દર્દીઓને સુવિધા:ચારૂસેટ હોસ્પિટલમાં ચરોતરનું પ્રથમ સારથી રિહેબિલિટેશન એન્ડ પેલીયેટીવ કેર સેન્ટરનો પ્રારંભ કરાયો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દર્દીઓની કરુણાસભર સારસંભાળ રાખવાના ઉમદા હેતુથી ચાંગા સ્થિત મલ્ટી સ્પેશિયાલિટી ચારૂસેટ હોસ્પિટલની સુવિધાઓમાં ચારૂસેટ સારથી રિહેબિલિટેશન એન્ડ પેલીયેટીવ કેર સેન્ટરનું દીપપ્રાગટ્ય અને રીબીન કટિંગ કરી ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ સેન્ટરમાં દર્દીઓને જટિલ રોગની સારવાર કરાવ્યા બાદ જીવવાની કોઇ જ આશા ના હોય તેમને હુંફ આપી અંત સુધી આરામદાયક રહે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

એકમાત્ર ઉત્તમ સેન્ટર
ચાંગા સ્થિત ચારૂસેટ હોસ્પિટલ દ્વારા સારથી રિહેબિલિટેશન એન્ડ પેલીયેટીવ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સેન્ટર વિશે માહિતી આપતા ડો. ઉમાબેન પટેલે જણાવ્યુ હતું કે, કોઈ પણ જાતના ઓપરેશન પછી હોસ્પિટલમાંથી તરત રજા લીધા બાદ સારસંભાળની જરૂર હોય તેવા દર્દીઓ, કોઈ પણ જટિલ રોગની સારવાર કરાવ્યા બાદ, જીવવાની કોઇ જ આશા ના હોય, પરંતુ દર્દીને હુંફ આપી જેટલું જીવે એ આરામદાયક રહે તેવી સુવિધા આ સેન્ટરમાં ઉપલબ્ધ છે. દૂ:ખાવો થતો હોય તેની સારવારથી પીડાતા તેમજ અપાતી દવાઓની આડઅસરથી પીડાતા દર્દીઓની સારસંભાળ કરાશે. ડિપ્રેશન, દુઃખાવો, શ્વાસની તકલીફ, થાક, કબજિયાત, ઊબકા આવવા, ખાવાનું ના ભાવવું વગેરેથી પરેશાન લોકો માટે સારવાર કરાશે. સામાજિક પ્રસંગોમાં જતાં પરિવારોના દર્દીઓને આ સેન્ટરમાં રાખી શકાશે. આ પ્રકારની સુવિધા આપતું ચારૂસેટ સારથી રિહેબિલિટેશન એન્ડ પેલીયેટીવ કેર સેન્ટર ચરોતરમાં આવેલું એકમાત્ર ઉત્તમ સેન્ટર છે.

જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી
આ સેન્ટરમાં 24 કલાક ડોક્ટર અને નર્સિંગ સારવાર, પૌષ્ટિક આહાર, મ્યુઝિક થેરાપી, યોગ, હળવી કસરત, કાઉન્સેલિંગ જેવી વિવિધ સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સારથી કેર ટીમ મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ, સામાજિક કાર્યકરો, ડાયેટિશિયન વગેરેની સેવાઓ સાથે સુસજ્જ છે અને જરૂરિયાત મુજબ ફિઝિયોથેરાપી, લેબ ટેસ્ટ, રેડિયોલોજી, પેઇન મેનેજમેન્ટ, નિષ્ણાત ડોક્ટર દ્વારા કન્સલ્ટેશન કરાશે. દર્દીઓ માટે લીલાછમ કેમ્પસમાં કુદરતી સાનિધ્યમાં એટેન્ડન્ટ દ્વારા વ્હીલચેરમાં સમયાંતરે હરવા-ફરવા માટેની સગવડ ઉપલબ્ધ છે. આ સેન્ટરમાં દર્દી અને દર્દીના એટેન્ડન્ટ માટે રહેવા માટે જનરલ વોર્ડ, સ્પેશિયલ રૂમ, ડિલક્સ રૂમ, સ્યૂટ રૂમની વ્યવસ્થા ઉપરાંત જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ લોકો ઉપસ્થિત રહ્યા
આ પ્રસંગે માતૃસંસ્થા કેળવણી મંડળના સીએચઆરએફના મંત્રી ડો॰ એમ. સી. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ સી. એ. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ-સીએચઆરએફના ખજાનચી કિરણભાઈ પટેલ, સહમંત્રી મધુબેન પટેલ, માતૃસંસ્થાના ટ્રસ્ટી પ્રિ. આર. વી. પટેલ, સી. એસ. પટેલ, એસ. પી. કોસ્ટા, એડવાઈઝર ડો. બી. જી. પટેલ, આર. એમ. પટેલ, ચારુસેટ હોસ્પિટલના ચીફ ઓપરેટીંગ ઓફિસર ડો. ઉમાબેન પટેલ, માતૃસંસ્થા કેળવણી મંડળ ચારુસેટ સીએચઆરએફના પદાધિકારીઓ, હોદેદારો, ચારૂસેટની ફેકલ્ટીના ડીન, વિવિધ કોલેજોના પ્રિન્સીપાલો,ચારૂસેટ હોસ્પિટલના ડોકટરો, સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...