સરકારી બેંકનો તઘલખી નિર્ણય:સોજિત્રામાં બેંક ઓફ ઈન્ડિયાએ ATM ના હોય તેવા પ્રધાનમંત્રી સ્વનિધિના લાભાર્થીઓની લોન નામંજૂર કરતા હોબાળો

આણંદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાં સ્ટ્રીટ વેંન્ડર્સને ધિરાણ આપવા BOIએ ATMફરજિયાત ગણાવ્યું
  • બેન્ક ઓફ ઇન્ડિયાના આ વલણ પ્રત્યે જિલ્લા લીડ મેનેજર થકી ઉચ્ચ કચેરીએ રજૂઆત કરાઈ

આણંદ જિલ્લાના સોજિત્રા ખાતે આવેલી બેન્ક ઓફ ઇન્ડિયાની શાખા દ્વારા એટીએમ ના હોય તેવા પ્રધાનમંત્રી સ્વનિધિના લાભાર્થીઓની લોન નામંજૂર કરાતાં હોબાળો થયો છે. જિલ્લા ભાજપ પ્રમુખના વિધાનસભા વિસ્તારમાં જ આ મડાગાંઠ સર્જાતા રાજકીય ગરમી પણ વધી છે. બીજી તરફ લાભાર્થીઓને લાભ મળે તે માટે પાલિકા દ્વારા બેન્ક સાથે બેઠક યોજવામાં આવી રહી છે, પરંતુ તેનો કોઇ ઉકેલ ન આવતાં લાભાર્થીઓમાં રોષ ફેલાયો છે. બેન્ક ઓફ ઇન્ડિયાના આ વલણ પ્રત્યે જિલ્લા લીડ મેનેજર થકી ઉચ્ચ કચેરીએ રજૂઆત કરવામાં આવી છે.

વિદ્યાનગરમાં એક કાર્યક્રમમાં આવેલા સી.આર.પાટીલે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો વ્યાપ વધારવા અને તેનો લાભ પ્રત્યેક સ્ટ્રીટ વેંન્ડર્સને મળે તે માટે કાર્યકરો અને આગેવાનો તેમજ પાર્ટી હોદ્દેદારોને હાકલ કરી હતી. આણંદ જિલ્લામાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લારી, ગલ્લા અને ફેરી કરતાં નાના વેપારીને રૂ.10 હજારની લોન પાલિકામાં ફોર્મ ભરવાથી મળી રહી છે. નગરપાલિકા વિસ્તારમાં નાના વેપારીઓ માટે આશીર્વાદ અને ધંધાને બળ આપતી યોજનાને લઈ પાલિકા કચેરીઓમાં મોટો ધસારો છે. સોજીત્રા નગરપાલિકામાં 400 ઉપરાંત ફોર્મ ભરાયા છે. પરંતુ આ લોન આપવામાં બેન્ક દ્વારા ગતકડાં કરવામાં આવી રહ્યાં છે. જેમાં સોજિત્રાની બેન્ક ઓફ ઇન્ડીયાએ માત્ર એટીએમ ન હોવાનું બહાનું કાઢી અનેક લાભાર્થીની લોન નામંજુર કરતાં હોબાળો થયો છે.

સોજિત્રા સ્થિત બેન્ક ઓફ ઇન્ડિયામાં એટીએમ ન હોવાનું વિચિત્ર અને નિયમ વિરૂદ્ધનું કારણ બતાવી સ્ટ્રીટ વેન્ડરોની લોન નામંજૂર કરવામાં આવી રહ્યાં છે. બેંક દ્વારા આવા વિચિત્ર કારણ દર્શાવી ફોર્મ રીજેક્ટ કરવામાં આવતાં ભારે હોબાળો મચ્યો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે અન્ય બેન્કમાં એટીએમ કાર્ડ માંગવામાં પણ આવતાં નથી અને લોનના ફોર્મમાં પણ એટીએમ કાર્ડ અંગે કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જો એટીએમ કાર્ડ કોઇ વ્યક્તિ પાસે હોય તો તેમાં મીનીમમ બેલેન્સની સમસ્યા થતી હોય છે. જે સ્ટ્રીટ વેંન્ડર્સ પરવડી શકતું નથી. આ ઉપરાંત લોનના ફોર્મમાં પણ એટીએમ કાર્ડ અંગે કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આમ છતાં બેન્ક દ્વારા ક્વેરી કાઢવામાં આવી રહી છે. માત્રને માત્ર બીઓઆઈના આવા નિયમથી જ લાભાર્થીઓ પરેશાન થઇ રહ્યાં છે.

ફાઈલ તસ્વીર, સોજીત્રા બજાર
ફાઈલ તસ્વીર, સોજીત્રા બજાર

આ અંગે સોજીત્રાના ચીફ ઓફિસર વિપુલ પનારાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, સોજિત્રા નગરપાલિકામાં ગત વર્ષ અને ચાલુ વર્ષ સાથે 400 જેટલા સ્ટ્રીટ વેન્ડરોએ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના લોન માટે એપ્લાય કર્યું છે. જેમાં ગત વર્ષે 150 સ્ટ્રીટ વેંડર્સને લોન પ્રાપ્ત થઈ છે. જોકે ચાલુ વર્ષે આવેલા ફોર્મમાં 85 જેટલા બેન્ક ઓફ ઇન્ડીયાના ખાતેદાર છે. જેમાં બેંકની ધિરાણ પોલિસીને લઈ તમામ ફોર્મ રીજેક્ટ થયા છે. જે બાબતે કારણોમાં બેન્ક અધિકારી ખાતેદાર પાસે એટીએમ કાર્ડ નથી તેમ જણાવ્યું છે. આ અંગે જિલ્લા કક્ષાના લીડ બેંક અધિકારીને જાણ કરવામાં આવી છે.

વિપુલભાઈ પટેલ ,પ્રમુખ ,આણંદ જિલ્લા ભાજપ.
વિપુલભાઈ પટેલ ,પ્રમુખ ,આણંદ જિલ્લા ભાજપ.

આ અંગે ભાજપ જિલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલ સાથે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે આ સમસ્યા બાબતે બેન્ક અને પાલિકા સાથે સંપર્ક કરી વિગતો મેળવીને લીડ બેન્ક અધિકારી અને બીઓઆઈ ની ઉચ્ચ કચેરીએ રજૂઆત કરીશું.પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના તમામ સ્ટ્રીટ વેન્ડર્સ માટે તેમ અડચણરૂપ જિલ્લામાં અન્ય કોઈ પાલિકાઓમ પણ આ પ્રકરેની જે કાંઈ સમસ્યા હશે તેમ સમજીને મધ્યસ્થતા કરી દૂર કરીશું લાભાર્થીને તેના લાભ યોગ્ય સમયમાં મળે તે માટે પ્રયત્ન કરીશું .જ્યારે બેન્ક ઓફ ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું હતું કે, લાભાર્થીઓનો એટીએમ નંબર પોર્ટલ પર નાખવાથી જ આ લોન પાસ થાય છે. સોજિત્રામાં 85માંથી 10 જ કેસમાં નંબર મળતાં અરજી સ્વીકારી છે. બાકીમાં નંબર ન હોવાથી રદ્દ કરી છે. ઓલ ઇન્ડિયાના બેન્ક ઓફ ઇન્ડિયાના પોર્ટલમાં ફરજીયાત કાર્ડ નંબર આપવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...