ચોમાસા દરમિયાન વધુ વરસાદના કારણે દર વર્ષે આણંદ શહેર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉભી થતી હોય છે. જેના નિવારણ માટે આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી કાંસની સફાઈ કામગીરીનું કલેકટર મનોજ દક્ષિણીએ આજે જાત નિરીક્ષણ કરવામા આવ્યુ હોવાથી સરકારી આલમમાં રીતસરની દોડધામ મચી ગઈ હતી. જો કે વર્ષોથી કાંસની માત્ર સાફસફાઇ બતાવી અને તંત્રને ઊંધા ચશ્મા પહેરાવીને માત્ર કાગળો પર લાખો રૂપિયા મંજુર કરી દેવામા આવતા હતા. આખરે સ્થળ પર કલેકટર દ્વારા એકશન પ્લાન નકશા સાથે તપાસ કરાતા કોન્ટ્રાકટરો સહિત સરકારી બાબુઓની પોલ ખુલ્લી પડી ગઇ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ આગામી ચોમાસા દરમિયાન કાંસની સફાઇ કામગીરી યોગ્ય રીતે થાય અને આણંદ જિલ્લાની જાહેર જનતાને ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઇ જવાના કારણે કોઇ મુશ્કેલી ન સર્જાય તે માટે જિલ્લા કલેક્ટર મનોજ દક્ષિણીએ આણંદ પાલિકા સહિત સિંચાઇ વિભાગના અધિકારીઓ સાથે શહેરના અમિન ઓટો, વલ્લભ વિદ્યાનગર રેલ્વે સ્ટેશન, લોટીઆ ભાગોળ, વ્યાયામશાળા, ભાલેજ ઓવરબ્રિજ અને સામરખા-લાંભવેલ વિસ્તાર ખાતેથી પસાર થતા કાંસની રૂબરૂ મુલાકાત લઈ ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામા આવી હતી.વહેલી તકે જિલ્લામાં કાંસની સફાઇ સમય મર્યાદામાં પૂર્ણ થાય અને ચોમાસા દરમિયાન પાણી ભરાવાના કોઇ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તેવી કામગીરી કરવા સબંધિત અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં સુચનાઓ આપી હતી.
આમ, કલેકટર ધ્વારા શહેરનાં કાંસની મુલાકાત લેવાના હોવાથી આણંદ નગર પાલિકાના સત્તાધીશોને ગંધ આવી જતાં કોન્ટ્રાકટરોને તાત્કાલિક ધોરણે અમીન ઓટો કાંસ સહિત અન્ય કાંસની સાફસફાઇ હાથ ધરી રસ્તાઓ ચકાચક કરી દીધા હતા. કાંસમાં ગેરકાયદે કનેકશન જોડાણો કલેકટરને દેખાય નહીં તેવી રીતે ઝાડી ઝાંખરા પાથરી દેવાયા હતા. ટુંક સમયમાં વરસાદ પડે અને છતાંય આણંદ શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જાય તો હવે પાલિકાના જવાબદાર અધિકારીઓની હવે ખેર નથી તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.