CMએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો:મુખ્યમંત્રીએ આણંદ જિલ્લાના કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સ કરી કોરોના સંક્રમણ સામે તંત્રની સજ્જતાની સમીક્ષા કરી

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ આરોગ્ય વિભાગ દ્વારા 10 જાન્યુઆરીથી ઉકાળા વિતરણ કરવામાં આવશે

આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કોરોના સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યો છે. જેની ગંભીરતાના પગલે મુખ્યમંત્રીએ પાંચ મહાનગર ઉપરાંત આણંદ જિલ્લાના કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં સમીક્ષા કર્યા બાદ 10મી જાન્યુઆરીથી આયુષ દ્વારા મહાનગર સાથે આણંદ જિલ્લામાં પણ આયુષ દ્વારા ઉકાળા પાવડર પહોંચાડવામાં આવશે.

પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર

રાજ્યમાં કોરોના સંક્રમણ સામે જિલ્લા અને મહાનગરોના વહિવટી તંત્રની સજ્જતા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સર્વગ્રાહી સમીક્ષા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજીને કરી હતી. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર અને ખેડા, આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ તથા કચ્છના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીએ મુખ્યમંત્રીને પોતાના વિસ્તારોમાં વેક્સિનેશન ડ્રાઇવ, ટ્રેસીંગ-ટ્રેકીંગ અને જરૂરતમંદ કેસોમાં આઇસોલેશન તથા હોસ્પિટલોમાં દવાઓ, ઓક્સિજન બેડ વિગેરેની સંપૂર્ણ વિગતો આપી હતી.

આણંદમાં કોરોના સામે રોગ પ્રતિકારક શકિત વધારવા સોમવાર તા.10 જાન્યુઆરીથી મહાનગરો અને જિલ્લાઓમાં આયુષ દ્વારા સમગ્ર રાજ્યમાં દરરોજ કુલ મળીને બે હજાર કિલો ઉકાળા પાવડર પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેનો પણ લાભ વધુને વધુ લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થાઓ કરવા પણ આ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં સૂચના આપવામાં આવી હતી.

જિલ્‍લામાં કલા મહાકુંભ-2021ની તમામ સ્‍પર્ધાઓ સ્‍થગિત

રમતગમત યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા, કમિશનર, યુવક સેવા સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત અને આણંદ જિલ્‍લા વહીવટીતંત્ર સંચાલિત આગામી 10 જાન્યુઆરી 2021થી જિલ્‍લામાં ચોથા કલા મહાકુંભ-2021 અંતર્ગત તાલુકા કક્ષાની વિવિધ સ્‍પર્ધાઓનો પ્રારંભ જિલ્‍લાના વિવિધ તાલુકાઓમાં થનાર હતો.આ અંગે આણંદના જિલ્‍લા રમત-ગમત અધિકારીએ જણાવ્‍યું હતું કે, હાલમાં કોરોના (ઓમીક્રોન વેરિએન્‍ટ)નું સંક્રમણ વધતાં રાજય સરકારના તમામ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવેલ હોઇ જયાં સુધી બીજી સૂચના ન મળે ત્‍યાં સુધી તાલુકા કક્ષાનો કલા મહાકુંભ-2021 હાલ પૂરતો સ્‍થગિત રાખવામાં નિર્ણય લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...