પશુપાલકોની દાદાગીરી:આણંદમાં પોતાના પશુ ખુલ્લેઆમ છોડી દેતાં પશુપાલકોની દાદાગીરી, ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો, બે ઘવાયાં

આણંદ3 મહિનો પહેલા
  • આણંદ શહેર પોલીસે મહિલા સહિત પાંચ સામે ગુનો નોંધ્યો

આણંદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ માથાનો દુઃખાવો બની ગયો છે, જેથી પાલિકાએ તેને પકડવા ખાનગી કોન્ટ્રાક્ટરને પણ રોક્યો છે. તેમાંય હાઈકોર્ટના આદેશ બાદ જાહેર માર્ગો પર રખડતાં પશુઓને ડબ્બે પુરવા પાલિકાએ શરૂ કરેલા અભિયાનમાં શનિવારના રોજ એક મહિલા સહિત પાંચ પશુપાલકો પાલિકાની ટીમ પર હુમલો કરી બે કર્મચારીને ગંભીર રીતે ઘાયલ કર્યાં હતાં. આ અંગે શહેર પોલીસે ગુનો નોંધ્યો હતો.

ટીમ પર હુમલો
આણંદ પાલિકા દ્વારા શહેરમાં ઢોર પકડી ડબ્બે પુરવા માટે ભાવિન વિઠ્ઠલભાઈ પરમારને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જે કામગીરી માટે તેઓએ પાંચ માણસો પણ રાખ્યાં હતાં. જે રોજેરોજ ઢોર પકડવાની કામગીરી કરે છે. આ કામગીરીના ભાગરૂપે શનિવારના રોજ પાલિકાના કર્મચારી પ્રફુલભાઈ પંડ્યાને ચીફ ઓફિસર દ્વારા ઢોર પકડવાની વિશેષ જવાબદારી સોંપી હતી. જેથી પ્રફુલભાઈ પંડ્યા, અશ્વિનભાઈ પારવાણી, ચેરમેન મહેન્દ્રભાઈ મથુરભાઈ સોલંકી સહિતની ટીમ નિકળી હતી.
aઆ દરમ્યાન નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં રસ્તા પરથી બે ગાય મળી આવતા તેને પકડી નજીકના ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનના કમ્પાઉન્ડ લઇ ગયાં હતાં. આ સમયે ત્યાં જીગ્નેશ ગોવિંદ રબારી (રહે.રબારીવાસ, સાંઇબાબા મંદિર પાછળ, આણંદ) ધસી આવ્યો હતો અને અપશબ્દ બોલી પ્રફુલભાઈને લાફા ઝીંકી દીધાં હતાં. આ ઉપરાંત લાકડીની ઝાપટો પણ મારી હતી. આ હુમલામાં ચરણ રબારી (ઠુંઠીયો) પણ ધસી આવ્યો હતો. આ બંનેએ દાદાગીરી કરી બાંધેલી ગાય છોડી લઇ જતાં હતાં. જોકે, આકાશ પરમારને તેને રોકતાં ચરણ રબારી તથા જીગ્નેશ રબારીએ તેની સાથે ઝપાઝપી કરવા લાગ્યાં હતાં. આ બબાલમાં જેરીયો રબારી પણ બાઇક લઇ ધસી આવ્યો હતો. તેણે ઢોર પકડવાના ચેરમેન મહેન્દ્રભાઈને અપશબ્દ બોલી જતો રહ્યો હતો.

પોલીસે તપાસ હાથ ધરી
આ દરમિયાન થોડી વારમાં ચરણ રબારી (ઠુંઠીયો), દેવાંગ ઉર્ફે કાળો રબારી, પશુપાલક મહિલા લાકડી સાથે દોડી આવ્યાં હતાં અને કોન્ટ્રાક્ટરના માણસ અશોક પરમાર પર હુમલો કરી મારવા લાગ્યાં હતાં. જેમાં અશોકભાઈને ગંભીર ઇજા પહોંચતાં તાત્કાલિક 108માં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં પડ્યાં હતાં. આમ, પાલિકાની ઢોર પકડવાની ટીમ પર હુમલો થતાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે પ્રફુલભાઈ પંડ્યાની ફરિયાદ આધારે આણંદ શહેર પોલીસે પશુપાલક મહિલા, દેવાંગ ઉર્ફે કાલો રબારી, ચરણ રબારી (ઠુંઠીયો), જેરીયો રબારી, જીગ્નેશ ગોવિંદ રબારી (રહે. તમામ સાંઇબાબા મંદિર પાછળ, રબારીવાસ, આણંદ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બે દિવસ અગાઉ અણસાર: પોલીસ સાથે નહીં રાખવાની ભૂલ ભારે પડી
આણંદ| નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવ્યા બાદ બુધવારે 80 ફૂટ રોડ પર ગાયો પકડવા ગયેલી પાલિકાની ટીમ સાથે પશુપાલકોઅે રકઝક કરતાં પોલીસ બોલાવી પડી હતી. શુક્રવારે માલધારી સમાજની મહિલાઓએ પાલિકા ભવનમાં જઇને દંડ ઓછો કરવા માટે હોબાળો મચાવ્યો હતો. માલધારી સમાજની જુદા જુદા વિસ્તારોમાં બેઠકો મળી રહી હતી.

જેથી કંઇક નવાજૂની થવાની સંભાવના વર્તાઇ રહી હતી. વિરોધ થશે તેવી જાણ થવા છતાં પાલિકા ઢોર ડબ્બાના કર્મીઓ શનિવારે પોલીસ પ્રોટેકશન વિના ઢોર પકડવા માટે નીકળ્યા હતા. ત્યારે માલધારી સમાજ ટોળાએ લાકડીઓ વડે હુમલો કરી ગાયો છોડાવી ગયા હતા. પશુપાલકોના વિરોધના અાયોજન સામે પાલિકાનું કામગીરીનું અાયોજન નબળુ હોવાનું પુરવાર થયું હતું.

અન્ય સમાચારો પણ છે...