કોરોના સંક્રમણ:શહેર અને નગરોનું સંક્રમણ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ્યું વિદ્યાનગરની કોલેજમાં એક જ વર્ગના 7 વિદ્યાર્થી પોઝિટિવ

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંચાલકોએ 7મી સુધી કોલેજ બંધ રાખવા યુનિ. સત્તાવાળાઓને પત્ર લખ્યો, આરોગ્ય વિભાગ-વિદ્યાનગર પાલિકાને જાણ કરાઈ

આણંદ શહેર સહિત જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી અને લગ્નગાળાની સિઝનના કારણે કોરોના સંક્રમણ બેકાબુ બન્યું છે અને છેલ્લા 4 દિવસમાં 100 થી વધુ કેસ નોંધાયા છે. અત્યાર સુધી શહેર, નગર અને ગામો સુધી મર્યાદિત રહેલું સંક્રમણ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ્યું છે અને વિદ્યાનગરની આર્કિટેક્ટ કોલેજમાં એક જ વર્ગના સાત વિદ્યાર્થી પોઝિટિવ આવતા કોલેજને બંધ કરવામાં આવી છે. આ કોલેજમાં અન્ય ત્રણ વિદ્યાર્થી શંકાસ્પદ પોઝિટિવ છે.

વિદ્યાનગર મોટાબજાર વિસ્તારમાં ભાઇકાકા લાયબ્રેરી નજીક આવેલી એક આર્કીટેકચર કોલેજમાં સોમવાર સાંજે 2 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આ વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલા સામાન્ય તાવ કે શરદીના લક્ષણ ધરાવતા વિદ્યાર્થીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યા હતા. જેનો રીપોર્ટ મંગળવાર સવારે આવતાં વધુ 5 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેના પગલે સંચાલકોએ આગામી 7મી જાન્યુઆરી સુધી કોલેજ બંધ રાખવા માટે સરદાર પટેલ યુનિર્વસિટી સત્તાવાળાઓને પત્ર લખ્યો હતો સાથે આરોગ્ય વિભાગ અને વિદ્યાનગર પાલિકાને પણ આ બાબતે જાણ કરી હતી.

7 વિદ્યાર્થીઓ બહારના જિલ્લામાંથી અભ્યાસ કરવા માટે આવ્યા છે
કોલેજના સંચાલકોએ જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવ સાત વિદ્યાર્થીમાંથી 4 અમદાવાદના, 1 વડોદરાનો અને 1 વિદ્યાર્થી મહારાષ્ટ્રનો છે. તમામ વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરવામાં આવતા વડોદરા અને મહારાષ્ટ્રની વિદ્યાર્થીઓને તેમના વાલી ખાનગી કારમાં ઘરે લઇ ગયા હતા.

વર્ગખંડના તમામ વિદ્યાર્થીના ટેસ્ટ કરાશે
10 વિદ્યાર્થીઓ છેલ્લા ચાર પાંચ દિવસથી કોલેજમાં ના આવતા સંચાલકોએ તપાસ કરાવતા તેઓ બીમાર હોવાનું જણાયું હતું. જેમા કારણે આરટીપીસીઆર કરાવતા પ્રથમ બે વિદ્યાર્થી અને પછી પાંચ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા હતા, જેથી કોલેજમાં અભ્યાસ કરતાં 400 વિદ્યાર્થીઓમાં સંક્રમણ ન ફેલાય તે માટે કોલેજ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તેમજ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે.- સિધ્ધાર્થભાઇ, એડમિનિસ્ટ્રેશન વિભાગ, આર્કીટેકચર કોલેજ, વિદ્યાનગર.

7 વિદ્યાર્થીઓ કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી
પોઝિટિવ આવેલા તમામ સાત વિદ્યાર્થી સત્ર ચાલુ થયા બાદ છેલ્લા 20 દિવસમાં કયારે બહાર કે વતનમાં ગયા નથી. હોસ્ટલમાં રહીને અભ્યાસ કરે છે. તેઓ સ્થાનિક સંક્રમણનો ભોગ બન્યા હોવાનું આરોગ્ય વિભાગના અધિકારીઓનું માનવું છે.

અન્ય સમાચારો પણ છે...