પર્યાવરણ પ્રત્યે પ્રેમ:33 વર્ષ પહેલા પ્રકૃતિ પ્રત્યે આકર્ષણ થયું, આજે 150થી વધુ સ્વયંસેવકો સાથે કરાય છે ચરોતરની કૃદરતી સમૃદ્ધિને જાળવણી

આણંદએક વર્ષ પહેલા
ફાઈલ તસ્વીર
  • 33 વર્ષ પહેલા એક કિશોરના મનમાં બીજ રોપાયું અને વિદ્યાનગર નેચર કલબનો જન્મ થયો
  • સંસ્થા પ્રકૃતિ વિષય ના વિશ્વિક રિચર્ચ કરતી સંસ્થાઓમાં અગ્રીમ હરોળમાં સ્થાન ધરાવે છે

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગામે ગામે વૃક્ષોનો મહિમા વર્ણવતા કાર્યક્રમો યોજાશે. પરંતુ બાકીના 364 દિવસ વિકાસના નામે વૃક્ષ છેદનની પ્રવૃત્તિમાં જોડાઇને પર્યાવરણનો ખો કાઢી નાંખવામાં આવે છે. હાલમાં કોરોના મહામારી દરમિયાન ઓક્સિજનની કિંમત માણસ જાતે અનુભવી છે. વિદ્યાનગર નેચલ કલબના 150થી વધુ સ્વંયસેવકો દ્વારા ચરોતર પંથકમાં વર્ષ દરમિયાન પર્યાવરણને બચાવવા અને તેની જાળવણી માટેના કાર્યો કરવામાં આવે છે.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

વૈશ્વિક સંસ્થાઓમાં સ્થાન પામી

આણંદના વિદ્યાનગરમાં એક કિશોરને 33 વર્ષ પહેલા પ્રકૃતિ પ્રત્યે આકર્ષણ થયું, કુતૂહલતા જાગી અને નિસર્ગને માણવા સાયકલ લઈ ફરતો થઇ ગયો. તેની મસ્તીભરી પ્રવૃત્તિ સાથે અન્ય મિત્રો પણ જોડાયા આગળ જતાં પ્રકૃતિ અને પર્યાવરણની સમજ ખીલી એટલે નિસર્ગની જાળવણીનો વિચાર પણ સ્ફૂર્યો. આ પરત્વે જાગૃતિ આવતા શિક્ષણની ભૂખ પણ જાગી અને પર્યાવરણની નુકશાન કરતી કે ખંડિત કરતી પ્રવૃત્તિઓ સામે સંઘર્ષ પણ ઉભો થયો ત્યારે આ વ્યક્તિના વિચાર અને ટીમવર્ક થકી વિદ્યાનગર નેચલ કલબનો જન્મ થયો હતો. આજે વિદ્યાનગર નેચર ક્લબ પ્રકૃતિ અને પર્યાવરણનું રક્ષણ, રિચર્ચ અને પ્રશિક્ષણ કરતી વૈશ્વિક સંસ્થાઓમાં સ્થાન પામી છે.

150થી વધુ સ્વંયસેવકો

સંસ્થા સાથે 150થી વધુ સ્વંયસેવકો જોડાયેલા છે. જેઓ પર્યાવરણની સેવા કરતા શિક્ષિત થઈ રહ્યા છે. પર્યાવરણ પ્રત્યેની તદ્દન નવીન જાણકારીનું પરસ્પર આદાનપ્રદાન કરે છે. મગર ઉપરની આ સંસ્થાના રિસર્ચ અને જાણકારી વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સંસ્થાના સ્વયંસેવકોએ વર્ષ દરમિયાન ચરોતરમાં 223 પ્રકારની પક્ષી પ્રજાતિઓના ભ્રમણ અને રહેઠાણની જાણકારી મેળવી છે.જેમાં 123 પ્રકારના પક્ષીઓ બારે માસ જોવા મળતા હોવાની માહિતી છે.

ધવલ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી ,વિદ્યાનગર નેચર ક્લબ.
ધવલ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી ,વિદ્યાનગર નેચર ક્લબ.

