સળવળાટ:ગ્રામ પંચાયત-વિધાનસભાની ચૂંટણી પહેલા વધુ એક વાર આણંદમાં સિવિલનો સળવળાટ

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યાયામ શાળા મેદાનમાં 150 બેડની હોસ્પિટલ માટે કન્સલ્ટન્ટ એજન્સીની નિમણુંક : ~ 72 કરોડના ખર્ચનો અંદાજ
  • પાંચ વાર સ્થળ બદલાયું અને બે વાર ખાતમુર્હૂત થઇ ગયા પછી પણ સિવિલ સાકાર ના થઇ અને ફરી વાર તંત્રએ હોસ્પિટલનું રટણ શરૂ કર્યું

આણંદ શહેરમાં સિવિલનો પ્રશ્ન છેલ્લા 11 વર્ષેથી ટલ્લે ચઢયો છે. પાંચ વાર અલગ અલગ સ્થળ પસંદગી અને બે વખત ખાતમૂર્હુત કર્યા બાદ સિવિલ હોસ્પિટલની આણંદ જિલ્લામાં ઇંટ પણ મુકાઇ નથી. સિવિલનું સ્વપ્ન જોનાર પ્રજા પણ સિવિલ આણંદમાં નહીં બંને તે માની લીધું હતું. ત્યારે આગામી વર્ષમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સિવિલનો પ્રશ્ન ભાજપ માટે માથાના દુખાવા રૂપ સાબિત ન થાય તે માટે ફરીથી એકવાર આણંદમાં સિવિલ બનાવવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે.

સરકારની આ પહેલ ખરેખર વાસ્તવિક સ્વરુપ બને તેવી જિલ્લાવાસીઓ આશા રાખી રહ્યા છીએ. રાજ્ય સરકારે સિવિલ માટે માટે કન્સલ્ટીંગ એજન્સીને આર્કિટેકચરલ ડ્રોઇંગ અને ડિઝાઇન કરવા માટે નકકી કરી છે. આગામી એક સપ્તાહમાં રાજયની ટીમ મુલાકાત લઇને પ્લાનીંગ અંગે ચર્ચા કરીને ફાઇલ મંજૂરી માટે મોકલી આપશે. આણંદ જિલ્લો ખેડા જિલ્લાથી અલગ પડે 23 વર્ષ થઇ ગયા તેમ છતાં સિવિલ હોસ્પિટલ ના હોવાના કારણે ગરીબ અ્ને મધ્યમ વર્ગીય દર્દીઓએ નાછુટકે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવી પડતી હતી.

અત્યાર સુધી સરકારે માત્ર ઠાલા વચનો જ આપ્યા છે. સૌ પ્રથમ 2009માં સરકારે આણંદમાં સિવિલની કવાયત હાથ ધરી હતી. ત્યારબાદ જ્યારે પણ મોટી ચૂંટણીઓ આવે ત્યારે સિવિલની ફાઇલ પરથી ધૂળ ખંખેરવામાં આવે છે. અત્યાર સુધી અલગ પાંચ અલગ અલગ સ્થળ પસંદ કરાયા હતા અને બે જગ્યાએ ખાતમુર્હૂત પણ કર્યા હતા પરંતુ હજુ સુધી એક ઇંટ પણ મુકાઇ નથી. ગ્રામ પંચાયત અને વિધાનસભા્ની ચૂંટણી પહેલા ફરી પાછી ગતિવિધિ થઇ રહી છે ત્યારે અગાઉની જેમ માત્ર વાતો ના થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

સિવિલ હોસ્પિટલની સાથે મેડિકલકોલેજ ચાલુ કરાશે કે કેમ તે પ્રશ્ન યથાવત
પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, વિજય રૂપાણીએ સિવિલ હોસ્પિટલ માટે ગ્રાન્ટ ફાળવી હતી. પરંતુ જગ્યાના અભાવે પ્રશ્ન અટવાયેલો હતો. ત્યારે દોઢ વર્ષ અગાઉ સરકારી તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલ સાથે મેડિકલ અને નર્સીંગકોલેજ ઉભી કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી . પરંતુ હાલ માત્ર 150 બેડની સિવિલ હોસ્પિટલ માટે પ્લાનીંગ થઇ રહ્યું છે ત્યારે મેડીકલ કોલેજ ઊભી થશે કે નહીં તે પ્રશ્ન ઉદભવે છે.

ટી પી સ્કીમમાં નં 2 ફાઇનલ પ્લોટ નં 219 વ્યાયામ શાળા સિવિલ ઉભી થશે
જિલ્લા કક્ષાની હોસ્પિટલના બાંધકામ માટે આર્કિટેકચરલ ડ્રોઇંગ અને ડિઝાઇન માટેની કન્સલ્ટન્ટસી એજન્સી નક્કી કરવામાં આવી છે. હાલમાં જનરલ હોસ્પિટલ આણંદ માટેની પ્લાનીંગની કામગીરી ચાલી રહી છે. જે 10 દિવસમાં તૈયાર કરીને ઉચ્ચકક્ષાએ મંજૂરી અર્થે ફાઇલ જૂ કરવા આવશે. પ્લાનીંગ મંજૂર થતાની સાથે જ તાકીદે નકશા સહિત ડેન્ટર પ્રક્રિયા હાથ ધરાશે.

6.96 એકરમાં સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરાશે
2009 થી 2018 સુધી આણંદમાં સિવિલ હોસ્પિટલ બનાવવા માટે કુલ 19 કરોડની જોગવાઇ કરી હતી. તે માટે 278.51 ગુંઠા વ્યાયામ શાળામાં ફાળવવામાં આવી છે. આમ કુલ 6.96 એકર જમીનમાં 150 બેડની સિવિલ હોસ્પિટલ બનાવવા માટે તૈયારી આરંભી છે. કોરોના બાદ મોંઘવારી વધી જતાં બજેટ સાડા ત્રણ ગણું વધી જતાં હવે સિવિલ હોસ્પિટલ માટે 72 કરોડની જોગવાઇ કરી છે.

અન્ય સમાચારો પણ છે...