તારાપુરમાં રવિવારે રાત્રે કડકડતી ઠંડીમાં તારાપુરની હોસ્પિટલ મિરાણી મેટરનીટ એન્ડ નર્સિંગ હોમના બારણે રાત્રિના સમયેે મહિલાની પ્રસુતિ થઈ હતી. આ પ્રકરણને લઈને સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડ્યા છે. સમગ્ર લોકોએ હોસ્પિટલની કાર્યશૈલીને લઈ ફિટકાર વરસાવ્યો છે. દરમિયાન, અમદાવાદના એક એડવોકેટ દ્વારા આ મામલે જવાબદાર તબીબ અને તેના સ્ટાફ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. વધુમાં આગામી સાત દિવસમાં જવાબદારો વિરૂદ્ધ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. અને જો આમ નહીં કરાય તો જાહેર હિતની યાચિકા રજૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
અમદાવાદ સ્થિત રાણીપ ખાતે રહેતા નિકુંજ જે. મેવાડા નામના એડવોકેટ દ્વારા આ મામલે વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટના મંત્રી, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રી, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, આણંદ જિલ્લા પોલીસ વડા અને ગુજરાત મેડિકલ કાઉન્સિલના પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં તેમણે રવિવારે રાત્રે સગર્ભા મહિલા સાથે થયેલા વર્તનને વખોડી કાઢ્યું હતું. આ મામલે તેમણે આણંદ જિલ્લા પોલીસ વડાને સમગ્ર પ્રકરણમાં તપાસ બાદ ફોજદારી રાહે ગુનો નોંધવાની પણ અપીલ કરી છે.
હોસ્પિટલ તો ચૂક્યું, આરોગ્ય વિભાગ પણ જવાબદારી ચૂક્યું સમગ્ર પ્રકરણ મામલે બે દિવસ પછી પણ આરોગ્ય વિભાગ ઊઘતું જ રહ્યું હતું. આરોગ્ય અધિકારી એમ. ટી. છારીની ઘોર બેદરકારી છતી થઈ છે. જાણે સમગ્ર પ્રકરણ પર ઢાંક પિછોડાનો પ્રયાસ ન કરાતો હોય એમ લાગી રહ્યું છે.
સમગ્ર પ્રકરણમાં અવાર-નવાર તેમનો ટેલિફોનિક સંપર્ક કરવા છતાં પણ સંપર્ક થઈ શક્યો નહોતો. તાલુકા લેવલે પણ આરોગ્ય અધિકારી દ્વારા કોઈ તપાસ કરાઈ નથી. જેને લઈને હોસ્પિટલ તો તેમની જવાબદારી ચૂક્યું હતું, પરંતુ આરોગ્ય વિભાગ પણ તેની જવાબદારી ચૂક્યું છે. આ મામલે વેળાસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.