આણંદ પાસેથી પસાર થતાં એક્સપ્રેસ વે સ્થિત ગામડી ઓવરબ્રિજ પાસે બુધવારે પરોઢીયે અચાનક ગાય વચ્ચે આવી જતાં બાઈક સવાર બે યુવકોને અકસ્માત થયો હતો. જે પૈકી એક યુવકનું ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેસેલા યુવકને નહીંવત ઈજા પહોંચી હતી. જેની હાલત હાલ સ્થિર છે.
સામરખા ગામે રહેતો 21 વર્ષીય અંકિત રાજેશ પરમાર મંગળવારે રાત્રે તેનું બાઈક લઈને વડોદરા સ્થિત મિત્ર જીગર પરમારની સાસરીમાં, સાસુની ખબર જોવા ગયો હતો. સાસુને આંખનું ઓપરેશન કરાવ્યું હતું. રાત્રિના જમ્યા બાદ તેઓ વડોદરા રોકાઈ ગયા હતા. દરમિયાન, બુધવારે સવારે તેઓ બાઈક લઈને આણંદ પરત આવવા નીકળ્યા હતા. સવારે પાંચ વાગ્યે તેઓ બાઈક લઈને પુરપાટ ઝડપે આવી રહ્યા હતા. દરમિયાન, ગામડી સ્થિત ઓવરબ્રિજ પાસે વચ્ચે ગાય આવી જતાં અંકિત પરમાર ગાય સાથે અથડાયો હતો. જેમાં તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
બીજી તરફ બાઈક પાછળ બેઠેલા તેના મિત્રને પણ નહીંવત ઈજા પહોંચી હતી. બંનેને તાત્કાલિક સારવાર અર્થે કરમસદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું સવારે દસ કલાકે મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે આણંદ શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.