કર્મચારીઓએ રેલીનું શસ્ત્ર ઉગામશે:આણંદમાં વર્ગ-3ના સરકારી કર્મચારીઓ પડતર માંગણી સંદર્ભે કાલે રેલી યોજશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતના મુદ્દે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવશે

રાજ્યમાં શિક્ષક સંઘના કર્મચારીઓ, તલાટી સહિત વર્ગ 3ના અનેક કર્મચારીઓ જૂની પેન્શન યોજના અને બીજી અન્ય માંગણીઓને લઈને સમગ્ર રાજ્યમાં પેન ડાઉન કરીને આંદોલન કરી રહ્યા છે. છેલ્લા અઠવાડિયાથી ચાલતા આંદોલનમાં કર્મચારીઓના હલ માટે બનાવેલા ગુજરાત સરકારની પાંચ વ્યક્તિઓની કમિટી તરફથી કોઈ પ્રતિક્રિયા નહીં મળતા હવે રેલી યોજી લડત આપવાના છે.

અનેક માંગણીઓ મુદ્દે રેલીનું આયોજન
આણંદ જિલ્લાના વર્ગ -3ના કર્મચારીઓ પોતાની અનેક માંગણીઓને લઈને સરકારના મૌખિક વાયદા સાથે સહમત થવા તૈયાર નથી. આથી, સરકાર લેખિતમાં માંગણીઓ સ્વીકાર કરે જે મુદ્દે કર્મચારીઓ આંદોલનને ચાલુ રાખવાની તૈયારી બતાવી ચૂક્યા છે. સમગ્ર સપ્ટેમ્બર માસ દરમિયાન જિલ્લા કક્ષાએ તેમજ રાજ્યકક્ષાએ કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન સહિત અનેક માંગણીઓના મુદ્દે રેલીનું આયોજન કરી કલેક્ટરને આવેદન પત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
અચોક્કસ મુદ્દતની હડતાળની પણ ચીમકી
મહત્વનું છે કે, આવનારા દિવસોમાં સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા નહી મળે તો તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. વર્ગ 3ના કર્મચારીઓ જૂની પેન્શન યોજના, સહિત ફિક્સ પગાર નાબૂદ કરવા, સાતમા પગાર પંચને ચાલુ કરવા, તથા કેડરના કર્મચારીઓના પગાર ભથ્થામાં સુધારો કરવા, અને વય નિવૃત્તિમાં વધારો સહિતના અનેક મુદ્દે પેનડાઉન લડત ચાલુ છે. આ સાથે તા. 3 સપ્ટેમ્બરને શનિવારના દિવસે આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના કર્મચારીઓ આણંદ ખાતે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપશે. આ રેલી વ્યાયામ શાળાએ નિકળી ગણેશ ચોકડી સુધી જશે. જેમાં લગભગ એક હજાર જેટલા સરકારી કર્મચારીઓ સહિત અનેક સંગઠનો આ રેલીમાં ભાગીદાર થઈ પોતાની માંગણીઓના મુદ્દે લડત આપશે. આવનારા સમયમાં સરકાર દ્વારા મુદ્દાનો કોઈ હલ કાઢવામાં નહિ આવે તો અચોક્કસ મુદ્દતની હડતાળનું પણ શસ્ત્ર ઉગામવાની તૈયારી બતાવી છે.

અન્ય સમાચારો પણ છે...