તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાયદાઓ અંગે જાગૃતિ:સરદાર પટેલ યુનિવર્સિટીમાં રેગીંગ વિરોધી કાયદાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો,જજ અર્પિત પાટડિયાએ માર્ગદર્શન આપ્યું

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતના 75માં સ્વતંત્રતાના અમૃત મહોત્સવ નિમિત્તે અમૃત મહોત્સવ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું

વિદ્યાનગરમાં કોલેજોમાં કલાસરૂમ શિક્ષણની શરૂઆત થઈ ગઈ છે. હજારો વિદ્યાર્થીઓ રોજબરોજ અવરજવર વધી છે. કોલેજોમાં નિર્દોષ મસ્તીથી ચાલુ થયેલી રેગીંગની પ્રવૃત્તિ સમય જતાં ખોટી પજવણીમાં પરિવર્તિત થઈ ગઈ છે. આવી રેગીંગની પ્રવૃત્તિ મારામારીના પરિણામમાં પ્રવર્તતી હોય છે. તો ક્યારેક અસામાજિક તત્વો રેગીંગના નામે વિદ્યાર્થીનીઓની પણ છેડતી કરી હેરાન કરતાં હોય છે. જોકે સમયાંતરે વિવિધ કોલેજોમાં જાગૃત વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ પ્રોફેસરો સંચાલકો દ્વારા આ પરત્વે પ્રતિબંધ મુકવા માગણીઓ ઉઠી હતી. વળી કોલેજમાં રેગીંગના વિકરાળ અને જીવલેણ પરિણામો મળતા આ અંગે કાયદામાં પણ સુધારો કરી રેગીંગને અટકાવવા સફળ પ્રયત્નો થયા હતા. જોકે, સરદાર પટેલ યુનિવર્સિટીમાં અનુસ્નાતક કાયદાશાસ્ત્ર વિભાગના કાર્યકારી વડા પ્રો. ડૉ. નિરંજન પટેલના માર્ગદર્શન હેઠળ ‘અમૃત મહોત્સવ સપ્તાહ’ અંતર્ગત રેગીંગ વિરોધી કાયદાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં અનુસ્નાતક કાયદાશાસ્ત્ર વિભાગ દ્વારા ભારતના 75માં સ્વતંત્રતાના અમૃત મહોત્સવ નિમિત્તે અમૃત મહોત્સવ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનાં પાંચમા દિવસે ‘રેગિંગ વિરોધી કાયદાઓ અંગે જાગૃતિ’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અનુસ્નાતક કાયદાશાસ્ત્ર વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ બાકરોલ અને આણંદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.

આ કાર્યક્રમ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો શિરીષ કુલકર્ણી અને અનુસ્નાતક કાયદાશાસ્ત્ર વિભાગના કાર્યકારી વડા પ્રો. ડો. નિરંજય પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં પાંચમા દિવસે ‘રેગિંગ વિરોધી કાયદાઓ અંગે જાગૃતિ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરુઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને રેગિંગ વિરોધી કાયદાઓ અંગે જાગૃત કરવાનો હતો.

અનુસ્નાતક કાયદાશાસ્ત્ર વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર મમતા કારકર, અનુસ્નાતક કાયદાશાસ્ત્ર વિભાગના કાર્યકારી વડા પ્રો. ડો. નિરંજન પટેલ અને અનુસ્નાતક કાયદાશાસ્ત્ર વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રજ્ઞા કંસારા દ્વારા જજ અર્પિત પાટડિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસના ડિરેક્ટર શીતલભાઈ પટેલનું સ્વાગત અનુસ્નાતક કાયદાશાસ્ત્ર વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વિતી વ્યાસ દ્વારા તુલસીનો છોડ અને સ્મૃતિચિહ્ન અર્પિત કરી સ્વાગત કરવામાં આવ્યુ હતું.

આ કાર્યક્રમના મુખ્યવક્તા જજ અર્પિત પાટડિયા દ્વારા એન્ટિ રેગિંગ કાયદાઓ, કાનૂની સહાય માટે કોણ અરજી કરી શકે જેમકે આર્થિક અસમર્થ લોકો, માનસિક અસમર્થ, લોકો, શારીરિક અસમર્થ લોકો, કાનૂની સેવા સત્તા મંડળના કાર્યો, વિવિધ લોક અદલતો, લીગલ સર્વિસ ઓથોરીટી એક્ટ, 1987 વિશે વિસ્તૃત ચર્ચા કરી વિદ્યાર્થીઓને વિષયોચિત જ્ઞાન આપવામાં આવ્યું હતું. બાદમાં એન્ટિ રેગિંગ વિશે ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અનુસ્નાતક કાયદાશાસ્ત્ર વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી તેમજ સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ બાકરોલના છ થી સાત વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતે આસિસ્ટન્ટ પ્રોફેસર સ્નેહા મરાઠે દ્વારા આભાર વિધિ કરી અને રાષ્ટ્ર ગીત પછી કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...