આણંદ પાસેના િચખોદરા ગામ સ્થિત એક્સપ્રેસ હાઈવે પર દેશી દારૂમાં કેમિકલ, કલર ભેળવી વિદેશી દારૂ બનાવતાં બે શખસોને આણંદ એસઓજીએ બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. છેલ્લાં ત્રણ મહિનાથી તેઓ વિદેશી દારૂ બનાવતા હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. પોલીસે રૂપિયા 1.29 લાખનો મુદૃામાલ કબજે કરી બંનેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.ચિખોદરા ગામ સ્થિત એક્સપ્રેસ હાઈવે નજીક આવેલી ઊંટીયાવડવાળી સીમમાં રહેતો બાબુ ભીખા તળપદા તેના રહેણાંક મકાનમાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતો હોવાની ચોક્કસ બાતમી આણંદ એસઓજીને મળી હતી.
જેને પગલે પોલીસે તેના ઘરે દરોડો પાડ્યો હતો. જેમાં તે પોલીસના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો. તેના ઘરે પોલીસે તપાસ કરતાં વિદેશી દારૂના કવાટર, 35 લીટર વિદેશી દારૂ બનાવવાનું કેમિકલ, ખાલી કેરબો, દારૂની બોટલોના નાના-મોટા ઢાંકણ, પૂંઠા, આલ્કોહોલ માપવાનું થર્મોમીટર સહિતની સાધન સામગ્રી મળી આવી હતી. પોલીસે આ મામલે સઘન પૂછપરછ કરતા છેલ્લાં ત્રણ મહિનાથી તે વડોદરા ખાતે રહેતાં દિનેશ શામરીયા સાથે રહીને વિદેશી દારૂ બનાવતો હતો.
જેમાં ખાસ તો દેશી દારૂમાં કેમિકલ, કલર નાંખી, વિદેશી દારૂની બોટલમાં ભરી દેતા હતા. અને તેના પર સ્ટીકર મારી દેતાં હતા. વડોદરામાંથી ઝડપાયેલો શખસ જ તેને દારૂની સાધન સામગ્રી સપ્લાય કરતો હતો. પોલીસે તેને પણ ઝડપી પાડી બંનેને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
સરળતાથી વેચાય તેવી બોટલોમાં જ દારૂ ભેળવતા
સૂત્રોના જણાવ્યા અનુસાર, બૂટલેગરો છૂપી રાહે માર્કેટમાં 500થી લઈને એક હજાર સુધી જે વિદેશી દારૂની બોટલો વેચતા હોય છે તેને જ પકડાયેલા આરોપીઓ દેશી દારૂ સાથે મિક્સ કરતા હતા. જેથી સરળતાથી વેચી શકાય છે. પીઆઈ જી. એન. પરમારના જણાવ્યા અનુસાર, હાલમાં તેઓ જે કેમિકલનો ઉપયોગ કરતા હતા તેને એફએસએલમાં મોકલી આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમણે બજારમાં બોટલો વેચી છે કે કેમ તેની પૂછપરછ હાથ ધરી છે, જે રિમાન્ડ દરમિયાન ખૂલશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.