ધૂળેટી પર્વની આજે આણંદ શહેરમાં ઉલ્લાસ ભેર ઉજવણી કરાશે. ત્યારે શહેરના બાળકો, નવયુવાનો સહિત અબાલવૃધ્ધ સૌ કોઇ રંગોત્સવ મનાવીને એકબીજાને રંગીને આનંદોત્સવ મનાવશે. ઉનાળાની ગરમીના પગલે પાણીનો વપરાશ વધુ થતો હોય શહેરીજનોને ધૂળેટી પર્વે આનંદ ઉલ્લાસની મજા બગડે નહીં તેમજ તેઓને ગામની બહાર નદીઓ કે કેનાલમાં સ્નાન કરવા ન જવું પડે તે માટે આણંદ નગરપાલિકા દ્વારા બપોર બાદ વધુ બે કલાક પાણી વિતરણ કરવાનો નિર્ણય કરાયો છે. જેથી શહેરના 86 હજાર નળ કનેક્શન ધારકોને પુરતા પ્રેશરમાં પાણી મળી રહેશે.
આણંદ શહેરની જનતા દિવસ દરમિયાન ધૂળેટી મનાવતાં હોય છે. આખો દિવસ ધૂળેટી રમ્યાબાદ સાંજ ચાર વાગ્યા બાદ સ્નાન કરીને સ્વચ્છ થઇ જતા હોયછે. કેટલાંક વિસ્તારમં પાણી આવતું ન હોવાથી પાણીનો બગાડ અટકાવવા માટે સોસાયટી લોકો ભેગા મળીને નદી કે કેનાલ પર સ્નાન કરવા જતાં હોય છે.
તેના કારણે ક્યારે અકસ્માતે ડૂબી જવાના બનાવો બને છે. તેને ધ્યાને લઇને આણંદ નગરપાલિકા દ્વારા નગરજનો શહેરી બહાર સ્નાન કરવા ન જવું પડે તે માટે બપોર 4.30 થી 6.30ના બદલે બપોરે 3.30થી સાંજના 7.30 સુધી એટલે બે કલાક વધુ પાણી આપવામાં આવશે. તેમ નગરપાલિકા વોટર વર્કસના ચેરમેન સુમિત્રાબેન પઢિયારે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.