આણંદ જિલ્લામાં ત્રીજી માર્ચ એટલે વલ્લભ વિદ્યાનગરનો સ્થાપના દિવસ. આજે ''વલ્લભ વિદ્યાનગરી'' ના 77વર્ષ થયા છે. આમ છતાં, શિક્ષણના સેવાયજ્ઞથી સદાય પ્રજવલિત વિદ્યાનગર યુવાઓની સતત ઉપસ્થતિના લીધે હંમેશા તરવરિયા યુવાન જેવું લાગે છે. વલ્લભ વિદ્યાનગર આજે રાજ્યનું સૌથી મોટું શિક્ષણનું કેન્દ્ર બની ગયું છે. વલ્લભ વિદ્યાનગર તેના ઘટાદાર વૃક્ષો અને છાયાંવાળા રસ્તાઓને લીધે વૃક્ષનગર પણ તરીકે જાણીતું છે.
મહત્વનું છે કે, રાજ્યના ગ્રામીણ ક્ષેત્રોમાંથી દેશના ભાવિ નાગરિકો તૈયાર કરવાનું સ્વપ્ન લઈને ચરોતરના બે સમર્થ પુરૂષો: ઈજનેર ભાઈલાલભાઈ પટેલ એટલે કે ભાઇકાકા અને કરમસદના જાણીતા શિક્ષણવિદ્દ ભીખાભાઇની જોડીએ વિદ્યાનગરની સ્થાપના તા.3 માર્ચ 1946ના દિને કરી હતી.
વલ્લભ વિદ્યાનગરના આજના સ્થાપના દિવસે સરદાર પટેલ યુનિવર્સિટી સંચાલિત ''ભાઇકાકા અધ્યયન એકમ ચેર'' દ્વારા અત્રેની લાઈબ્રેરી ખાતે આવેલી ભાઈકાકાની મૂર્તિને કુલપતિ પ્રો. નિરંજન પટેલના વડપણમાં અને કુલસચિવ ડો.ભાઈલાલભાઈ પટેલની ઉપસ્થિતિમાં અધ્યાપકો અને કર્મચારીઓ દ્વારા માલ્યાર્પણ કરીને ભાઈકાકાના પ્રદાનને યાદ કરવામાં આવ્યું હતું. આજના આ કાર્યક્રમનું સફળ આયોજન સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલના માર્ગદર્શન હેઠળ ભાઇકાકા એકમ પ્રકલ્પ ચેરના , અદયક્ષા પ્રો.શિવાની મિશ્રાના પ્રયાસ થકી કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે સબળ શૈક્ષણિક સંસ્થાઓ, સમર્પિત અધ્યાપકો અને સુંદર શૈક્ષણિક વાતાવરણ સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓને વલ્લભ વિદ્યાનગર તરફ ખેંચી લાવે છે. વિદ્યાર્થીઓ માટે વલ્લભ વિદ્યાનગર અભ્યાસનું ઉત્તમ સ્થળ બની ગયું છે.અહી વિદેશમાંથી પણ વિધાર્થીઓ શિક્ષણ મેળવવા આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.