આણંદનો ચૂંટણી જંગ:આણંદમાં ભાજપ દ્વારા ઉમેદવારો રિપિટ કર્યાં, આંકલાવમાં નવો ચહેરો, પેટલાદમાં હજુ બંધ બાજી

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
બોરસદના ભાજપના ઉમેદવાર રમણભાઈ સોલંકી - Divya Bhaskar
બોરસદના ભાજપના ઉમેદવાર રમણભાઈ સોલંકી

ગુજરાત ભાજપ દ્વારા ગુરૂવારના રોજ સવારે વિધાનસભાની 182માંથી 160 બેઠકમાં ઉમેદવારોના નામ જાહેર કરતાં રાજકીય ગરમાવો આવ્યો છે. આ જાહેરાતમાં આણંદની સાતમાંથી છ વિધાનસભાનો સમાવેશ થાય છે. જાહેર કરાયેલા નામોમાં પેટલાદમાં કોઇ ફોડ પાડ્યો નથી. જ્યારે આંકલાવમાં નવો ચહેરો મેદાનમાં ઉતાર્યો છે.

આણંદના ભાજપના ઉમેદવાર યોગેશ પટેલ
આણંદના ભાજપના ઉમેદવાર યોગેશ પટેલ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ને લઈ તમામ રાજકીય પક્ષો ઉમેદવારીની પસંદગીમાં લાગી ગયા છે.ચરોતર હાલ સુધી કોંગ્રેસનો ગઢ રહયુ છે.આ વખતે પણ પ્રજામત કઈ તરફ જશે ? તેને લઈ રાજકીય વિશ્લેષકો પણ જિજ્ઞાસા દાખવી રહ્યા છે. આણંદ જિલ્લામાં ભાજપ પાસે 7 માંથી માત્ર ખંભાત અને ઉમરેઠ બેઠકો બે જ ભાજપ પાસે છે. જ્યારે બોરસદ, પેટલાદ, આણંદ, સોજીત્રા અને આંકલાવ બેઠક કોંગ્રેસ પાસે છે. વળી ખંભાત અને ઉમરેઠ માત્ર 2 હજારની આસપાસની સામાન્ય સરસાઈથી જીત હતી. જોકે, ગુરૂવારના રોજ પ્રદેશ ભાજપ દ્વારા જાહેર કરાયેલા નામોમાં સાતમાંથી પાંચ બેઠક ઉમેદવારો રિપિટ કરવામાં આવ્યાં છે.

ખંભાત ભાજપના ઉમેદવાર મયુર રાવલ
ખંભાત ભાજપના ઉમેદવાર મયુર રાવલ

કઇ બેઠક પર ક્યા ઉમેદવારો જાહેર કરાયાં ?
108 ખંભાત વિધાનસભા બેઠક 1990 થી ભાજપનો અભેદ ગઢ માનવામાં આવે છે.કોંગ્રેસને અહીં સતત 6 ટર્મથી હાર થઈ રહી છે. જોકે ગત ટર્મમાં ખૂબ જ પાતળી સરસાઈથી ભાજપની જીત શક્ય બની હતી.અહીં કોમી તોફાનો માટે કુખ્યાત બનેલ આ વિધાનસભા મતવિસ્તાર માટે હિન્દુત્વ જ મુખ્ય મુદ્દો રહે છે.હાલ અહીં બાહ્મણ મયુરભાઈ રાવલ ધારાસભ્ય છે. જેમની ફરી તક આપવામાં આવી છે.ખંભાતના ધારાસભ્ય મયુર રાવલને ફરી એક વખત ભાજપે ધારાસભ્ય બનવા માટેની તક આપી છે. તેઓ ખંભાત તાલુકા ભાજપ યુવા મોરચા, બૃહદ ખેડા જિલ્લા ભાજપ યુવા મોરચા, આણંદ જિલ્લા ભાજપ કિસાન મોરચા, ખંભાત તાલુકા ભાજપ મોરચામાં વિવિધ હોદ્દા પર રહી ચુક્યાં છે. આ ઉપરાંત એપીએમસી ખંભાત સહિત વિવિધ મંડળીમાં પણ ચેરમેનના હોદ્દા પર સેવા આપી છે. 57 વર્ષના મયુર રાવલ એસએસસી સુધી અભ્યાસ કર્યો છે.

