ખુરશીની ખેંચતાણ:બોરસદ નગરપાલિકા આખરે વિસર્જિત, વહીવટદાર મુકાયા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 મહિના બાદ મધ્યસ્ત ચૂંટણી યોજાય તેવી સંભાવના

બોરસદ નગરપાલિકાને આખરે વહીવટી નિષ્ફળતા બદલ સુપર સીડ જાહેર કરીને વહીવટદાર મુકવામાં આવશે અને 6 મહિના બાદ મધ્યસ્થ ચૂંટણી યોજાય તેવી વકી દેખાઈ રહી છે. બોરસદ નગરપાલિકામાં આઝાદી બાદ પ્રથમવાર ભાજપના 20 સભ્યો પૂર્ણ બહુમત સાથે ચૂંટાયા હતા. જેમાં ચૂંટાયેલ પાંખ પૈકી 16/03/2021ની બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થતા પ્રમુખ તરીકે આરતીબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે રણજિતસિંહ પરમારની વરણી કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ ભાજપના સભ્યો વચ્ચે અંદરોઅંદરના ડખાને લઇ શહેરના વિકાસના કામો ખોરંભે પડ્યા હતા.

નગરપાલિકામાં ચૂંટાયેલ પાંખની આંતરિક ખેંચતાણના કારણે અરાજકતા/અસમર્થતાનું વાતાવરણ ઉભું થયું હતું.જેને લઇ આ બાબતે પ્રાદેશિક કમિશનર દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેને લઇ સચિવ દ્વારા કારણદર્શક નોટિસ આપી 10/10/2022 સુધીની સમય આપી એક તક આપવામાં આવી હતી. સચિવ દ્વારા આપવામાં આવેલ કારણદર્શક નોટિસમાં જણાવ્યા અનુસાર ગત 30/07/2022ની સામાન્ય સભામાં ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની જોગવાઈઓનો ભંગ કરી કમિટી બનાવવામાં આવેલ અને વહીવટી અસમર્થતા દર્શાવેલ છે.

આથી ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 263(1)થી મળેલ સત્તાની રૂએ રાજ્ય સરકાર ઉપર દર્શાવેલ મુદ્દાઓ ધ્યાને લઇ સદર હુ નગરપાલિકાને તાત્કાલિક અસરથી વિર્સજન કરે છે. તેમ ગુજરાતના રાજ્યપાલના હુકમથી નાયબ સચિવ શબાના કુરેશી દ્વારા જણાવવામાં આવ્યું હતું. આમ બોરસદ નગરપાલિકા સુપર સીડ થતા હવે પાલિકામાં વહીવટદાર શાસન અમલી બનશે અને 6 મહિના બાદ મધ્યસ્થ ચૂંટણી યોજાય તેવી વકી દેખાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...