પથ્થરમારો:સામરખા એકસપ્રેસ વે પર ડફેરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે શકમંદોને પોલીસે ઉભું રહેવાનું કહેતાં પથ્થરમારો કર્યો
  • ​​​​​​​પોલીસે​​​​​​​ પીછો કરીને પકડતાં છરીથી હુમલો, ડફેર-હોમગાર્ડ ઘાયલ

સામરખા નજીક એકસપ્રેસ વે પર ઝાડીમાં સંતાયેલા બે ડફેરને પોલીસે પડકારતાં પથ્થરમારો શરૂ કરી દીધો હતો. હોમગાર્ડના જવાનોએ હિંમત કરીને એક લૂંટારૂને ઝડપી પાડતાં તેણે હોમગાર્ડ જવાને છરી મારી ઇજા પહોંચાડી હતી. બીજી વખત છરી મારવા છતાં જવાન ખસી જતાં લૂંટારૂ પગમાં વાગતાં ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેને પકડી પાડયો હતો. જ્યારે તેનો સાગરિત ફરાર થઈ ગયો હતો.

આણંદ રૂરલ પોલીસ મથકમાં ફરજ બજાવતા કિરપાલસિંહ ઘનશ્યામસિંહ તથા નાઈટ ડ્યુટીમાં ફરજ બજાવતા હર્ષદભાઈ ઠાકોર, વિજયભાઈ ઓડ અને કિશનભાઈ પરમાર રાત્રીના સુમારે એક્સપ્રેસ હાઈવે પર આવેલા સામરખા ગામ પાસે નાઈટ ડ્યુટી હોય ચારેય જવાનો સામરખા ટોલનાકાએ પહોંચ્યા હતા. વહેલી સવારના ચારેક વાગ્યાના સુમારે કિશન અને હર્ષદભાઈ સામરખા સીમમાં આવેલી નહેર પાસેના રોડ ઉપર પેટ્રોલીગ કરતા હતા ત્યારે નજીકની ઝાડી-ઝાંખરામાં બે શખ્સો શકમંદ હાલતમાં દેખાયા હતા. જેથી તેમને ઉભા રહેવાની બુમ પાડતા જ તેમણે પથ્થરમારો ચાલુ કરી દીધો હતો.

તેમ છતાં પણ બન્ને જીઆરડીના જવાનોએ ડર્યા વગર પીછો કર્યો હતો અને સામેની સાઈડે ફરજ બજાવી રહેલા બન્ને જવાનોને પણ બોલાવી લીધા હતા. પોલીસે પીછો કરતા જ બન્ને શખ્સો ભાગ્યા હતા. જે પૈકી એક શખ્સને કિશનભાઈએ પકડી લેતાં તેણે પોતાની પાસેની છરી કાઢી હતી અને મારવા જતાં કિશનભાઈને ડાબા પગના ઢીંચણ નીચે છરી વાગતા લોહી નીકળવાનું ચાલુ થઈ ગયું હતુ. હર્ષદભાઈએ તેને બળ વાપરીને પકડી લેતાં છરીનો બીજો ઘા મારવા જતા હર્ષદભાઈ હટી જતાં લુંટારૂને જ છરીનો ઘા તેના પગની સાથળમાં વાગતા લોહીલુહાણ હાલતમાં ત્યાં જ બેસી ગયો હતો.

તુરંત જ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘવાયેલા જીઆરડીના જવાન કિશન અને લુંટારૂને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પોલીસે લુંટારૂનું નામઠામ પુછતાં તે અમદાવાદ જિલ્લાના ધંધુકાના બાજરડા ગામનો રહેવાસી ફારૂક ઉર્ફે ભુરીયો હાજી દાઉદ મોરી ડફેર હોવાનું જણાવ્યું હતુ.

તેની અંગજડતીમાંથી રોકડા રૂા.1360, મોબાઈલ ફોન, એક ગીલોલ અને પથ્થરો પણ મળી આવ્યા હતા, જે જપ્ત કરીને આ અંગે પોલીસે બન્ને વિરૂદ્ઘ પોલીસ કર્મચારી ઉપર છુટો પથ્થરમારો કરીને જીવલેણ હુમલો કરવાનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા બીજા લુંટારૂને પણ ઝડપીને પાડવાની કવાયત પોલીસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...