• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Collector Orders To Clean Gutter bronze In Anand District So That Water Filling Problems Do Not Arise During Monsoon Season.

અધિકારીઓને તાકીદ:આણંદ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણી ભરાવાના પ્રશ્નો ન ઉદ્દભવે તે માટે કલેક્ટરે ગટર–કાંસની સફાઇ કરવા આદેશ કર્યા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રિ-મોન્સુન એકશન પ્લાનની સમીક્ષા અર્થે કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી

આણંદ કલેકટર મનોજ દક્ષિણીએ આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ચોમાસાની ઋતુ દરમિયાન શહેરી કે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તેમજ નાગરિકોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે જોવા અધિકારીઓને અત્યારથી જ કામે લાગી જવા તાકીદ કરી છે. ખાસ કરીને પાલિકા અને કાંસ વિભાગને ગટર – કાંસની સફાઇ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત પાણીના નિકાલના રસ્તા પર દબાણ હોય તો તોડી પાડવા પણ મામલતદારોને આદેશ કર્યો છે. જોકે, આ સુચનાઓનો કેટલો અમલ થશે? તે આગામી ચોમાસા દરમિયાન જાણવા મળશે.

આણંદ કલેકટરાલય ખાતે આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પ્રિ-મોન્સુન એકશન પ્લાનની કલેકટર મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી સમીક્ષા બેઠકમાં જે સ્થળોએ વોટર લોગીંગના પ્રશ્નો રહેતા હોય તેવા સ્થળોની મુલાકાત લઇ વોટર લોગીંગના પ્રશ્નો ન રહે અને ગટર - કાંસની સાફ-સફાઇ સમયસર થઇ જાય તે માટે તકેદારીના તમામ પગલાં ભરવા આદેશ કર્યો હતો. આણંદમાં કાંસની યોગ્ય સાફ-સફાઇ કરવાની સાથે બાકરોલ, વિદ્યાનગર, આંકલાવ, ગામડી જેવા શહેરી-ગ્રામ્યના જે વિસ્તારોમાં ભૂતકાળમાં પાણી ભરાવાના પ્રશ્નો રહેતા હોય તે વિસ્તારો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી મુશ્કેલીઓ ન પડે તેવું આગોતરૂં આયોજન કરવાની સાથે કચરાનો પણ યોગ્ય નિકાલ થાય તે જોવા જણાવ્યું હતું.

આણંદ જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાએ સ્વચ્છ ભારત મિશન - ગ્રામણી અંતર્ગત જિલ્લામાં રચવામાં આવનારી સ્વચ્છ પંચાયત સમિતિની વિગતો આપી ચોમાસાની ઋતુ દરમિયાન પ્રિ-મોન્સુન એકશન પ્લાન મુજબની કામગીરી થાય તે જોવાનું સૂચવી તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ સતત ચાલુ રહે અને તમામ પ્રકારની માહિતી સંબંધિતોને સમયસર મોકલી આપવામાં આવે તે માટેની કાળજી રાખવા જણાવ્યું હતું.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર કેતકી વ્યાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જી. વી. દેસાઇ, જિલ્લાના અમલીકરણ અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ, ચીફ ઓફિસરો, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

અનાજ, વીજળી અને વાહન વ્યવહાર પર વધુ ભાર મુકાયો

ચોમાસાની ઋતુ દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓ અને દવાઓનો પુરવઠો જળવાઇ રહે તે જોવાનું જણાવી સંબંધિતોને જોખમી વૃક્ષો, ઝાડી-ઝાંખરા જે નડતરરૂપ હોય તે ઉતારી લેવા જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત વીજ કંપની અને વાહનવ્યવહારના અધિકારીઓને તેઓના શીડયુલ ખોરવાઇ ન જાય તેની વિશેષ કાળજી રાખવા પણ કહ્યું હતું.

અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ

અધિકારીઓને ચોમાસાની ઋતુ દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય પોતાનું હેડકવાર્ટર ન છોડવાની તાકીદ કરી રેસ્કયુ-રીલીફ ટીમની રચના કરવા અને સંબંધિતોને તાલીમબધ્ધ કરવા સુચવ્યું હતું. તેમણે વધુમાં રીસ્પોન્સ ટીમ બનાવવાનું સૂચન કરી પ્રજાજનોને કોઇપણ પ્રકારની હાલાકી ન પડે તે જોવા પર ભાર મૂકયો હતો. સ્થળાંતરના સંજોગો ઉપસ્થિત થાય તો તેના આશ્રયસ્થાનોની જરૂરી ચકાસણી કરવાની સાથે, સામાજિક – સેવાભાવી - સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત એનસીસી, એનએસએસ, તરવૈયાઓ, હોમગાર્ડઝના જવાનોની યાદી તૈયાર રાખવા ઉપરાંત સરકારી, ખાનગી જેસીબી મશીનો, ક્રેઇન, ટ્રેકટર, ડમ્પરની વિગતો તૈયાર કરવા પણ સુચવ્યું હતું.

જર્જરિત મકાનો ઉતારી લેવા કાર્યવાહી કરવા આદેશ

કલેકટરએ જિલ્લામાં જયાં જર્જરિત મકાનો હોય તો તેવા મકાનોની ખાતરી કરી આવા જર્જરિત મકાનો ઉતારી લેવામાં આવે તે માટેની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત તમામ અધિકારીઓને ગામ-તાલુકા અને જિલ્લા કક્ષાનો વિગતવાર એકશન પ્લાન ઘડી કાઢવાની સાથે જિલ્લા-તાલુકા મથકોએ કંટ્રોલ રૂમ સતત કાર્યરત રહે તે જોવાનું જણાવી બચાવ-રાહત કામગીરીના તમામ સાધનો ચાલુ હાલતમાં છે કે કેમ ? તેની યોગ્ય ચકાસણી કરાવી લેવા પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...