ઉમરેઠ તાલુકાના સૈયદપુરા નહેરમાંથી ગત શનિવારે હત્યા કરાયેલી યુવતીની લાશ મળવાના બનાવમાં ભાલેજ પોલીસ દ્વારા બે પત્રકાર જેક્સન મેકવાન અને દિનેશ મેકવાનની ધરપકડ કરી લીધા બાદ સોમવારે સાંજે કોર્ટમાં રજૂ કર્યા હતાં. જ્યાં કોર્ટે તેમના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
સમગ્ર બનાવમાં મુખ્ય સુત્રધાર મૂળ પશ્ચિમ બંગાળનો અને હાલ નડિયાદ તાલુકાના ચકલાસી અલિન્દ્રા રોડ સ્થિત બાગે ચિશ્તીયા (મહેતાબ) સોસાયટીમાં ભાડે મકાન રાખીને રહેતો મિન્ટુ ઉર્ફે જમાલ અહેમદઅલી મલિકની ધરપકડ કરવાની બાકી છે. જોકે, ઘટના બની એ બાદ શુક્રવારે રાિત્રના બાર સાડા બાર વાગ્યાની આસપાસ મિન્ટુ ઉર્ફે જમાલે તેના મિત્ર જેક્સનને ફોન કરીને સમગ્ર હકીકત જણાવી હતી. જેને પગલે જેક્સને તેના મિત્ર, નરસંડા ખાતે રહેતા અને પાન-મસાલાની એજન્સી ધરાવતાં વેપારી એવા પિનાકીન પટેલનો સંપર્ક સાધ્યો હતો. જેક્સને મિન્ટુની પત્નીને વડોદરા લેવા જવાનું હોઈ અને તેની કાર બગડી હોય તેની પાસે કાર માંગી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હત્યારો જમાલ, મદદગારી કરનારા જેક્સન અને દિનેશ તથા કાર માલિક પિનાકીન એમ ચારેય જણાં એકબીજાને સારી રીતે ઓળખતા હતા. તેથી પિનાકીને મિન્ટુને કાર આપવા માટે ઈન્કાર કર્યો હતો. પરંતુ બીજી તરફ જેક્સને દિનેશ મેકવાન કાર લેવા આવશે અને તે જ ચલાવશે તેવો વિશ્વાસ આપતા તેણે તેને કાર આપી હતી. પિનાકીન પાસેથી કાર લઈને સીધો દિનેશ મિન્ટુ પાસે પહોંચ્યો હતો અને તેને કાર આપી દીધી હતી.
રાત્રિના સમયે મિન્ટુએ યુવતીના મૃતદેહને કારની પાછળ, ગેસકીટ પાસે મૂક્યો હતો અને સૈયદપુરા નહેર પર પહોંચ્યો હતો. જ્યાં જઈને લાશને નહેરમાં નાંખી દીધી હતી. જોકે, કાર રીવર્સમાં લેતાં તે પાસેના ખેતરમાં ઉતરી ગઈ હતી. જે પોલીસે કબજે કરી હતી. પોલીસે બનાવમાં ઘટના સમયે થયેલી ફોન પરની વાતચીતના કોલ રેકોર્ડ કબજે લીધા છે તે ઉપરાંત, ફરાર આરોપીને ઝડપી પાડવા બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.