આણંદ શહેરમાં પ્લેનેટ બિલ્ડકોન નામના બિલ્ડીંગ કન્સ્ટ્રકશનનું કામ કરતાં બિલ્ડરને ગઠિયાએ રૂ.7.50 લાખમાં નવડાવ્યાં હતાં. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી દરરોજના 100 ડોલર કમાવવાની લાલચ આપી 10 હજાર ડોલર ઇન્વેસ્ટ કરાવ્યાં બાદ ગઠિયાઓએ પોત પ્રકાશ્યું હતું. આ અંગે બિલ્ડરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ શહેરના મહાવીર માર્ગ પર અદીબ પ્રાઇમમાં રહેતા ઇમરાન અબ્દુલરહેમાન પટની સો ફુટ રોડ પર પ્લેનેટ બિલ્ડકોન નામની ઓફિસ ચલાવી બિલ્ડીંગ કન્સ્ટ્રકશનનું કામ કરે છે.આ વ્યવસાય સંદર્ભે તેઓ ઇંટોનો ભઠ્ઠો ચલાવતા લૈક સફીક પઠાણ (રહે.મિલ્લતનગર સોસાયટી, આણંદ)ના સંપર્કમાં આવ્યાં હતાં.દરમિયાનમાં લૈક સફીક પઠાણે અગિયાર મહિના પહેલા ઇમરાનભાઇની મળ્યાં હતાં અને જસ્ટીન ઉર્ફે જે.પી. મોહનલાલ પરેરા(રહે.ચાવડાપુરા,આણંદ) ડાઇકીકોઇન નામની સ્કીમ ચલાવે છે.જેમાં રૂપિયા રોકાણ કરવાથી સારૂ એવું વળતર મળે છે.મેં પણ ત્રણ લાખ રૂપિયા રોક્યા છે.આથી, ઇમરાનભાઈને વિશ્વાસ વેસતા તેઓએ જસ્ટીન ઉર્ફે જે.પી. મોહનલાલ પરેરાને મળ્યાં હતાં સ્કીમમાં નાણા રોકવાની તૈયારી દર્શાવી હતી. તેઓ 7મી ફેબ્રુઆરી,22ના રોજ જસ્ટીન ઉર્ફે જે.પી.ને મળ્યાં હતાં અને જરૂરી પુછપરછ કરી હતી. આ સ્કીમમાં દસ હજાર ડોલર ઇન્વેસ્ટમેન્ટ કરવાથી જાહેર રજા બાદ કરતાં રોજના સો ડોલર રિફંડ એટલે કે ત્રણ સો ટકા નફાપેટે મળે છે અને તમારી નીચે બીજા સભ્યો બનાવો તો પ્લાન મુજબ ડાયરેક્ટ રેફરેલ હોય તો વર્ષનું બીજું 20 ટકા વળતર વધુ મળે છે. તેવી લોભામણી વાત કરતો જસ્ટીનની વાતોમાં આવીને ઇમરાનભાઈને રોકાણ કરવાની તૈયારી દર્શાવી હતી. તેઓએ દસ હજાર ડોલર એટલે કે રૂ.7.50 લાખ અલગ અલગ સમયે રોક્યાં હતાં.
આ સમયે તેઓએ કંપનીના હેડ વિજય પટેલ સાથે પણ વાતચીત કરી હતી.આશ્ચર્યજનક બાબત એ છે કે ડાઇકિકોઇનમાં 10 હજાર ડોલરનું રોકાણ કરતાં મોબાઇલ પણ ભેટ આપવાની વાત કરી હતી.10 હજાર ડોલર ઇન્વેસ્ટ કરતાં તેમને મોબાઇલમાં એપ્લીકેશન પણ ડાઉનલોડ કરી આપી હતી.બાદમાં દરરોજ 100 ડોલર પ્રોફિટ પેટે જમા થતાં હતાં.મહિના બાદ 2500 ડોલર જમા થતાં ઇમરાનભાઈ તેને વિડ્રો કરવા જે.પી.ને કહ્યું હતું.પરંતુ જેપીએ વિડ્રો કરવાના બદલે તેને મુળ મુડીમાં રોકી વધુ 12,500 ડોલરના દરરોજના 130 ડોલર કમાવવાની સલાહ આપી હતી.
આથી, તેની વાતમાં આવી ગયેલા ઇમરાનભાઈએ વધુ સમય રાહ જોતાં કુલ 7300 ડોલર પ્રોફિટ થયો હતો. આ રકમ વિડ્રો કરવાનું કહેતા જેપીએ 90 દિવસ રાહ જોવી પડશે. જાહેર રજા બાદ કરતા 90 દિવસ બાદ તમારી મુડી પરત મળી જશે. જોકે,90 દિવસ બાદ જેપીએ સ્કીમ બદલાઇ ગઇ છે.300 દિવસ કરી દિધા હોવાનું બહાનું બતાવી ફોન કટ કરી દીધો હતો. આથી, કંઇક ગડબડ લાગતા ઇમરાનભાઈએ વિજય પટેલને ફોન કરતા તેણે બે મહિનામાં મુડી અને પ્રોફિટ બન્ને મળી કુલ 19,800 ડોલર પરત કરી દેવાનો વાયદો કર્યો હતો.પરંતુ બાદમાં મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો હતો.આમ પોતે છેતરાયા હોવાનું લાગતા ઇમરાનભાઈએ આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ક્રિષ્ના ઇબાર્ટર કંપનીના માલીક (હિમાચલ પ્રદેશ),સુર્યા ડાઇકિકોઇનના માલિક (નેપાળ),જસ્ટીન ઉર્ફે જે.પી. મોહનલાલ પરેરા (રહે.ચાવડાપુરા, આણંદ),વિજય પટેલ (રહે.મણીનગર, અમદાવાદ) અને વિજય દવે(રહે. અમદાવાદ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.