ફરિયાદ:પીપળોઈ ગામે ટેમ્પો ભાડે લઈ સગેવગે કરી દેતા 6 સામે ફરિયાદ

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોતાના ભાગીદારને ટેમ્પો ભાડે ફેરવવા આપ્યો હતો

પીપળોઈ ગામના કસબામાં 45 વર્ષીય ગુલાબખાન રસુલમીયા મલેક પોતાના પરિવાર સાથે રહે છે. વર્ષ 2019 માં તેમણે ગામમાં રહેતા બળવંતભાઈ પટેલની સાથે ભાગીદારી કરી આઈસર ટેમ્પા ખરીદ્યો હતો. અને ભાડેથી ટેમ્પો ચલાવવા આપતા હતા. આ દરમિયાન બળવંતભાઈ પટેલને કાશીભાઈ વીરાભાઈ ભરવાડ (રહે. ખંભાત) તથા ધનાભાઈ ભરવાડ (રહે. પેટલાદ)નો સંપર્ક થયો હતો. 2019ના જુલાઈની 25મીઅે આ બંને જણા માસિક 50 હજારના ભાડે ટેમ્પો લઈ ગયા હતા.

થોડાં સમય બાદ તેમણે ટેમ્પો ભાડે માંગતા આ બંને જણા કહેતા હતા. તમારો ટેમ્પો ધીરૂ ભવાન ભરવાડ (રહે. ખંભાત)ને ભાડે ફેરવવા આપ્યો છે. થોડો સમય આપો તેની પાસેથી લઈ તમને આપી દઈશું. તેઓ વારંવાર ટેમ્પો પાછો માંગતા હતા પરંતુ આ બંને જણા બહાના બનાવતા હતા. એટલે આ લોકોએ તપાસ કરી તો જાણવા મળ્યું કે કાશીભાઈ, ધના અને ધીરૂ આ ત્રણેય જણાએ ભેગા થઈ તેમનો ડેમ્પો ભરત બાવા, અજય કંસારા અને ઈરફાનખાનને આપ્યો હતો. જે તેમણે સગેવગે કરી લીધો હતો.

બીજી બાજુ દુર્ગા ફાઈનાન્સ કંપની કે જેમની પાસેથી ટેમ્પા માટે લોન લેવાઈ હતી. જે સતત હપ્તા માંગતા હતા અને ટેમ્પો બતાવવા કહેતા હતા. પરંતુ તેમનો ટેમ્પો છ વ્યક્તિઓએ બારોબાર ગાયબ કરી લીધો હોય ના છુટકે તેમણે આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...