આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 13ના કાઉન્સિલર અને બાંધકામ કમિટીના ચેરમેન કેતન બારોટ, ભાજપના મહામંત્રી રાજેશ પઢીયાર સહિતના હોદૃદાર-કાર્યકરોએ ગણેશ ચોકડી પાસે આવેલી સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં એક ટપોરીને છાજે એ રીતે હોટલના કર્મચારી અને માલિક સાથે મસાલા ઢોંસાનું રૂપિયા 100નું બિલ ચૂકવવું ન પડે એ માટે માથાકૂટ કરી તેમને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. ત્રણ દિવસ પહેલાં બનેલી ઘટનાનો વિડિયો જોકે, સોશિયલ મીડિયામાં ગુરૂવારે વાઈરલ થતાં દિવસ દરમિયાન આણંદના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો હતો. જોકે, સમગ્ર બનાવ સંદર્ભે આણંદ શહેર પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાઈ નહોતી.
આણંદ શહેરની ગણેશ ચોકડી પાસે ગણેશ સાઉથ કોર્નર નામની રેસ્ટોરન્ટ આવેલી છે. હોટલની માલિકી કુમારભાઈ પૂજારીની છે. ગત છઠ્ઠી જૂનના રોજ રાત્રિના 11 વાગ્યાના સમયે રેસ્ટોરન્ટમાં નગરપાલિકાના વોર્ડ નંબર13ના કાઉન્સિલર કેતન બારોટ, મહામંત્રી રાજેશ પઢીયાર તેમના પત્ની સુમિત્રા પઢીયાર સહિતના કેટલાંય હોદૃદારો મસાલા ઢોંસા ખાવા ગયા હતા. દરમિયાન, સોલ્જરીમાં ચૂકવવાના આવતાં રૂપિયા 100 રાજેશ પઢીયાર આપી દેશે તેમ કહેતાં રેસ્ટોરન્ટમાં ફરજ બજાવતાં કર્મચારીએ પૈસા આપો તો સારૂં, દર વખતે ન ચૂકવો એ સારૂં નહીં તેમ કહેતાં ભાજપના હોદૃેદારો-કાઉન્સિલરો ઉશ્કેરાઈ ગયા હતા.
તેમણે હોટલ માલિક સાથે ઝઘડો કરી મારામારી કરી હતી. જેને પગલે મામલો વણસ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ શહેર ભાજપ સંગઠનના અન્ય હોદૃદારો પણ સ્થળ પર દોડી ગયા હતા અને હોટલ માલિક તથા કાઉન્સિલરોને સમજાવીને મામલો થાળે પાડયો હતો.સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ કે કેમ તે બાબતે પૂછતાં આણંદ શહેર પોલીસ સ્ટેશનના પીઆઈ યશવંતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, હાલમાં પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ આપવા આવ્યું નથી. તેથી ફરિયાદ નોંધાઈ નથી.
તું મને ઓળખતો નથી કહીં મારામારી કરી
તું મને ઓળખતો નથી તેમ કહીને દાદાગીરી કરીને છૂટા હાથની મારામારી કરતો કેતન બારોટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં કેતન બારોટ સાથે અન્ય કાઉન્સિલર પણ કર્મચારીઓને ઢસેડીને માર મારતાં નજરે પડી રહ્યાં છે. નોંધનીય છે કે, કાઉન્સિલર કેતન બારોટ અને વિવાદ હવે એકબીજાના પર્યાય બની ગયા છે. અગાઉ ચૂંટણી ટાળે ભાજપ સંગઠનની જાણ બહાર ચૂંટણી કાર્યાલય શરૂ કરાતાં વિવાદ ઉભો થયો હતો. એ ઉપરાંત, પોતાના વિસ્તારમાં મોટાં વાહનો ન જાય તે માટે રસ્તો બંધ કરી દીધો હતો. કાઉન્સિલરના આ પ્રકારના વર્તનથી ભાજપની છબીને નુકશાન થઇ રહ્યું હોવાનું કેટલાંક પાયાના કાર્યકરો માની રહ્યા છે ત્યારે શું શિસ્તમાં માનતી ભાજપ પાર્ટી દ્વારા કોઈ પગલાં લેવાશે કે કેમ તેને લઈને ચર્ચા હાલ ટોક ઓફ ધી ટાઉન બની છે.
જિલ્લા પ્રમુખના ધ્યાને વાત લાવીશું પછી કાર્યવાહી અંગે નિર્ણય કરાશે
સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં કાઉન્સિલરોએ બોલાચાલી કરી એ બાબતની જાણ થતાં જ ભાજપ સંગઠનના હોદેદારો ત્યાં પહોંચી ગયા હતા અને મામલો થાળે પાડયો હતો. સમગ્ર ઘટના શું હતી એ ખબર નથી. પરંતુ સામાન્ય બોલાચાલી સિવાય કાંઇ જ બન્યું નથી. જોકે, બીજા દિવસે બંને જણાં સાથે હતા. હવે સમગ્ર બાબતે તેમના વિરૂદ્ધ શું કાર્યવાહી કરવી તે બાબતે જિલ્લા પ્રમુખના ધ્યાને વાત લાવીશું એ પછી તેઓ નિર્ણય લેશે. - મયુર પટેલ, પ્રમુખ, શહેર ભાજપ સંગઠન, આણંદ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.