આણંદ જિલ્લામાં વિધાનસભાની સાત બેઠકમાં ખંભાત બેઠક પર ભાજપના ઉમેદવારનો પ્રજા દ્વારા સખત વિરોધ થઇ રહ્યો છે, જેની અસર અન્ય બેઠક પર પણ ન પડે તે માટે મંગળવારના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આણંદ દોડી આવ્યાં હતાં. તેઓએ કાર્યકરોને મળવા ઉપરાંત ખંભાત, આણંદ અને સોજિત્રા બેઠકના ઉમેદવારોના ફોર્મ ભરતા સમયે હાજરી આપી હતી ત્યારે એવું માનવામાં આવી રહ્યુ હતુ કે હવે ખંભાતમાં બધું સમુસુતરું થશે.જોકે ફોર્મ ભર્યાની સાંજે જ ખંભાતમાં ભાજપના પ્રચાર માટે ગયેલ ગાડીયોને ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો હતો.ખંભાતમાં સતત વધતી આ ઘટનાઓએ પગલે જીલ્લા ભાજપ અગેવાનોનું ટેન્શન વધારી દીધું છે.
આણંદ જિલ્લાની ખંભાત વિધાનસભા બેઠક ભાજપનો ગઢ ગણાય છે.મયુરભાઈ રાવલ અહીંથી ધરાસભ્ય છે.કોરોના કાળ અને કોમી હુલ્લડો દરમ્યાન તેમની નબળી કામગીરીને લઈ વિરોધ અને ચૂંટણી બહિષ્કારના બોર્ડ સ્થાનિકોએ લગાવ્યા હતા.સ્થાનિક રોડ ,રસ્તા અને ગટરના સમસ્યાઓને લઈ ચૂંટણીમાં નામ જાહેર થતા નીકળેલ શોભાયાત્રા દરમ્યાન પણ સ્થાનિકોએ ઢોલ નગારા બંધ કરાવી વિરોધ કર્યો હતો. જોકે ચાલુ ટર્મની ચૂંટણી પૂર્વે અહીં ધારાસભ્ય ઉમેદવાર બદલાશેની પાર્ટી કાર્યકરો ,આગેવાનો અને સ્થાનિક પ્રજાની પણ ગણતરી હતી.પરંતુ ભાજપ દ્વારા આ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે રિપીટ કરતા અહીં અભૂતપૂર્વ વિરોધ વંટોળ ઉભો થયો છે.પ્રતિદિન ખંભાત મતવિસ્તારમાં મયુરભાઈ રાવલનો ક્યાંક ને ક્યાંક વિરોધ થતો હોવાના વીડિયો વાઇરલ થતા રહે છે.
ગઈકાલે ભાજપના પ્રચાર માટે આવેલ ટીમ ખંભાત મત વિસ્તારમાં ફરતી હતી ત્યારે સ્થાનિકોએ ભેગા થઈ હોબાળો મચાવ્યો હતો અને પ્રચાર કરવા આવેલ ટીમોને "મયુર રાવલ હાય હાય"ના નારા લગાવી ભગાડી હતી.સ્થાનિકો દ્વારા કેટલાક વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કારની પરિસ્થિતિ છે તો બીજી તરફ મતવિસ્તારમાં પ્રતિદિન ભાજપ ઉમેદવાર મયુરભાઈ રાવલ ને ભારે વિરોધ અને હલ્લાબોલનો સામનો કરવો પડી રહ્યો છે.મયુરભાઈ રાવલનું ફોર્મ ભરવા સમયે મુખ્યમંત્રી જાતે ઉપસ્થિત રહ્યા ઉમેદવાર વિરૂધ્ધ થતા વિરોધ વંટોળને ડામવા સ્થાનિક સંગઠન અને આગેવાન કાર્યકરોને યોગ્ય સૂચનાઓ પણ આપી હતી.જોકે જ્યારે પ્રજા જ વિફરી હોય ત્યારે અચ્છા ભલા નેતાનું અને પક્ષનું વજૂદ હતું નહતું કરી મૂકે છે.હાલ ખંભાતની પરિસ્થિતિ ભાજપ પ્રદેશ નેતાગીરી માટે પણ મોટો પડકાર બની રહી છે.જો યોગ્ય રણનીતિ અપનાવવામાં નહિ આવે અને કોંગ્રેસ મજબૂત ઉમેદવાર મેદાને ઉતારશે તો ભાજપને બેઠક જીતવા ફાંફાં પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.