પ્રકૃતિની જાળવણી-સંભાર આવશ્યક

વિદ્યાનગર નેચર ક્લબના મેનેજિંગ ટ્રસ્ટી ધવલ પટેલે જણાવ્યું છેકે, આપણો પ્રાકૃતિક ખજાનો જાળવવો અને તેની સુરક્ષા માટે વલ્લભ વિદ્યાનગરથીમાંડી ગુજરાત રાજ્ય સુધી પ્રયત્નો કરીએ છે. પર્યાવરણીય નવીનીકરણ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ સતત થતી જ રહે છે. જીવનના વિવિધ સ્વરૂપોને જીવિત રાખવા પ્રકૃતિની જાળવણી-સંભાર આવશ્યક છે. આ બંનેની પૂર્તિ આપણી પૃથ્વી માતા અને તેના ખજનાને સાચા અર્થમાં જાળવી રાખશે. સ્થાનિક સ્તરે પર્યાવરણને પરિવર્તિત કરવામાં સફળતા હાંસલ કરી છે. હવે તે વધુને વધુ લોકોનો સંપર્ક સાધી પર્યાવરણ માટે કાર્ય કરી રહ્યા છીએ.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

ચરોતરમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તે માટે વિદ્યાનગર નેચર કલબ દ્વારા બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી છે

- ભાવી દ્રષ્ટિ: સમક્ષ પર્યાવરણ માટે પર્યાવરણની દ્રષ્ટીએ શિક્ષિત સમાજ તૈયાર કરવો.

- મુખ્ય ધ્યેય: પર્યાવરણીય સંવેદનશીલ વૈશ્વિક સમાજ તૈયાર કરવો જેમાં દરેક પ્રકૃતિ માટે સજાગ વલણ ધરાવતો હોય.

- હેતુઓ : દરેક વ્યક્તિમાં વૈશ્વિક સ્તરે વિચારવા અને સ્થાનિક સ્તરે કાર્ય કરવાની પર્યાવરણીય બાબતોમાં સંવેદના વિકસાવી જીવનના પ્રાથમિક મૂલ્ય તરીકે પર્યાવરણ પ્રત્યે પ્રેમ અને આદરનું સિંચન કરવું.

- પરસ્પર પ્રયત્નો દ્વારા તથા વ્યક્તિગત સ્વયંશિક્ષણ દ્વારા સામુહિક તથા નવીન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું, જેથી દરેક વ્યક્તિ સમગ્ર આંદોલનનો એક ભાગ બની જાય અને તેને ખ્યાલ આવે કે પ્રકૃતિ વિશે અને તેમાં રહીને પ્રશિક્ષણ મેળવવામાં સાચો આનંદ રહેલો છે.

- પ્રકૃતિ સાથે સુમેળ વિકસાવી તેની પરખ કરવી.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

વિદ્યાનગર નેચર કલબ દ્વારા હાથ પરના કાર્યક્રમો :

- ચરોતરમાં માર્ગ અકસ્માતનો વન્યજીવો પર શું અસર પડે છે તેનો અભ્યાસ કરવો

- કચ્છના નાના રણ પાસે, ડાંગ અને ભાલ વિસ્તારમાં વન્યપશુઓ અને માનવો વચ્ચે થતા ઘર્ષણો-હુમલાનો અભ્યાસ

- સાયકલ શેરીંગ સીસ્ટમ (આણંદ-વિદ્યાનગર માટે)

- ડાકોરના ગોમતી તળાવમાં કાચબાઓના સંરક્ષણ માટે પ્રોજેક્ટ હાથ ધરવો

- મહી નદીના કોતરોમાં પર્યાવરણ શિક્ષણ માટેનું કેન્દ્ર વિકસાવવું

- શહેરના લોકોમાં બિનરાસાયણિક કિચન-ગાર્ડનની ટેવ કેળવવી અને રસોડાના કચરામાંથી ખાતર તૈયાર કરવાની સમાજ આપવી

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

- સરકારી શાળાઓમાં પર્યાવરણ શિક્ષણ આપવું

- પતંગીયા તથા સામાન્ય પક્ષીઓના પોસ્ટર્સ પુનઃ તૈયાર કરી ફરીથી છપાવવા

- પતંગિયાઓ માટે બગીચો તૈયાર કરવો જ્યાં લોકો તથા બાળકો જાણકારી અને આંનદ પ્રાપ્ત કરી શકે.

મહત્વનું છે કે એક કિશોરના વિચાર થી ઉભી થયેલ આ સંસ્થા અનેક પકૃતિ અને પર્યાવરણ પ્રેમીઓના માર્ગદર્શન,શિક્ષણ અને જાગૃતિનું કેન્દ્ર બની ગઈ છે.યુવા વર્ગ કુદરતને જાણવા ,સમજવા અને અભ્યાસુઓ શિક્ષિત થવા આ સંસ્થાનો સંપર્ક કરી રહ્યા છે.અનેક વિદેશી અભ્યાસુઓ અહીં આ સંસ્થાના સ્વંયસેવકોને સાથે લઈ વિસ્તારમાં રિચર્ચ કરે છે.ચરોતરની ગૌરવ સમી આ સંસ્થાના સ્થાપક ધવલ પટેલે તૈયાર કરેલ નવી પેઢી વધુ દમદાર અને આધુનિક ઢબે પર્યાવરણની જાળવણી અને જાગૃતિમાં કામ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...