આણંદ જિલ્લામાં સોમવારનો દિવસ ઘાતક સાબિત થયો હતો. 6 કલાકમાં સર્જાયેલા 2 અસ્કમાતમાં એક કિશોરી સહિત કુલ છ વ્યક્તિઓના મોત નીપજ્યાં હતા. જેમાં પ્રથમ બનાવમાં વ્હેરાખાડી સ્થિત એક્સપ્રેસ હાઈવે પર ટ્રક ચાલકની પાછળ ઈકો કાર અથડાતાં ત્રણ મિત્રોના મોત નીપજ્યાં હતા. જ્યારે તારાપુરના જીંચકામાં ડાંગર રોપણી કરવા જતાં શ્રમજીવી ભરેલું ટ્રેક્ટર કાંસમાં પલટી જતાં એક કિશોરી સહિત ત્રણ જણાંના મોત નીપજ્યાં હતા.
ટ્રક ચાલકની પાછળ ઈકો કાર અથડાતાં ત્રણ મિત્રોના મોત
વડોદરામાં જથ્થાબંધ દવાઓના વેપાર સાથે સંકળાયેલા અને મૂળ ડાકોરના વતની અમિતભાઇ પંડ્યા કૌટુંબિક કામે ડાકોર આવ્યા હતા. જેઓને વડોદરા પરત જવાનું હોઈ ઈકો ગાડીના ડ્રાઈવર સુનિલ વિનોદભાઈ પરમારને ફોન કરતા તેઓ તેમના અન્ય બે મિત્ર ચિરાગ કિરણભાઈ સોલંકી અને રાહુલ કનુભાઈ માળીને સાથે લઈ અમિતભાઇને રાત્રે આઠ વાગ્યે વડોદરા મુકવા ગયા હતા. દરમિયાન, રાત્રિના દસ વાગ્યે વડોદરા પહોંચીને અમિતભાઇ પંડ્યાને ઘરે ઉતારી સુનિલ પરમાર અને અન્ય બે મિત્રો સાથે ડાકોર પરત આવવા નીકળ્યા હતા.
આ દરમિયાન, રાત્રિના બાર વાગ્યાની આસપાસ તેઓ વડોદરાથી અમદાવાદ જતા એક્સપ્રેસ હાઇવે ઉપર વહેરાખાડી ગામથી આગળ ગણેશપુરા પાસેથી પસાર થતા હતા. એ સમયે પુરપાટ ઝડપે જતી ઇકો કાર બંધ પડેલી ટ્રકની પાછળના ભાગમાં ઘૂસી ગઇ હતી. જેને પગલે કારમાં સવાર ત્રણેય મિત્રોને ગંભીર ઈજા પહોંચી હતી.
સિગ્નલ વિના ઊભેલી ટ્રક કારમાં સવાર 3 મિત્રના મોતનું નિમિત્ત બની
આ બનાવને પગલે રાત્રિના સમયે ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને હાઈવે ઓથોરીટી દ્વારા ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે અમિતભાઇ પંડ્યાની ફરિયાદના આધારે ખંભોળજ પોલીસે પોતાનું વાહન ગફલતભરી રીતે બેદરકારીથી કોઇપણ જાતના ભયજનક સિગ્નલ આપ્યા વગર તેમજ વાહનની પાછળની બ્રેક લાઇટ, પાર્કિંગ લાઇટ, ઇન્ડીકેટર ચાલુ કર્યા વગર એક્સપ્રેસ હાઇવેની મુખ્ય લાઇન ઉપર ઊભું રાખી દેતા જીવલેણ અકસ્માતમાં ત્રણ યુવકોનું મોત થવા બાબતે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. ડાકોરમાં 3 મિત્રોની અર્થીઅેક સાથે ઉઠતા ગમગીની વ્યાપી ગઇ હતી.
