આગાહી:ચરોતર સહિત મધ્ય-દક્ષિણ ગુજરાતમાં 20 અને 21 એપ્રિલે ગાજવીજ સાથે વરસાદની સંભાવના

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઉત્તર-પશ્વિમ રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોન સરક્યુલેશનથી ગુજરાતના વાતાવરણમાં પલટો
  • શિયાળા બાદ ઉનાળું પાકને પણ સાયક્લોનનું ગ્રહણ
  • 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, તાપમાન 3 ડિગ્રી ઘટશે

ઉત્તર-પશ્વિમ રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોન સરકયુલેશનના પગલે ચરોતર સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં આગામી 24 કલાકમાં વાતાવરણમાં પલટો જોવા મળશે, આણંદ-ખેડા જિલ્લાના કેટલાંક વિસ્તારમાં 20મી એપ્રિલના રોજ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ અને 21મી એપ્રિલના રોજ કેટલાંક વિસ્તારમાં ગાંજવીજ સાથે વરસાદી ઝાંપટાની સંભાવના છે.

દક્ષિણ ગુજરાતમાં કેટલાંક વિસ્તારમાં 30 કિમીની ઝડપે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વર્તાઇ રહીં છે. જેના કારણે ખેડૂતોને અગચેતીના ભાગરૂપે ખેતરોમાં કે ખુલ્લી જગ્યામાં ભરેલ ઘાસ, તમાકુ અને અન્ય પાકોને વરસાદીથી બચાવવા માટે ગોડાઉન કે સુરક્ષિત જગ્યાએ ભરી દેવા માટે વહીવટી તંત્ર દ્વારા સાવચેત કરવામાં આવ્યાં છે.

આણંદ કૃષિ હવામાન વિભાગના ડો. મનોજ લુણાગરીયાએ જણાવ્યું હતું કે, સાયક્લોન સરક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી ત્રણ દિવસ દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળશે, જેના કારણે મંગળવાર સવારથી ચરોતરમાં વાદળ છાયા વાતાવરણના વચ્ચે ભેજનું પ્રમાણ વધતાં મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાવાની શક્યતા વર્તાઇ રહીં છે. આગામી સપ્તાહમાં ગરમીમાં રાહત જોવા મળશે.

જો કે 20મી એપ્રિલના રોજ આણંદ-ખેડા જિલ્લામાં કેટલાંક વિસ્તારમાં સામાન્ય વરસાદી છાંટા પડશે. તો કેટલાંક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાંપટા પડવાની સંભાવના છે. મહતમ તાપમાન 36 ડિગ્રી જ્યારે પવનની ગતિ 10 કિમી આસપાસ રહેવાની સંભાવના છે. આમ ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે. જેથી શિયાળા બાદ ઉનાળુ પાકને પણ સાયક્લોનનું ગ્રહણ નડી શકે તેમ છે.

શાકભાજી-ફુલોના પાકને નુકશાનથી બચાવવા તકેદારી જરૂરી
ચરોતરમાં પવન સાથે છુટાછવાયા વરસાદી ઝાંપટા પડવાની શક્યતા છે. ત્યારે પવન અને વરસાદના કારણે ભીંડા,ગુવાર, ગુલાબ, હજારી સહિતના પાકોના છોડ નમી પડવાની અને ફુલો ખરી જતાં પાકને નુકશાન થવાની સંભાવના છે.

કૃષિ તજજ્ઞોએ જણાવ્યું હતું કે, વરસાદી માહોલના કારણે હાલ પુરતું પિયત આપવાનું ટાળવું જોઇએ. મોઝેઇક વાયરસનો ઉપદ્રવ વધી ના જાય તે માટે શાકભાજી અને ફુલોના પાકને જરૂરી દવાનો છંટકાવ કરવા જણાવ્યું છે. પવનને કારણે કેળના છોડ ઢળી પડવાની પણ શક્યતા છે. જેથી કેળની લૂમને નુકશાન થઇ શકે છે. તેને ધ્યાને લઇને કેળની ખેતી કરતાં ખેડૂતોએ કેળના છોડને ટેકો આપવા કૃષિ વૈજ્ઞાનિકોએ ટકોર કરી છે.

અન્ય સમાચારો પણ છે...