સોજીત્રા ભાજપના ઉમેદવાર વિપુલ પટેલ
સોજીત્રા ભાજપના ઉમેદવાર વિપુલ પટેલ

109 બોરસદ વિધાનસભા બેઠક 1967 થી કોંગ્રેસનો ગઢ રહી છે. આ બેઠક ગુજરાતના રાજકારણનું કેન્દ્ર રહી છે. અહીંથી જ પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી ચૂંટાયા હતા જે બાદ ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડા પણ અહીંથી જ ચૂંટાયા હતા .2012 થી અહીં રાજેન્દ્રસિંહ પરમાર ધારાસભ્ય છે .આઝાદી બાદ અને 2002થી મોદી તેમજ હિન્દુત્વની લહેર છતાં અહીં ક્યારેય ભાજપ ફાવી શકી નથી. આ બેઠક પર ભાજપ દ્વારા રમણ સોલંકી પર પસંદગી ઉતારી છે. તેઓએ આ બેઠક પર અગાઉ પણ ચૂંટણી લડી ચુક્યાં છે.બોરસદ બેઠક પર 57 વર્ષીય ઉમેદવાર મણભાઈ ભીખાભાઈ સોલંકીને ઉતારવામાં આવ્યાં છે. તેઓ ખેતી, વેપાર ઉપરાંત ઉદ્યોગ શિક્ષક તરીકે પણ રહી ચુક્યાં છે. 2020માં જિલ્લા ભાજપ મહામંત્રી, 2019માં આણંદ લોકસભા ચૂંટણીના સહ ઇન્ચાર્જ સહિત વિવિધ હોદ્દા પર કામ કરી ચુક્યાં છે. 2017માં તેમને તક આપવામાં આવી હતી. આ પહેલા પણ 2007માં પણ આ જ વિસ્તારમાંથી બનેલી ભાદરણ બેઠક પર પણ તેઓ ચૂંટણી લડી ચુક્યાં છે. 1995માં તેઓ જંત્રાલ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ રહી ચુક્યાં હતાં અને 1989થી ભાજપમાં જોડાયાં હતાં.

ઉમરેઠ ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પરમાર
ઉમરેઠ ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પરમાર

110 આંકલાવ બેઠક રાજ્યમાં નવા સીમાંકન બાદ 2012થી અસ્તિત્વમાં આવી છે. આ બેઠક ઉપર ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ છે. અહીંથી જ હાલ અમિત ચાવડા ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. આ બેઠક પણ કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે. છેલ્લી બે ટર્મની ચૂંટણીમાં અમિત ચાવડા ખૂબ મોટી સરસાઈ સાથે વિજેતા બન્યા હતા. આ બેઠક પર નવો ચહેરો લાવવામાં આવ્યો છે. ગુલાબસિંહ પઢિયાર પર કળશ ઢોળાયો છે.આંકલાવમાં 52 વર્ષીય અને અર્થશાસ્ત્રમાં સ્નાતક ડીગ્રી ધરાવતા ગુલાબસિંહ રતનસિંહ પઢિયારને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યાં છે. તેઓ તેઓ 1998થી ભાજપમાં સક્રિય છે. 2007થી 2009માં આંકલાવ તાલુકા કિસાન મોરચાના પ્રમુખ રહી ચુક્યાં છે. આ ઉપરાંત બે ટર્મ મહામંત્રી પણ રહ્યાં છે. બક્ષીપંચમાંથી આવતા ગુલાબસિંહ એક નવા ચહેરા તરીકે ઉભર્યાં છે.

આંકલાવના ભાજપના ઉમેદવાર ગુલાબસિંહ પઢિયાર
આંકલાવના ભાજપના ઉમેદવાર ગુલાબસિંહ પઢિયાર

