 જેટલી કિંમતના સ્પેર પાર્ટસ ચોરી અંગે આંતરિક તપાસ શરૂ થઈ હતી.

મહત્વનુ છે કે આ પાર્ટસ 13મી ઓક્ટોબર, 2020ના રોજ બીજી જીટી હૈદરાબાદ ખાતે રીપેરીંગ માટે મોકલાવેલા હતાં. આ ગુમ થયેલા સ્પેર પાર્ટસ સીંગાપુર ખાતે રીપેરીંગ માટે મોકલવાના હોવાથી 16મી ડિસેમ્બર, 2020ના રોજ એસબીઆઈ બેન્કથી જીઆઈ વેવર અને 15મી ડિસેમ્બર, 2020થી ચાર્ટ્ડ એન્જિનીયર આર.કે. પટેલ એન્ડ કંપનીનું સર્ટીફિકેટ તૈયાર કરાવ્યું હતું. આ અંગે મેન્ટેનન્સ વિભાગે 24મી ડિસેમ્બર, 2020ના રોજ મેઇન સ્ટોર વિભાગના અધિકારીને જાણ કરી હતી.

ગુમ પાર્ટસ અંગે 6 અધિકારી સહિત 7 સામે ફરિયાદ
આ ગુમ પાર્ટસ અંગે જુદા જુદા છ અધિકારી અને ગાંધીનગર સ્થિત પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સી મેસર્સ ભક્તિ કન્સલ્ટન્ટની જવાબદારી નક્કી કરવામાં આવી હતી. આ અંગે એડીશનલ ચીફ એન્જિનીયર તરીકે ફરજ બજાવતા દિલમસિંગ હિરાભાઇ વસાવાએ છ અધિકારી અને ખાનગી સિક્યુરીટી એજન્સી સામે ફરિયાદ આપતાં ખંભાત ગ્રામ્ય પોલીસે ઉચપતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કોની કોની સામે નોંધવામા આવી ફરિયાદ?

  • આર.વી. વસાવા, એન્જિનિયર​​​​​​​
  • જે.સી. પરીખ, ડેપ્યુટી એન્જિનિયર
  • બી.આર. પટેલ, ડેપ્યુટી એન્જિનિયર
  • એમ.બી. જયસ્વાલ, જુનિયર એન્જિનિયર
  • બી.એમ. મકવાણા, સલામતી વિભાગના એસઓ અધિકારી
  • એસ.જી. લેઉઆ
  • મેસર્સ ભક્તિ કન્સલ્ટન્ટના કર્મચારી, અધિકારી (ખાનગી સિક્યુરીટી એજન્સી)
અન્ય સમાચારો પણ છે...