• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Central Government Launches Agri Business Incubator Center At ICAR For Entrepreneurial Farmers And Entrepreneurs In Anand

અનોખું સેન્ટર:આણંદમાં ખેતી સાથે બિઝનેસ કરવો સરળ, ICARમાં એગ્રી બિઝનેસ ઇન્ક્યુબેટર સેન્ટર શરૂ કરાયું

આણંદએક મહિનો પહેલા
  • ICARના બે ફાર્મમાં 1000થી વધુ ઔષધિ પ્લાન્ટ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં સેન્ટરની નોંધ લીધી હતી
  • બિઝનેસ આઈડીયાને સાકાર કરવા અહીં માર્ગદર્શનથી લઇ માળખાકીય સુવિધા પણ પુરી પાડવામાં આવે છે

કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતો અને ઉદ્યમીઓ માટે નવા રોજગાર અને વ્યવસાય શરૂ થાય તેનો વિકાસ થાય તેવા પ્રયાસો કરે છે. આણંદમાં હવે આયુર્વેદીક ખેતી સાથે બિઝનેસ કરવો સરળ બનશે. કારણ કે, શહેરમાં આવેલા ઇન્ડિયન કાઉન્સીલીંગ ઓફ એગ્રીકલ્ચર રિસર્સ (આઈસીએઆર)ના નેજા હેઠળ કાર્યરત ડીએમએપીઆર (ડાયરેક્ટર ઓફ મેડિસીનલ એન્ડ એરોમેટીક પ્લાન્ટ્સ રિસર્સ) દ્વારા એક અલગ જ અનોખું સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. જેમાં સામાન્ય વ્યક્તિના બિઝનેસ આઈડીયાને માર્કેટ સુધી લઈ જવામાં પુરેપુરુ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં તેમને બિઝનેસના ડેવલપમેન્ટ માટે રો મરિટીયલ ક્યાંથી લેવું ? અને તેનો તૈયાર માલ ક્યાં વેચવો ? તે તમામ બાબતનું ઝીણામાં ઝીણું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. હાલ આ કાર્યની નોંધ મન કી બાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લીધી છે.

આણંદના બોરિયાવી નજીક આવેલા આઈસીએઆર દ્વારા એગ્રી બિઝનેસ ઇન્ક્યુબેટર કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં વેપારમાં જરૂર જણાય ત્યાં માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી ઔષધીય ખેતીમાં માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું છે. હાલ કોરોના મહામારીના પગલે આયુર્વેદીક દવાનું મહત્વ વધ્યું છે. આવા સમયે આયુર્વેદીક દવાના ઉત્પાદનને લઇ માર્કેટીંગ સુધી વિવિધ તબક્કામાં માર્ગદર્શનની જરૂર પડતી હોય છે. જેમાં આ એગ્રી બિઝનેસ ઇન્ક્યુબેટર ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઇ રહ્યું છે.

ડીએમએઆરપીના ડાયરેક્ટર સત્યજીત રોયના માર્ગદર્શન હેઠળ પ્રિન્સીપાલ ઇન્વેસ્ટીગટર મેડીહબ આર. નાગરાજ રેડ્ડી અને બિઝનેસ મેનેજર મેડીહબના દીપાબહેન પટેલ દ્વારા કોઇ પણ વ્યક્તિને આયુર્વેદીક દવાના ક્ષેત્રે બિઝનેસ કરવો હોય તો સલાહ, સુચનથી માંડીને માળખાકીય સુવિધા–નાણાકીય મદદ માટે મળતી યોજનાનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

ICARના બે ફાર્મમાં 1000થી વધુ ઔષધિ પ્લાન્ટ

ICARના બે મોટા ફાર્મ અહીં આવેલા છે. જ્યાં વિવિધ ઔષધિના 1000થી વધુ પ્લાન્ટ વિકસાવેલા છે. વળી આ પ્લાન્ટમાં વિવિધ રીતે રિચર્ચ કરી તેનો વધુ વિકાસ થાય તે રીતે નવા સંશોધન કરવામાં પણ આવે છે. ઉદ્યમીઓ અને ખેડૂતો માટે સતત નવી વિજ્ઞાનિક પદ્ધતિએ તૈયાર કરેલી ઔષધિની ટેકનોલોજી સહિત વ્યાપારી માર્ગદર્શન પણ આપવામાં આવે છે.

