નિર્ણય:બોરસદ ચોકડી સરકારી ગોડાઉન પાસે આડશો મુકવાનો તગલખી નિર્ણય

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાયવર્ઝન આપેલા જાગનાથ મહાદેવ મંદિર તરફથી આવતા તમામ વાહનોને જીટોડિયા સુધી ફોગટનો ફેરો

બોરસદ ચોકડી પર ઓવરબ્રીજની કામગીરીના પગલે આણંદ જિલ્લા કલેકટરે ઉમાભવનથી ગણેશ ચોકડી સુધીના માર્ગ પર ડાયવર્ઝન આપ્યું છે. ત્યારે બોરસદ ચોકડી સરકારી અનાજ ગોડાઉન પાસેથી જીટોડીયા રોડ પરના માર્ગ પર પોલીસે બેરીકેડ આડસો મુકીને રસ્તો બંધ કરી દીધો છે. જેના પગલે માર્ગ પર ટ્રાફિક જામ સહિત એક કીમી સુધી ફોગટનો ફેરો ફરવો પડે છે.

ઉમા ભવનથી જાગનાથ મહાદેવ, એનડીબીબી રોડ, ગણેશ ચોકડી રોડ પર ભારે વાહનચાલકોની અવરજવર માટે ડાયવર્ઝન આપાયું છે. જેના લીધે માર્ગ પર દિનપ્રતિદિન ખંભાત, બગોદરા, તારાપુર ચોકડી, ચિખોદરા, વાસદ, અમદાવાદ, વડોદરા સહિત રાજયભરના દિન પ્રતિદિન 5 હજાર ઉપરાંત વાહનચાલકો અવરજવર કરે છે. બોરસદ ચોકડી સરકારી અનાજના ગોડાઉન પાસેથી પસાર થતા રસ્તા પર ભારે વાહનચાલકો માટે રસ્તો ખુલ્લો હોવાથી સરળતાથી અપડાઉન કરી શકતા હતા.

પરંતુ ટ્રાફિક જામના પગલે પોલીસે ત્રણ દિવસથી આડસો-બેરીકેડ મુકીને રસ્તો બંધ કરી દેતા જાગનાથ મહાદેવ મંદિર તરફથી આવતા તમામ વાહન ચાલકોને જીટોડિયા તરફ એક કિમી સુધીનો વાહનચાલકોને ફોગટનો ફેરો ફરવો પડે છે. માર્ગ પર યુ ટર્ન અને સર્કલ નહીં હોવા છતાં ભારે વાહનચાલકોએ શહેરમાં પાછા ફરતી વખતે ટ્રાફિક જામ અને અકસ્માતનો સામનો કરવો પડે છે. આ અંગે તપસ્વી સોસાયટીના સુશીલભાઇએ જણાવ્યું હતું કે, ઉભાભવનથી કલેકટર બંગ્લોઝ,ગણેશ ચોકડી સુધી રહેણાંક માટે રસ્તો હોવા છતાં ભારે વાહનોની અવરજવર વધી ગઇ છે.

તેથી વારંવાર માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાઇ જાય છે. બોરસદ ચોકડી સરકારી અનાજ ગોડાઉન (સેન્ટ્રલ વેરહાઉસ પાસે) બંધ કરી દેવાયેલા રસ્તા બાબતે આણંદ જિલ્લા કલેકટરને આવેદન આપીને ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...