આણંદના સામરખા ગામે રહેતા વ્યાજખોર શખસે આશાવર્કર બહેનને રૂ.20 હજાર પતિની સારવાર માટે આપ્યાં હતાં. જેનું વ્યાજ ભરી ન શકતાં તેણે ઘર ગીરો મુકી નાણા વસુલવાની ધમકી આપી હતી. આ અંગે ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો.
સામરખા ગામે વાઘપુરા લીમડાવાળા ફળીયામાં રહેતા સરોજબહેન મહેન્દ્રભાઈ પરમાર દસેક વર્ષથી આશા વર્કરમાં નોકરી કરે છે. તેમના પતિને ડાયાબીટીસ હોવાથી ગામના જશુભાઈ મોહનભાઈ પરમાર પાસેથી રૂ.20 હજાર 3 ટકા વ્યાજે લીધાં હતાં. તેઓ દર મહિને રૂ.600 વ્યાજ ચુકવતા હતા. એક વર્ષ બાદ વ્યાજના પૈસા ચુકવી ન શકતાં જશુ પરમાર ઘરે આવ્યો હતો અને ઘર ગીરે મુકીને પણ પૈસા પુરા કરવા પડશે. તેવી ધમકી આપી હતી. જશુ પરમાર વારંવાર ઉઘરાણી કરવા આવતો અને અપશબ્દ બોલી ધમકીઓ આપતો હતો. એક દિવસ ઘરે આવીને બળજબરૂ પૂર્વક સ્ટેટ બેંક સામરખાનો કોરો ચેક પણ સરોજબહેન પાસેથી લઇ લીધો હતો. આથી, સરોજબહેન વડોદરા રહેતા તેના ભાઈ પાસેથી રૂ.20 હજાર લાવીને જશુ પરમારને આપ્યાં હતાં. પરંતુ તેણે ચેક આપવાની ના પાડી હતી અને મારા પૈસા જ આપ્યા નથી. જેથી તમારો ચેક મળશે નહીં. હું ત્રણ લાખનો ચેક ભરી તમારા ઉપર કોર્ટમાં ફરિયાદ કરીશ તેવી ધમકી આપી હતી. આ અંગે આણંદ ગ્રામ્ય પોલી સે જશુ મોહન પરમાર (રહે. સામરખા) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.