"વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો":ચારૂસેટ યુનિવર્સિટીમાં વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડેની ઉજવણી, વૃક્ષો વાવી પર્યાવરણ જાગૃતિનો સંદેશો ફેલાવાયો

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટી દ્વારા “ઓન્લી વન અર્થ” થીમ અનુસાર કાર્યક્રમ યોજાયો
  • આ કાર્યક્રમમાં શિક્ષકો-વિદ્યાર્થીઓ તથા સ્વયંસેવકોએ ભાગ લીધો

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ચારૂસેટ યુનિવર્સિટી, ચાંગાની એન્વાયર્નમેન્ટ ક્લબ અને ચારૂસેટ NSS યુનિટ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. “ONLY ONE EARTH”ની થીમ અનુસાર પર્યાવરણ જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો. ચારૂસેટ યુનિવર્સિટી અને કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ સી.એ.પટેલ, સહમંત્રી મધુબેન પટેલ, કેળવણી મંડળના હોદેદારો-સભ્યો, બિલ્ડીંગ કમિટીના સભ્ય સી.એસ.પટેલ, દિલીપ પટેલ, પલ્લવીબેન પટેલ, ચારૂસેટના પ્રોવોસ્ટ ડૉ. આર.વી. ઉપાધ્યાય, એડવાઈઝર ડૉ.બી. જી. પટેલ, રજીસ્ટ્રાર ડૉ. દેવાંગ જોશીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ તથા સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં યુનિવર્સિટી કેમ્પસમાં કદંબના રોપા વાવવામાં આવ્યા હતા.

ચારૂસેટ કેમ્પસમાં 75000 થી વધુ વૃક્ષો છે જેમાં 300 થી 400 પ્રકારના વૈવિધ્યપૂર્ણ વ્રુક્ષો, ફૂલ-છોડ, રોપા-વેલાથી ચારૂસેટ કેમ્પસ હરિયાળું બન્યું છે. ચારૂસેટ કેમ્પસમાં છેલ્લા બે દશકથી વૃક્ષારોપણ કાર્યકમ યોજવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે લીમડો, બદામ, ગુલ્મોહોર, બોરસલી, સરૂ, આમળા, સરગવો, ગુંદા, જાંબુ, મોસબી, એપલબોર, કેરી, લીબું, ખાટી આમલી, કદમ, નીલગીરીના વૃક્ષો ચારૂસેટ કેમ્પસમાં મોટી સંખ્યામાં છે. આ જ કારણસર ગુજરાત સરકાર અને વિવિધ પર્યાવરણ સંસ્થાઓ દ્વારા ચારૂસેટને ગ્રીન કેમ્પસનો એવોર્ડ સતત મળતો રહ્યો છે. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ માટે તમામ હાજર સૌને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પ્રેસિડેન્ટ સુરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે યુનિવર્સિટીના બાળકોમાં ભણતર સાથે પોતાની સામાજિક જવાબદારીઓને સમજવાને એક જવાબદાર નાગરિક તરીકે સમાજમાં પોતાની આગવી ઓળખ ઉભી કરે તેવો અભિગમ કેળવવામાં આવે છે. યુનિવર્સિટીમાં જુદા જુદા પ્રસંગે પર્યાવરણ ટીમ દ્વારા આખા વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને NSS યુનિટ પર્યાવરણની જાળવણીના સંદેશનો આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફેલાવો કરે છે.

ડો. દેવાંગ જોશીએ જણાવ્યું કે કેમ્પસની હરિયાળીમાં ચરોતરના અનેક પક્ષીઓનો નિવાસ નિહાળીને અમને ખુબ જ આનંદ અને સંતોષની લાગણી થાય છે. કેમ્પસમાં આવેલ સુંદર તળાવનું ખૂબ જ માવજત અને કાળજીથી જાળવવામાં આવે છે. તળાવની આસપાસ સુંદર વૉક-વેનું નિર્માણ કરવામાં આવ્યું છે. તળાવની આસપાસ વાવેલા 2000 જેટલા વૃક્ષો અનેક પક્ષીઓના કલરવથી ગુંજે છે.

કેમ્પસના ગાર્ડન વિભાગના અધિકારી નિર્મલભાઈએ આ અંગે જણાવ્યું હતું કે કેમ્પસમાં 1500 લીમડાનું એક નાનું વન પણ ઉછેરવામાં આવ્યું છે. આ વન હોર્નેબિલ, વેંતેડાઈઝ ફ્લાયકેયર, મુનિયા, કોયલ, રોબિન, ઓરિઓલ, દરજીડો, સુગરી, બી-ઈટર, બેબ્લેર વગેરે અનેક પક્ષીઓનું આવાસ બન્યું છે.

કાર્યક્રમના આયોજક વિદ્યાર્થીઓ હર્ષિલ કનેરીયા અને હેત સોનીએ અનુભવ જણાવતા કહ્યું કે રોજિંદા કામમાંથી સમય કાઢીને પર્યાવરણ જાગૃતિનું સંદેશ ફેલાવવાથી ખુબ જ સંતોષની લાગણી અનુભવાય છે. આ કાર્યક્રમનું આયોજન કરવા માટે શિક્ષકોનું માર્ગદર્શન અને વિદ્યાર્થી મિત્રોનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

અન્ય સમાચારો પણ છે...