આણંદ શહેરના પરીખભુવનમાં રહેતા મહિલાએ તેના દિયરની સારવાર માટે વ્યાજખોર પાસેથી રૂ.1.30 લાખ લીધાં હતા. જે પેટે તેણે રૂ.3.84 લાખ વ્યાજ ચુકવ્યું હતું. આમ છતાં બાકી ઉભી રહી હતી. આખરે આ અંગે મહિલાએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદના પરીખ ભુવનમાં રહેતા સાયનાબીબી સરીફમીયાં મલેકના પતિ શાક માર્કેટમાં મહેતાજીની નોકરી કરે છે.તેમના દિયર નજીર મલેકને આંતરડાના ઇન્ફેકશન થતાં ઓપરેશનની જરૂર પડી હતી.આથી, તેઓએ તેમના સંબંધી તાહેરાબીબી પીરમહંમદ શેખ (રહે.નવાપુરા, આણંદ)પાસેથી રૂ.1.30 લાખ વ્યાજે લીધા હતા.આ સમયે દરરોજના રૂ.300 લેખે મહિને રૂ.9000 હજારનો હપ્તો નક્કી થયો હતો.જોકે, એક હજાર પાછા આપી આખરે રૂ.8 હજાર વ્યાજ પેટે આપવાનું નક્કી થયું હતું.શરૂઆતમાં વ્યાજ ચુકવ્યા બાદ હપ્તા અનિયમિત થતાં તાહેરાબીબી ઘરે આવી અપશબ્દ બોલી બળજબરી પૂર્વક હપ્તો લઇ જતાં હતાં.છેલ્લા ચાર વરસમાં 1.30 લાખ સામે વ્યાજ પેટે જ રૂ.3.84 લાખ વસુલવા છતાં હજુ મુડી રૂ.1.30 લાખ જેમની તેમ જ છે. આ અંગે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તાહેરાબીબી પીરમહંમદ હાસમમીયાં મલેક (રહે.ગામડી) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.