રાજયમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આગામી દિવસોમાં મતદાન યોજાનાર છે. જેને ધ્યાને લઈ આણંદ જિલ્લાના તમામ વિધાનસભા મતદાર વિભાગના મતદારોમાં મતદાન જાગૃત્તિ વધે અને જિલ્લામાં આગામી તા. 5 મી ડીસેમ્બર 2022ના રોજ યોજાનાર મતદાનમાં મતદારો ઉત્સાહભેર જોડાય તે માટે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી. એસ. ગઢવીના માર્ગદર્શન હેઠળ આણંદના અધિક નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ સ્વીપના નોડલ અધિકારી અને આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા મતદાર જાગૃતિ અર્થે અભિનવ પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે.
મતદાર જાગૃતિ અભિયાનમાં સહભાગી બનવા આહવાન
આણંદ જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટેના મતદાર જાગૃતિના પ્રયાસોના ભાગરૂપે તાજેતરમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી. એસ.ગઢવીએ જિલ્લાના વિવિધ વ્યવસાયકારો, સંગઠનો તેમજ એસોસીએશનના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજી તેમને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા મતદાર જાગૃતિ અભિયાનમાં સહભાગી બનવા આહવાન કર્યું હતું.
વેપારીઓ મતદાર જાગૃતિના યજ્ઞમાં સહભાગી બન્યા
જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવેલા આહવાનને ઝીલી લઈ આણંદ - વિદ્યાનગર શહેરના વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા વેપારી-સંગઠનોએ તેમના ગ્રાહકોને અપાતા બીલમાં ચૂંટણી પંચના ‘‘અવસર લોકશાહીનો’’ લોગોને સ્થાન આપીને તેમજ મતદાન જાગૃતિના વિવિધ સ્ટીકર્સ, બેનર્સ બનાવી લગાવીને લોકશાહીના મહાપર્વમાં મતદારોને મતદાન માટે જાગૃત કરવાના આ મતદાર જાગૃતિના યજ્ઞમાં સહભાગી બન્યા હતા.
નોંધનીય છે કે, આ મતદાર જાગૃતિ અભિયાનમાં આણંદ તેમજ વિદ્યાનગરના ગેસ, કેમિસ્ટ, સ્વીટમાર્ટ, જ્વેલર્સ, પેટ્રોલપંપ તેમજ ડી-માર્ટ અને રિલાયન્સ ફ્રેશ ઉપરાંત અન્ય વ્યવસાય કરતાં વેપારીઓ તેમના બિલમાં ચૂંટણી પંચના ‘‘અવસર લોકશાહીનો’’ લોગોને તેમજ સ્લોગનને પ્રદર્શિત કરીને આણંદ જિલ્લા ચૂંટણી તંત્રના મતદાર જાગૃતિ અભિયાનમાં સહભાગી બની રહયાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.