ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરીના દુષણ સામે કડક વલણ અપનાવ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા સરકારના આ અભિયાનમાં આમ જનતાને ડર વિના જોડાવવા આહવાન કર્યું છે અને તેના પરિણામે અનેક વ્યાજખોર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ છે તો બીજી તરફ પીડિત વ્યક્તિને કાયદા અને બેંક બન્નેનો સહારો મળ્યો છે. આ માટે આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી સાથે પીડિત અને જરૂરિયાતમંદ નાગરિકોને બેંક સાથે જોડી લોન અપાવવામાં પણ પોલીસ મદદ કરતી હોઈ સામાન્ય પ્રજામાં પણ આ વહીવટી પ્રયોગના હકારાત્મક અને પ્રશંસાપૂર્ણ અભિપ્રાયો બંધાયા છે.
313 લાભાર્થીઓને ચેકનું વિતરણ
ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સરદાર પટેલ મેમોરિયલ હોલ કરમસદ ખાતે આણંદ જિલ્લા પોલીસ દ્વારા યોજવામાં આવેલ લોન ધિરાણ કેમ્પમાં બેંકના સહયોગથી લાભાર્થીઓને જે રકમ મંજૂર કરવામાં આવી હતી, તે પૈકી 313 લાભાર્થીઓને ચેકનું વિતરણ મંત્રી અને મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ આણંદ જિલ્લાના નવ નિર્મિત ભાલેજ પોલીસ સ્ટેશન તથા પોલીસ ક્વાર્ટર્સ અને જોળ ખાતે નવનિર્મિત સ્ટેટ આઈ.બી. કચેરીનું ઇ-લોકાર્પણ કર્યું હતું.
વ્યાજખોરો વિરૂધ્ધ અભિયાન
આ પ્રસંગે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વ્યાજખોરીના દૂષણ સામેની લડાઈમાં પ્રજા પણ સાથ આપે તે જરૂરી છે. વ્યાજખોરો વિરૂધ્ધ અભિયાનની શરૂઆત કરીને પોલીસ વિભાગે માતાનું મંગળસૂત્ર પરત અપાવ્યું છે પોતાના સપનાનું ઘર પરત અપાવ્યું છે અને સામાન્ય અને મધ્યમ પરીવાર વર્ગ જે હેરાન થતો હતો તેમને નવું જીવન આપ્યું છે.
ત્રાસ આપતા હોય તો તાત્કાલિક પોલીસ વિભાગનો સંપર્ક કરવો
તેઓએ આણંદ કાર્યક્રમમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર રાજ્યમાંથી વ્યાજના દૂષણ સામેની લડાઈમાં કોઈપણ ચમરબંધીને છોડશે નહીં. રાજ્યના ખૂણે ખૂણેથી વ્યાજના દૂષણને નાબૂદ કરી નાગરિકોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરવામાં આવશે. રાજ્યમાંથી વ્યાજખોરોના દૂષણને દૂર કરીને જ રહીશુ. કોઈપણ જાતની ડર રાખ્યા વગર જો કોઈ ડાયરીવાળાઓ તમને ત્રાસ આપતા હોય તો તાત્કાલિક પોલીસ વિભાગનો સંપર્ક કરવા પણ તેમણે આહવાન કર્યું હતું.
ઊંચું વ્યાજ લેનારાઓ સામે કાયદાકીય પગલા લેવાશે
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારનું આ અભિયાન સતત ચાલુ જ રહેશે, ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે, સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારને હેરાન પરેશાન અને બરબાદ કરનાર વ્યાજખોરો ગુજરાત છોડીને ચાલ્યા જાય. રાજ્ય સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લઈને ઊંચું વ્યાજ લેનારાઓ સામે કાયદાકીય પગલા લેવામાં આવશે. પ્રારંભમાં અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક વી. ચંદ્રશેખરે સૌને આવકારી રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરોને ડામવા પગલાં લેવામાં આવ્યા છે તેની વિગતો આપી હતી અને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. અંતમાં આભાર દર્શન જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણકુમારે કર્યું હતું.
17 લોક દરબાર 500થી વધુ વ્યાજ પીડિતોને મદદ કરી
આણંદ જિલ્લાની વાત કરીએ તો,જિલ્લા પોલીસ વિભાગ દ્વારા 17 થી વધુ લોક દરબારો કરીને જિલ્લાના હજારો નાગરિકોની પીડા સાંભળી અને તેનું નિવારણ કર્યું, જેમાં 500 થી વધુ કિસ્સાઓમાં એવા પરિવારો કે જે વ્યાજ ખોરીના ચૂંગલમાં ફસાઈ ગયા હતા તેમને તેમાંથી મુક્ત કરાવી અને ફરીથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટેના માર્ગ પર લાવવા માટે આણંદ પોલીસે માનવતા દીપાવી છે.
ઇ-લોકાર્પણ અને સીસીટીવી દાતાઓને સમ્માનિત કરાયા
આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રીએ ભાલેજ ખાતે નવનિર્મિત 25 રૂમના પોલીસ ભવનનું ઈ-લોકાર્પણ કર્યું હતું તેમજ ભાલેજ પોલીસ લાઈનના બાર મકાનોનું પણ તેમણે ઈ લોકાર્પણ કર્યું હતું. આ પોલીસ ભવન રૂ.4.36 કરોડ ઉપરાંતના ખર્ચે તૈયાર કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત રૂ.2.47 કરોડના ખર્ચે જોળ ખાતે આણંદ સ્ટેટ.આઈ.બી કચેરીનું પણ તેમણે ઈ- લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે આણંદ જિલ્લામાં આવેલ ગામડાઓમાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આર્થિક સહયોગ આપનાર દાતાઓનું પ્રમાણપત્ર આપીને બહુમાન કર્યું હતું. જેમાં કાવિઠા, વીરસદ, મેઘવા, અલારસા, દાવોલ અને ભાલેજ ગામના દાતાઓનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.