આણંદને મેઘરાજાએ ધમરોળ્યું:​​​​​​​બોરસદના સારોલમાં તળાવ ફાટતાં પાણીનો ધોધ શાળા તરફ વળ્યો, સ્થાનિકોએ વિદ્યાર્થીઓને દોરડાથી બહાર કાઢ્યા

આણંદ3 મહિનો પહેલા

આણંદ જિલ્લામાં છેલ્લા સપ્તાહ દરમિયાન પડેલા ધમાકેદાર વરસાદથી સમસ્યા વકરી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ વધુ નાજુક બની છે. કાચા રસ્તા પર કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાઇ જતાં કેટલાંક ગામોમાં અવરજવર મુશ્કેલ બની ગઇ છે. એમાંય બોરસદના સારોલ ગામે મંગળવારના રોજ ગોઠ સમા પાણી ભરાઇ ગયાં હતાં. તળાવ ફાટતાં પાણીનો ધોધ નજીકની શાળા તરફ વળ્યો હતો, જેથી વિદ્યાર્થીઓ ફસાયા હતા. આખરે ગ્રામજનોએ હિંમત દાખવી તંત્રની રાહ જોયા વગર જ બચાવકાર્ય હાથ ધરી હતી. તમામ વિદ્યાર્થીઓને સહીસલામત બહાર કાઢ્યા હતા.

નદી, નાળાં અને તળાવો છલકાયાં
આણંદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે એ પહેલાં જ વરસાદે એનો મિજાજ દેખાડી દીધો હતો. મંગળવારની બપોરે કાળાં ડિબાંગ વાદળો આવી ચડ્યાં હતાં અને જોતજોતાંમાં ભારે વરસાદ શરૂ થઇ ગયો હતો. આ વરસાદ સાર્વત્રિક પડ્યો હતો. આણંદ જિલ્લામાં છેલ્લા સપ્તાહ દરમિયાન વરસાદની હેલીના કારણે નદી, નાળાં અને તળાવો છલોછલ થઇ ગયાં હતાં. બોરસદના સારોલ ગામે તળાવ ફાટતાં શાળામાં પાણી ભરાયાં હતાં, જેથી ગ્રામજનોએ બાળકોને સહીસલામત બહાર કાઢ્યા હતા. આ ઉપરાંત જિલ્લાનાં અન્ય ગામડાંમાં પણ સતત વરસાદથી અવરજવર મુશ્કેલ બની ગઈ છે.

સારોલ ગામ જળબંબાકાર
આણંદ જિલ્લામાં ગઈકાલે સાંજે 4થી 6ના સમય દરમિયાન મેઘરાજાએ જોરદાર આક્રમણ કર્યું હતું. એક કલાકના વરસાદમાં બોરસદ તાલુકાનું સારોલ ગામ જળ બંબાકાર થયું હતું. સમગ્ર સારોલ ગામમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં.

બોરસદમાં વરસાદની પુનઃ ધમાકેદાર એન્ટ્રી
આણંદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વચ્ચે બુધવારની મોડી સાંજે બોરસદમાં વરસાદની પુનઃ ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. જેના પગલે ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જોકે, વર્તારા બાદ વહીવટી તંત્ર પણ સજ્જ બની ગયું છે અને સ્થળાંતર સહિતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

રોડ પર ગોઠણસમા પાણી ભરાયાં
બોરસદ તાલુકામાં પુનઃ ભારે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે સરોલમાં રોડ પર પાણી ફરી વળ્યાં હતાં. હજુ ગઇકાલના પાણી ઉતર્યા નહતાં ત્યાં નવી આવક શરૂ થતાં નિચાણવાળા વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાયાં હતાં. જે પગલે ગામમાં સ્થળાંતરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સરોલમાં પુનઃ વરસાદી પાણી ભરાવાની બની ઘટના બની છે. બોરસદ ગ્રામીણ વિસ્તાર વિરસદમાં વરસાદ થતાં ધર્મજ–ખંભાત રોડ પર ગોઠણસમા પાણી ભરાયાં હતાં. આ ઉપરાંત છેવાડાનાં શહેર ખંભાતમાં પણ વરસાદ શરૂ થયો હતો. પવન સાથે વરસાદ શરૂ થતાં ટાવર બજાર ચોકી પાસે વરસાદી પાણી ભરાયાં હતાં. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, જિલ્લામાં સાંજ સુધીમાં ખંભાતમાં 49 મિમી, તારાપુરમાં 33 મિમી, બોરસદમાં 6 મિમી વરસાદ નોંધાયો હતો.

સારોલના 70થી વધુ ઘરોમાં પાણી ભરાયાં છે
સારોલના સરપંચ નટુભાઈ સાથે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, વરસાદ બંધ થયા બાદ સાફ - સફાઈ અને અન્ય સર્વે હાથ ધરાયો છે.તાલુકા વહીવટી તંત્ર અને પ્રાંત ઓફિસર મુલાકાત લઈ ગયા છે. એક આકલન મુજબ 70 થી વધુ ઘરોમાં પાણી ભરાઈ જતા તેઓની ઘર વખરી નાશ પામી છે. 20 જેટલા કાચા ઘરો પાણીના પ્રવાહમાં તૂટી ગયા છે. 7 જેટલા પશુઓના મોતના સમાચાર છે. હાલ 200 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે. જેઓને સારોલ પ્રાથમિક શાળા અને પિલોદરા પ્રાથમિક શાળામાં આ પુર પ્રભાવિત લોકોની રહેવા, જમવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

વાહનચાલકો અટવાયા
ઉમરેઠ પંથકમાં કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો, જેને કારણે નગરના ખારવાવાડી, ભગવાન વગા, ઓડ બજાર, વિસ્તારમાં પાણી ભરાયાં હતાં, જેને કારણે નાના વાહનચાલકો અટવાયા હતા. ઉમરેઠ પંથકમાં એક કલાકમાં જ દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ભાટપુરા, લીંગડા, થામણાં સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં
બોરસદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી ભારે વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદ શરૂ થયેલા વરસાદના કારણે બજાર વિસ્તારમાં પણ ગોઠણ સમા પાણી ભરાયાં હતાં. આણંદના વિદ્યાનગર, મોગરી, નાપાડ, નાવલી, કરમસદ, વલાસણ સહિત અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ મુશળધાર વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. આંકલાવમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો, જેને કારણે નગર અને તાલુકાનાં ગામડાંમાં જળબંબાકાર થયો હતો.

છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલો વરસાદ

  • આંકલાવ -56 મિમી
  • આણંદ -58 મિમી
  • ઉમરેઠ -43 મિમી
  • ખંભાત -21 મિમી
  • તારાપુર -11 મિમી
  • પેટલાદ -20 મિમી
  • બોરસદ -27 મિમી
  • સોજિત્રા -04 મિમી
અન્ય સમાચારો પણ છે...