પેટલાદ તાલુકાના રામોદડી ગામે ઘર બહાર અડાશમાં સુતેલા દંપતી વચ્ચે દસ માસનો માસુમ પુત્ર પણ મીઠી નિંદર માણી રહ્યો હતો. આ દરમિયાન કોઇ અજાણ્યો શખ્સ માસુમ બાળકને ઉઠાવી જઇ નજીકના તળાવમાં ફેંકી હત્યા કરી નાંખી હતી. આ અંગે વ્હેલી સવારે માતા – પિતા સહિત પરિવારજનોને જાણ થતાં તેઓ હતપ્રભ બની ગયાં હતાં. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પેટલાદના રામોદડી ટેમલી સીમ વિસ્તારમાં રહેતા દીપીકાબહેન મહેશભાઈ સોલંકી ઘરકામ તથા મજુરી કરે છે. તેમના લગ્ન છએક વર્ષ પહેલા થયાં હતાં અને આ લગ્ન જીવનમાં દસ માસ પહેલા પુત્ર મહિપાલને જન્મ આપ્યો હતો. દીપીકાબહેનના પરિવારમાં સાસુ શારદાબેન, સસરા તખાભાઈ, દિયર ગણપતભાઈ, દેરાણી ભાવનાબહેન સાથે સંયુક્ત પરિવારમાં રહેતાં હતાં.
11મી ઓગષ્ટના રોજ સાંજના ગામમાં મોગલ માતાના મંદિરે સમાજના માંડવામાં સમગ્ર પરિવાર ગયો હતો. જ્યાંથી રાત્રિના અગિયારેક વાગે સાસુ, સસરા અને દિયર, દેરાણી પરત ઘરે આવ્યાં હતાં. જ્યારે દીપીકાબહેન અને તેમના પતિ મહેશભાઈ, પુત્ર મહિપાલ ત્રણેય ત્યાં માંડવામાં રોકાયેલા હતાં. તે પછી રાત્રિના બે એક વાગ્યાના સુમારે તેઓ પણ ઘરે આવી ગયાં હતાં.
આ સમય દરમિયાન ત્રણેય ઘરની બહાર સુવા માટે ગયાં હતાં. આ સમયે દીપીકાબહેન અને મહેશભાઈની વચ્ચે પલંગમાં મહિપાલ (ઉ.વ.10 માસ)ને સુવડાવ્યો હતો. વ્હેલી સવારના સાડા ચાર વાગે દીપીકાબહેન જાગ્યા તે સમયે મહીપાલ બાજુમાં હતો નહીં. જેથી આસપાસમાં જોતાં દીકરો મળી આવ્યો નહતો. મહેશભાઈને જગાડીને વાત કરતાં ઘરના અન્ય સભ્યોને પણ જગાડ્યાં અને મહિપાલની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તે ક્યાંક મળ્યો નહતો.
આ વાત વાયુવેગે ગામમાં ફેલાઇ જતાં કુટુંબના માણસો અને આસપાસના લોકો પણ મહિપાલની શોધખોળ શરૂ કરી હતી. આખરે સાડા છ વાગે દીપીકાબહેનના ઘરથી છસ્સો મીટર દુર પાણીના તળાવમાંથી મહિપાલની લાશ મળી હતી. આ દૃશ્ય જોઇ પરિવાર હતપ્રભ બની ગયો હતો.
આ બનાવની જાણ પોલીસને કરતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એફ. રાઠોડ સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જ અજાણ્યા વ્યક્તિએ કોઇ પણ કારણસર મહિપાલનું અપહરણ કરી તળાવમાં નાંખી દઇ હત્યા કરી દીધી હોવાનું ખુલ્યું હતું. આથી, પોલીસે દીપીકાબહેનની ફરિયાદ આધારે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.