તારાપુર જીંચકાનો એકમાર્ગીય રસ્તો ત્રણ મજૂરોના મોતનું કારણ બન્યો
તારાપુર તાલુકાના જીચકા ગામે રહેતાં અજીતભાઈ કેશવભાઈ પટેલના ખેતરમાં ડાંગર રોપણીનું કામ ચાલી રહ્યું હતું. તેઓએ તેમના મિત્ર નરેન્દ્રભાઈ પટેલનાવાડામાં રહેતા મજૂરો રોક્યાં હતાં. આ મજૂરોને લઈ સોમવારે સવારે છ વાગ્યાની આસપાસ ઉનાળુ ડાંગર રોપણી કરવા 14 જેટલાં મજૂરોને ટ્રોલીમાં લઈ જીચકા ગામની સીમના ખેતરમાં નીકળ્યા હતા. દરમિયાન આ ટ્રેક્ટર કમલેશ દેવાભાઈ મકવાણા (રહે. રામદેવ ફળીયું, ભંડોઇ, મોરવા હડફ, પંમચહાલ) ચલાવી રહ્યા હતા. તેઓ જીચકા ગામના બસ સ્ટેન્ડ નજીક વડ તળાવ પાસે પસાર થઇ રહ્યાં હતાં.
સિંગલ રોડ પર ટ્રેક્ટર પલ્ટી ખાઇ ગયું
તે સમયે વળાંક પર પુરઝડપે ટ્રેક્ટર ચલાવવાના કારણે તેમણે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. સિંગલ રોડ હોય ટ્રેક્ટર પલ્ટી ખાઇ ગયું હતું. જેના કારણે ટ્રેક્ટર, ટ્રોલી સાથે નજીકના કાંસમાં પડ્યું હતું. જોકે, આ અકસ્માતમાં ટ્રોલીમાં સવાર મજૂરોએ બુમરાણ મચાવતાં લોકો દોડી આવ્યાં હતાં અને મજૂરોને બહાર કાઢ્યાં હતાં.
એકમાર્ગીય રસ્તો ત્રણ મજૂરોના મોતનું કારણ બન્યો
આ ઉપરાંત અન્ય ટ્રેક્ટરની મદદથી ટ્રોલી સીધી કરતાં તેના નીચે દબાયેલા ત્રણ મજુરો રમેશ પુના ડામોર (રહે. તા. રણધીપુર, જિ. દાહોદ), ધર્મેશ હિંમત ભુરીયા (રહે. મોરવાડ, જિ.પંચમહાલ) અને સોનલ મુકેશ મખનાભાઈ (રહે. સંજેલી, જિ. દાહોદ) બેભાન હાલતમાં મળી આવ્યાં હતાં. જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતાં. આ અંગે ટ્રેક્ટરના ચાલક વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ભયજનક વળાંકમાં નથી બમ્પ કે નથી બોર્ડ
ખાનપુરથી હિંચકા જતા ગ્રામ્ય વિસ્તારનો આ માર્ગ સાતેક વર્ષ પહેલાં જ બન્યો હતો. જોકે, આખો રોડ એકમાર્ગીય છે. સામાન્ય રીતે બને છે એવું કે જ્યારે બે વાહનો એક સાથે સામ-સામે રોડ પર આવી જાય છે ત્યારે બે પૈકી કોઈપણ એક વાહને ફરજીયાતપણે નીચે જમીન પર, સાઈડમાં ઉતરી જવું પડે છે. જો કોઈ પુરપાટ ઝડપે આવતો હોય તો અકસ્માત સર્જાવવાની પણ શક્યતાઓ વધી જાય છે. રોડ પર જ કેટલાંય ભયજનક વળાંક હોવા છતાં તંત્ર દ્વરાા નથી અહીં બમ્પ મૂકવામાં આવ્યો કે નથી કોઈ દિશાસૂચક બોર્ડ મૂકવામાં આવ્યા. રોડ પર બોર્ડ-બમ્પ મૂકવામાં આવે તેમજ રોડને પહોળો કરવાની તાતી જરૂરીયાત છે. તંત્ર દ્વારા તુરંત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ગ્રામજનોમાં ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.