સ્માર્ટ ખેડૂત:કિસાનોને આંગળીના ટેરવે માહિતી મળી રહે તે માટે રૂપિયા 1500ની મર્યાદામાં સ્માર્ટ ફોન ખરીદી પર સહાય

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્માર્ટ ફોનની કિંમતના 10 ટકા અથવા મહત્તમ રૂપિયા 1500 બેમાંથી જે ઓછું હોય તેટલી સહાય મળશે

રાજય સરકારે ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ સહિતનું માર્ગદર્શન આંગડીના ટેરેવે મળી રહે તેમજ સરકારની વિવિધ ખેતીવિષયક યોજનાનો લાભ ખેડૂતો ઓનલાઇન મેળવી શકે તે માટે ખેડૂતોને સ્માર્ટ મોબાઇલ ફોન પર રૂપિયા 1500ની મર્યાદામાં મહત્તમ 10 ટકાની સહાયની જાહેરાત કરી છે. જેનો લાભ માત્ર ખેડૂત ખાતેદારો મેળવી શકશે. આણંદ-ખેડા જિલ્લામાં અંદાજે 5.50 લાખ હેકટર ખેતીલાયક જમીન છે અને 3.10 લાખ ખેડૂત ખાતેદાર નોંધાયેલા છે. ચરોતરનું અર્થતંત્ર આજે પણ 60 ટકા ખેતી પર નભે છે ત્યારે ખેડૂતો નવી ટેકનોલોજી અપનાવીને ઓનલાઇન ખેતીનું માર્ગદર્શન મેળવીને ખેતીની આવક બમણી કરી શકે તે હેતુથી ખેડૂતોને સ્માર્ટફોન માટે સહાય જાહેર કરી છે.

આણંદ-ખેડા જિલ્લાના કિસાનોને હવામાન સહિતની માહિતી ,નવીતમ ખેતી પદ્ધતિ સહિત સરકારી યોજનાની જાણકારી મોબાઈલ પર ઉપલબ્ધ થાય એ હેતુથી યોજના અમલી બનાવાઈ છે. નડિયાદના ખેડૂત રમેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, અમારી પાસે સોશ્યલ મીડિયામાં મેસેજ આવ્યો છે. જેમાં 10 ટકા સહાય ની વાત છે. તેમાં પણ રૂ.1500 ની મર્યાદા છે. ત્યારે કયો મોબાઈલ લેવો તે જ ગુંચવણ છે. અને મોબાઈલ લીધા બાદ પણ માહિતી કેવી રીતે મેળવવી તે પ્રશ્ન છે. આજના સંજોગોમાં બધા ખેડૂતો મોબાઈલ છે જ, છતાં પુરતી વિગતો મળતી નથી.

લાભ લેવા ખેડૂતે કયા અરજી કરવાની રહેશે
ખેડૂત પોથીમાં જેનું મુખ્ય ખાતેદાર તરીકે નામ હશે તેને લાભ મળશે. તે માટે ખેડૂતો દ્વારા I- khedut પોર્ટલ પર સ્માર્ટફોન ખરીદી હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજદાર ખેડૂતે અરજીની પ્રીન્ટ આઉટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે.

સ્માર્ટફોન પર મહત્તમ 1500ની સહાય
ખેડૂતો દ્વારા ખરીદવામાં આવેલા સ્માર્ટ ફોન પર સહાય યોજના અંતર્ગત રૂા 15000 સુધીની કિંમત પર સહાય મળવાપાત્ર રહેશે. ખેડૂત સ્માર્ટફોન ખરીદે તો કિંમત પર 10 ટકા સહાય અથવા રૂા 1500 જે બેમાંથી ઓછુ હોય તે સહાય મળવાપાત્ર રહેશે. કોઇ ખેડૂત રૂા. 8000નો સ્માર્ટફોન ખરીદે તો તેને 10 ટકા લેખે રૂા 800 અથવા રૂા 1500 બેમાંથી જે રકમ ઓછી હોય તે મળવા પાત્ર રહેશે. કોઇ ખેડૂતે રૂા 20000 હજારનો સ્માર્ટ ફોન ખરીદયો હોય તો 10 ટકા લેખે રૂા 2000 અથવા રૂા 1500 બેમાંથી જે ઓછુ હોય તેટલી સહાય મળવા પાત્ર રહેશે. આમ તેને મહત્તમ સહાય રૂા 1500ની મળશે.

સ્માર્ટફોનથી ખેડૂતોને થતાં લાભ
ખેડૂતો ઘેર બેઠા આવનાર દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગેની માહિતી મેળવીને ખેતીનું આયોજન કરી શકશે. વરસાદની આગાહી , જીવાત ઉપદ્રવની માહિતી ,ખેડૂત ઉપયોગી પ્રકાશનો, નવીનતમ ખેત પદ્ધતિ,રોગ જીવાત નિયંત્રણની ટેકનિકલ માહિતી, ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓની માહિતી મેળવવા તથા ખેતીવાડી ખાતાની યોજના સહાય મેળવવા ઓનલાઇન અરજી કરવા વગેરે કામો સરળ બનશે.

અન્ય સમાચારો પણ છે...