ટેકનોલોજી કન્સલ્ટીંગ, બિઝનેસ કન્સલ્ટીંગ, મેનટરીંગ એન્ડ નેટવર્કીંગ એટલે કે કાચા માલના બજારથી લઇ તૈયાર માલના પ્રોડક્ટ બનાવવામાં જરૂરી સલાહ, સુચન આપવામાં આવે છે. કાચા માલની ખરીદી, પ્રોડક્ટ બનાવવામાં અને તેના માર્કેટીંગના વેચાણ સુધીનું માર્ગદર્શન આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રોડક્ટ માટે મશીનરી બનાવવા ક્યાંથી ખરીદવું ? કેવા પ્રકારનું ખરીદવું ? તમામ પ્રશ્નો મુંઝવણ દુર કરી દેવામાં આવે છે. આ ઉપરાંત મશીનરી બનાવવામાં પણ મદદ કરવામાં આવે છે.

બિઝનેસને પ્રોત્સાહન આપવા મેડીહબ ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટરનો સિમ્બોલ પણ ઉપયોગ કરવાની છુટ આપવામાં આવે છે. આ ઉપરાંત ખાસ સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. જેના થકી વેપારીની એક વિશ્વસનીયતા બજારમાં ઉભી થાય છે.

15 જેટલા ઉદ્યમીઓ વિવિધ બિઝનેસ માટે માર્ગદર્શનથી પ્રગતિ સાધી રહ્યા છે

આણંદના બોરિયાવી ખાતે આવેલા એગ્રીબિઝનેસ ઇન્ક્યુબેટરમાં બિઝનેસ મિટિંગ માટે પણ જગ્યા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 15 જેટલી વ્યક્તિને વિવિધ બિઝનેસ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જેમાં વેટનરી હર્બલ, મેડિશનલ પ્લાન્ટની ખેતી, ઔષધી પાકનું માર્કેટીંગ, કોન્ટ્રાક્ટ ફાર્મીંગ, કલ્ટીવેશન, ફાર્મ ઓટોમેશન (રોબોટીક્સ મશીન) સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

આણંદના સાઇસુધાબહેન દ્વારા પોતાની જ કંપની શરૂ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મેડિકલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ્સ રિસર્ચ સેન્ટર અને હર્બલ મેડિસિન દ્વારા નવો વ્યવસાય શરૂ કરનારા સાઇસુધા બહેનનો ઉલ્લેખ કર્યો હતો. મુળ આંધ્રપ્રદેશના અને આણંદમાં સ્થાયી થયેલા સાઇસુધાબહેન હાલ 40 કરતાં વધારે સર્ટિફાઇડ આયુર્વેદિક ઔષધિઓ દેશભરમાં પહોંચાડી રહ્યાં છે. જેમના આ સાહસને બિરદાવવામાં આવ્યું હતું.

આ અંગે ડો. આર. નાગરાજ રેડ્ડી, (સાયન્ટીસ) જણાવ્યું હતું કે આણંદના બોરિયાવી ગામ સ્થિત ઔષધિય અને સુગંધી ઉત્પાદક અનુસંધાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને તાલીમ આપી ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. નવી ટેકનીકલ દ્વારા મેડિસીન પ્લાન્ટના ઉછેર માટે તાલીમ આપવામાં આવે છે. કોઇ પણ ખેડૂતને માર્ગદર્શન જોઇતું હોય તો કેન્દ્ર તરફથી આપવામાં આવે છે. હાલમાં કોરોનાના પગલે આયુર્વેદીક દવાની માંગ વધી છે, જેના કારણે અનેક વ્યક્તિ આયુર્વેદીક દવાની ઉત્પાદન તરફ વળ્યાં છે. આથી, સંસ્થા દ્વારા મેડિહબ ટેકનોલોજી બિઝનેસ ઇક્યુબેટર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં સ્ટાર્ટ્સઅપ માટે જરૂરી માળખાકીય સુવિધા, માર્ગદર્શન, ફાયનાન્સ, માર્કેટીંગ સહિતની સુવિધા આપવામાં આવે છે. એક વર્ષ પહેલા જ આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જેની નોંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લીધી છે. અત્યાર સુધીમાં 15 જેટલી વ્યક્તિને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જેમની પ્રોડક્ટ માર્કેટ સુધી પહોંચે તે માટે તમામ પ્રયત્ન કરવામાં આવ્યાં છે. અહીં નિર્દેશાલયમાં અનેક પ્રકારના ઔષધીય પ્લાન્ટ ઉપલબ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...