બોરસદ અને કરજણની ઠગ ટોળકીએ ભાવનગરના લગ્નવાંચ્છુ યુવક સાથે રૂ.1.34 લાખની ઠગાઇ કરી હતી. આ સાત જણાની ટોળકીએ વિવિધ પ્રસંગોના નામે નાણા, ઘરેણા લીધા બાદ માતાજીના દર્શન માટે ખંભાત ગયા હતા. જ્યાંથી યુવતી ફરાર થઇ ગઈ હતી. આ અંગે વિરસદ પોલીસે ગુનો નોંધ્યો હતો.
ભાવનગરના સીદસર રોડ પર વાળંદ સોસાયટીમાં રહેતા પ્રદીપ નરેન્દ્રભાઈ પરમાર તેના માતા - પિતા અને ભાઇ સાથે રહે છે. તે સોસાયટીમાં જ ઓમ હેર આર્ટ નામની દુકાન ધરાવે છે. પ્રદીપ ઉંમરલાયક થતાં તેના લગ્ન માટે કન્યાની શોધખોળ ચાલતી હતી. દરમિયાનમાં તેની દુકાને આવતા હિંમત શ્યામજી ભાંભેરાએ તેના સાઢુ વેલજી ઉર્ફે નિખીલ કરસન પરમાર (રહે.કરજણ) સાથે પરિચય કરાવ્યો હતો. આશરે એકાદ માસ પહેલા કરજણમાં કન્યા હોવાની વાત કરી હતી અને સલીમ નામની વ્યક્તિનો નંબર આપ્યો હતો. જેથી સલીમ સાથે વાત કરતાં તેમણે ત્રણેક છોકરીના ફોટા મોકલ્યાં હતાં. જેમાંથી એક છોકરી પસંદ કરી હતી. જોકે, છએક દિવસ પહેલા સલીમે છોકરી જોવા માટે બોલાવતાં પ્રદીપ તેના પરિવારના સભ્યો સાથે છોકરી જોવા ગયા હતાં. તેઓ ધર્મજ ચોકડીએ પહોંચ્યા તે સમયે કરણજ ગામના દેવજી ઉર્ફે ટીકુ વસાવા અને વેલજી ઉર્ફે નિખીલ પરમાર, તેમના પત્ની રીક્ષા લઇને આવ્યાં હતાં. બાદમાં તેઓ બને જડા ગયાં હતાં. જ્યાં સલીમભાઈના પત્ની પુજાબહેને એક છોકરી શ્રદ્ધા બતાવી હતી. આ સમયે તેના મામા અરવિંદ, તેમના પત્ની, ઘનશ્યામ રાવળ, બીજા મામા રાજુ તરીકે ઓળખાણ આપી હતી. પ્રાથમિક ચર્ચા બાદ શ્રદ્ધાને પસંદ કરતાં લગ્ન કરવાની વાત કરી હતી. આ લગ્ન પેટે રૂ.1.60 લાખ આપવાનું નક્કી કર્યું હતું. આથી, અરવિંદને રૂ.5100, સલીમને રૂ.5000 રોકડા આપ્યાં હતાં. આ સમયે સલીમે જણાવ્યું હતું કે, તમે કહો ત્યારે ફુલહાર કરી નાંખીએ અને તે વખતે પુરા પૈસા આપી દેવા. તેમ જણાવ્યું હતું અને સૌ છુટા પડ્યાં હતાં.
દરમિયાનમાં સલીમે પાછળથી ફોન કરી જણાવ્યું કે, શ્રદ્ધાના મામા અરવિંદ માનતા નથી. જેથી લગ્નના રૂ.બે લાખ આપવા જણાવ્યું હતું. જોકે, આટલા પૈસાની વ્યવસ્થા થાય તેમ નથી. તેમ જણાવતા સલીમે ફુલહાર કરવા આવો ત્યારે અરવિંદને સમજાવી લઇશું. તેમ કહ્યું હતું. બે દિવસ પહેલા સલીમે ફરી ફોન કરી શ્રદ્ધાના મામા અરવિંદ બિમારી પડી ગયા છે. જેથી દવાખાનાના રૂ.દસ હજાર મોકલાવો તેમ કહ્યું હતું. આ વ્યવસ્થા થાય તેમ નથી તેમ જણાવતાં સલીમે આખો દિવસ ફોન કર્યા હતાં. છેલ્લા સાંજે રૂ. પાંચ હજાર મંગાવ્યાં હતાં. જે મોકલી આપ્યાં હતાં.
4થી મેના રોજ લગ્ન માટે ફરી બધા ભેગા થયાં હતાં. જ્યાં સીધા મંદિરે આવવા જણાવ્યું હતું. આ સમયે અરવિંદ અને શ્રદ્ધા એક બાઇક પર અને અન્ય પરિવારજનો અન્ય વાહનમાં બનેજડા ગામની સીમમાં નાની નહેર પાસે આવેલા બહુચર માતાજીના મંદિરે લગ્નવાળી જગ્યાએ લઇ ગયાં હતાં. જ્યાં શ્રદ્ધાના ફુલહાર વિધીથી લગ્ન કરાવ્યાં હતાં. જેથી નક્કી કર્યા બાદ સલીમના હાથમાં રૂ.75 હજાર રોકડા, અરવિંદને રોકડા 15 હજાર તથા સલીમને ફરી વધારાના રોકડા 25 હજાર ઉપરાંત દાગીના રૂ.32 હજારની કિંમતના આપ્યાં હતાં. આ સમયે ખંભાતમાં લગ્ન રજીસ્ટર કરવાનું કહેતા અરવિંદે રાલજ ગામે માતાજીના મંદિરે બાધા પુરી કરી ખંભાત જવાનું નક્કી કર્યું હતું. જોકે, પ્રદીપે રાલજ જોયું ન હોવાથી બાઇક પર ખંભાત જવા નિકળ્યાં હતાં. આ સમયે રાજુએ બાઇક પુરપાટ ઝડપે ચલાવી વાસણા ગામ નજીક અજાણ્યા રોડ પર પહોંચી ગયાં હતાં. જ્યાં પ્રદીપને પાણીની બોટલ લેવા મોકલ્યો હતો. આ તકનો લાભ લઇ રાજુ તથા શ્રદ્ધા બન્ને બાઇક પર ભાગી ગયાં હતાં. આખરે પ્રદીપને છેતરપિંડી થયાનો ખ્યાલ આવતા તુરંત પરિવારજનોને સ્થળ પર બોલાવ્યાં હતાં. બાદમાં તમામ વિરસદ પોલીસ મથકે પહોંચ્યાં હતાં. જ્યાં સલીમ, પુજા સલીમ, અરવિંદ લંગડો, અરવિંદની પત્ની, રાજુ, ઘનશ્યામ રાવળ, શ્રદ્ધા અને દેવજી ઉર્ફે ટીકુ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.