બેડમિન્ટનના સાધનો ખરીદવાના બહાને આણંદના વેપારી સાથે બિહારના વેપારીએ રૂપિયા 4.73 લાખની છેતરપિંડી કરતાં સમગ્ર મામલો આણંદ સાઈબર ક્રાઈમમાં પહોંચ્યો હતો. આણંદ-વિદ્યાનગર રોડ પર આવેલી સહજાનંદ સોસાયટીમાં 22 વર્ષીય સંકેત ઈશ્વર સરગરા રહે છે અને તેઓ ખાનગી કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. અભ્યાસની સાથો-સાથ તેઓ સ્પોર્ટસના સાધનો કમિશન પર વેચવાનો વ્યવસાય કરે છે. વર્ષ 2020માં આણંદમાં બેડમિન્ટનની એકેડમી ચલાવતા વિરાજ પીઠડીયા મારફતે તેમને સનીફ નામના વ્યક્તિનો કોન્ટેક્ટ મળ્યો હતો.
સનીફ એ બેડમિન્ટનના સાધનો વેચાણ આપવાનું કામ કરતો હતો. દરમિયાન ત્રણેક માસ બાદ બિહારથી પ્રથમકુમાર નામની એક વ્યક્તિનો તેમના મોબાઈલમાં ફોન આવ્યો હતો અને તેઓ પણ બેડમિન્ટનના સાધનો વેચતા હોવાનું જણાવી સનીફ તેમની પાસેથી જ સાધનો ખરીદતો હોવાનું જણાવ્યું હતું. જેને પગલે તેમણે સીધા તેમની પાસેથી સાધનો લે તો તેમને સસ્તા ભાવે મળશે તેવી લાલચ આપી હતી. જેને પગલે તેમણે થોડાં-થોડાં સમયના અંતરે રૂપિયા 4.73 લાખ પ્રિન્સરાજ ઉર્ફે પ્રથમકુમારના ખાતામાં જમા કરાવ્યા હતા.
જોકે, આ વાતને અઢીથી ત્રણ વર્ષનો સમયગાળો થવા આવ્યો હોવા છતાં પણ તેમને તેમના સાધનો મળ્યા નહોતા. અવાર-નવાર સંપર્ક કરવા છતાં પણ તેઓ તેમનો ફોન રીસીવ કરતા નહોતા. આમ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં જ તેમણે આ મામલે આણંદ સાઈબર ક્રાઈમમાં બિહારના શખસ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલમાં સાયબર ક્રાઈમે આ મામલે ગુનો નોંધીને અેક ટીમને બિહાર ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.