તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્દાફાશ:ચરોતર ગેસ પંપના ગોડાઉનમાં ચોરીનો મામલો, ગોડાઉનનો વોચમેન જ ચોર નીકળ્યો

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ એલસીબીએ બે સાગરિત સાથે વોચમેનને ઝડપી પાડ્યો

ચરોતર ગેસ પંપના પરવટા સ્થિત ગોડાઉનમાં દોઢ મહિના પહેલા પાઇપ, એલ્યુમીનીયમ બોક્સ, યુપીએસ બેટરી સહિત રૂ.1.45 લાખનો સરસામાન ચોરાયો હતો. આ ઘટના અંગે ઉમરેઠ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન સ્થાનિક ગુના શોધક શાખાએ બાતમી આધારે પણસોરા ગામે આવેલા ગેરેજમાં દરોડો પાડી ત્રણ શખસને મુદ્દામાલ સાથે પકડી પાડ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં આ ચોરીમાં ગોડાઉનના વોચમેનની સંડોવણી ખુલી હતી. હાલ પોલીસે 49 હજારનો મુદ્દામાલ કબજે લઇ બાકીના સામાનની પૂછપરછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

આણંદ ખાતે આવેલી ચરોતર ગેસ સહકારી મંડળીના ઈલેક્ટ્રીકલ સુપરવાઇઝર ચીમનભાઈ વાઘેલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પરવટા ખાતે મંડળીનું નવું સીએનજી ગેસ સ્ટેશન 14મી મે,2021થી ચાલુ કર્યું છે. તે પહેલા તેનું કામકાજ ચાલુ હતું. એટલે તેનો સઘળો સામાન ગોડાઉનમાં રાખતા હતા. ગોડાઉનનો દરવાજો પણ લોક કરી દેતાં હતાં. જોકે તેના બીંબ પાસે જગ્યા રહેતી હતી. માલસામાનની દેખરેખ માટે આ સમય દરમિયાન રાત અને દિવસ વોચમેન પણ રાખ્યાં હતાં. દરમિયાનમાં 21મી એપ્રિલના રોજ સામાનની ગણતરી કરતા તેમાંથી પીવીસી પાઇપ, લોખંડની બોક્સ પાઇપ, એલ્યુમીનીયમ બોક્સ પાઇપ, એસએસ પાઇપ, યુપીએસ બેટરી, કોપર કેબલ મળી કુલ રૂ.1,45,825નો સામાન ચોરી થયાનું જણાયું હતું. આ અંગે ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

દરમિયાનમાં આણંદ એલસીબીની ટીમના સંદીપકુમાર વેલાભાઈ તથા પ્રમેશકુમાર ગુલસીંગને બાતમી મળી હતી કે, ચરોતર ગેસ પમ્પના ગોડાઉનમાંથી આશરે દોઢ મહિના પહેલા થયેલી ચોરીનો સામાન પણસોરા ગામે ઉમરેઠ રોડ પર આવેલા શક્તિ ઓટો ગેરેજ ચલાવતા હેરંજના અર્જુન ઝાલાને ત્યાં પડ્યો છે.

આથી, પોલીસે તે સ્થળે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં વાડ જ ચીભડા ગળે તો કોને ખબર પડે ? કઈક એવી જ ચાલાકી ગેસ પંપ ઉપર નોકરી કરતા વોચમેન રમેશભાઇ ઉર્ફે બોડીયો જશુભાઇ ઝાલા (ઉ.વ 31)ની ખુલ્લી પડી હતી. પોલીસને સ્થળ પરથી અર્જુન ઉપરાંત ગેસ પંપ પર વોચમેન તરીકે નોકરી કરતાં રમેશ ઝાલા અને પ્રકાશ ચૌહાણ પણ મળી આવ્યો હતો. આ ત્રણેય શખસ ભેગા મળી ચોરીનો સામાન વેચવાની ફિરાકમાં હતાં. જોકે, પોલીસે સ્થળ પરથી રૂ.49,225નો સામાન કબજે લીધો હતો. હાલ પોલીસે રમેશ ઉર્ફે બોડીયો જશુ ઝાલા, અર્જુન મોહન ઝાલા (બન્ને રહે. હેરંજ) તથા પ્રકાશ ઉર્ફે પપ્પુ ઉર્ફે ભગા ચૌહાણ (રહે.વણસોલ)ની અટકાયત કરી બાકીનો સામાન કોને વેચ્યો છે ? કે ક્યા રાખ્યો છે ? તેની પૂછપરછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...