111 ઉમરેઠ વિધાનસભા બેઠક ઉપર ભાજપ ,એનસીપી ,કોંગ્રેસ એમ ત્રણેય રાજકીય પક્ષોએ સમયાંતરે રાજ કર્યું છે. અહીં ક્ષત્રિય મતદારોના પ્રભુત્વ રહયુ છે. જોકે અગાઉ ઉમરેઠના બાહ્મણ પરિવારના હરિહર ખંભોળજા અને સુભાષ સેલત ધારાસભ્ય તો પટેલમાંથી વિષ્ણુભાઈ પટેલ પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે. જ્યારે ક્ષત્રિયોમાં લાલસિંહ વાડોદીયા ધારાસભ્ય હતા અને હાલ ગોવિંદભાઇ પરમાર ધારાસભ્ય તરીકે છે. અગાઉ એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત પટેલ (બોસ્કી ) ધારાસભ્ય હતા.જોકે ગત ટર્મમાં ભાજપના ગોવિંદભાઇ પરમાર ખૂબ પાતળી સરસાઈથી વિજેતા થયા હતા. આમ છતાં મોવડીએ વધુ એક વખત તેમના પર દાવ લગાવ્યો છે અને ગોવિંદભાઈને ઉમેદવાર તરીકે જાહેર કર્યાં છે.ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ રઇજીભાઈ પરમાર છેલ્લા 50 વર્ષથી જાહેર જીવનમાં છે. 1953 માં જન્મેલ ગોવિંદભાઇની ઉંમર હાલ 69 વર્ષ છે તેઓ 1975માં ચિખોદરા ગ્રામ પંચાયતમાં સરપંચ બન્યાં હતાં. આ ઉપરાંત યુવા કોંગ્રેસમાં 1985માં પ્રમુખ રહી ચુક્યાં છે. 1911થી 2005 કોંગ્રેસ પક્ષના ડેલીગેટ રહ્યાં હતાં. બાદમાં 2011થી ભાજપમાં સક્રિય સભ્ય તરીકે જોડાયાં હતાં. 2012માં તેઓ ભાજપના ઉમેદવાર તરીકે હતાં. પરંતુ એનસીપી સામે હાર્યાં હતાં. બાદમાં 2017માં તેઓ વિજેતા બન્યાં હતાં. આમ, પક્ષે ત્રીજી વખત પણ તેમને જ ઉમેદવાર તરીકે જાહેર કર્યાં છે.

112 આણંદ વિધાનસભા બેઠક ઉપર 1990 સુધી કોંગ્રેસનો પંજો શાસન કરતો હતો. પરંતુ બાદમાં 1995થી અહીં ભાજપનો દબદબો રહ્યો છે. જોકે આ દરમિયાન 2017 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ સોઢાપરમાર વિજેતા થયા હતા. આ સમયે ભાજપે કોંગ્રેસમાંથી આવેલા યોગેશ પટેલ (બાપજી)ને મેન્ડેટ આપ્યું હતું અને આ વખતે પણ તેમને જ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યાં છે.આણંદ બેઠકમાં ભાજપનો દબદબો રહ્યો છે. ભાજપ દ્વારા 58 વર્ષીય યોગેશભાઈ પટેલ(બાપજી)ને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.અગાઉ 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર યોગેશ રાવજીભાઈ પટેલ (બાપજી)ની હાર થઇ હતી. આમ છતાં પક્ષ દ્વારા 2022માં તેમને જ રિપીટ ઉમેદવારીની તક આપવામાં આવી છે. છેલ્લી કેટલીક વિધાનસભા અને લોકસભામાં તેઓ પ્રચારમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. પરંતુ 2017માં તેમની હાર થઇ હતી.

113 પેટલાદ વિધાનસભા બેઠક 2002ને બાદ કરતાં ક્યારેય ભાજપ જીતી શકી નથી. છેલ્લી ત્રણ ટર્મથી અહીં કોંગ્રેસના નિરંજનભાઈ પટેલ ધારાસભ્ય છે.અહીં ભાજપના સી.ડી.પટેલને જીત મળી અને મંત્રી પદ પણ મળ્યું હતું. આ બેઠક પર ભરતસિંહ સોલંકી ચૂંટણી લડવાના હોવાથી ભાજપ થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી છે.

114 સોજિત્રા વિધાનસભા બેઠક ઉપર દલિત, ક્ષત્રિય, પટેલ અને મુસ્લિમ મતદારોનો પ્રભાવ છે. 1990 થી લઈ છેલ્લી સાત ટર્મમાં અહીં ચાર વખત ભાજપ તો ત્રણ વખત કોંગ્રેસે જીત મેળવી છે. છેલ્લી બે ટર્મથી અહીં કોંગ્રેસના પુનમભાઈ પરમાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. જોકે, આ વખતે ભાજપના જિલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલ પર દાવ લગાવ્યો છે. જેમને ગયા વખતે પણ ચૂંટણી લડાવવામાં આવી હતી.સોજિત્રા બેઠકના 53 વર્ષીય ઉમેદવાર વિપુલભાઈ વિનુભાઈ પટેલ હાલ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હોદ્દો ધરાવે છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં તેમના મત વિસ્તારમાંથી 31,130 મતની લીડ મળી હતી. આ અગાઉ 2018-20 ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રભારી રહી ચૂક્યાં છે. જોકે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ 2388 મતથી પરાજીત થયાં હતાં. જ્યારે 2012ની વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓ 162 મતથી હાર્યાં હતાં. ભાજપ દ્વારા 2022ની ચૂંટણી તેઓને સતત ત્રીજી વખત ઉમેદવારીની તક આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...