ચોમાસુ આંગણે ટકોરા મારી રહ્યું છે ત્યારે ચરોતરમાં 80થી 150 ફૂટ સુધી ઉંડા ઉતરી ગયેલા બોર અને કૂવાના તળ વરસાદથી રિચાર્જ થાય તેની રાહ જોવાઈ રહી છે. ઉનાળાના પ્રારંભથી શરૂ થયેલી વિકટ પાણી સમસ્યા ઉનાળાના ઉત્તરાર્ધ સુધી શરૂ રહી છે. ખેતી પાક સાથે પશુઓ માટે પાણી લાવવાની ચિંતા ખેડૂતો અને પશુ પાલકોને સતાવી રહી છે.
લોકોને પીવાનું પાણી માટે વલખાં મારવાનો વખત આવ્યો
હાલમાં ચરોતરના 866 ગામોમાંથી છેવાડાના ગામોમાં બોર-કૂવાના પાણીનું લેવલ 80થી 150 ફૂટ ઉંડા જતાં રહ્યાં હોવાથી ગ્રામ પંચાયતના માથે વીજબીલનું ભારણ વધી ગયું છે. કપડવંજ, કઠલાલ, સેવાલિયા સહિત પૂર્વ પટ્ટી વિસ્તારમાં પાણીનું લેવલ સતત ઘટી રહ્યું છે. હાલમાં આ વિસ્તારમાં 150 ફૂટ ઉંડા પાણીના લેવલ જતાં રહ્યાં છે. જેના કારણે આ વિસ્તારમાં પીવાનું પાણી મેળવવા માટે વલખાં મારવાનો વખત આવ્યો છે. જ્યારે ભાલ પંથકમાં પાણીનું લેવલ 80થી 90 ફટે જ છે.
બોર કે કૂવાના પાણી પીવા માટે બિનઉપયોગી હોવાથી પાણીની સમસ્યા સર્જાઇ
દરિયો નજીક હોવાથી જમીનમાં ખારા પાણી વહેતા હોવાથી અહીં બોર કે કૂવાના પાણી પીવા માટે બિનઉપયોગી છે. જેને લઇને પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. હાલમાં 300થી વધુ ગ્રામ પંચાયતોમાં બોરના પાણી ઉંડા જતાં રહેતાં માસિક 3 હજારથી વધુ બીલનો બોજ વધી જતાં મુશ્કેલીમાં મુકાઇ ગયાં છે. કેટલાંક ગામોમાં તો બોરના પાણી 100 ફૂટથી વધુ નીંચા હોવાથી મોટર પણ ખેંચી શકતી નથી, તેને લઇને પંચાયતો મુંઝવણ અનુભવી રહીં છે.
ચરોતરના 70 ટકા ઉપરાંત તળાવો ખાલી
ચરોતરમાં ગત વર્ષે 105 ટકાથી વધુ વરસાદ થયો હતો. તેમ છતાં ચરોતરના 70 ટકા ઉપરાંત તળાવો ખાલી થઇ ગયા છે. તેની પાછળ મુખ્ય કારણ એ છે કે, છેલ્લા ત્રણેક વર્ષથી તળાવો ઉંડા કરવાના નામે કાપવાળુ લેવલ તૂટી જતાં તળાવોમાં 5 માસ પણ પાણી રહેતાં નથી. એક દાયકા અગાઉ તો ઉનાળાની શરૂઆતમાં કેનાલમાંથી મોટાભાગના ગામોના તળાવો ભરવામાં આવતાં હતા, પરંતુ છેલ્લા બે વર્ષથી કેનાલના પાણી તળાવોમાં ભરવાનું સરકારે બંધ કર્યું છે.
કાળઝાળ ગરમીમાં પાણીના લેવલ ઘટી જતાં હોય છે
માર્ચ માસમાં કેનાલના પાણી બંધ થઇ જતાં હોય છે. જેના કારણે કાળઝાળ ગરમીમાં પાણીના લેવલ ઘટી જતાં પાણીની ભારે સમસ્યા સર્જાઇ છે. ચરોતરના મધ્ય ભાગમાં જેવા કે નડિયાદ, વસો, ખેડા, મહેમદવાદ, આણંદ, બોરસદ, આંકલાવ, પેટલાદ, સોજીત્રા પંથકમાં પણ બોરના પાણી ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે 10 ફૂટ વધુ ઉંડા ગયા છે.
વીજબીલનું ભારણ ગ્રામ પંચાયત દીઢ 3 હજાર વધી ગયું
હાલમાં આ વિસ્તારોમાં 70 થી 80 ફૂટે પાણી મળે છે. જેના કારણે ગ્રામ પંચાયતો બે કલાક વધુ મોટર ચાલુ રાખવી પડતી હોવાથી વીજબીલનું ભારણ ગ્રામ પંચાયત દીઢ 3 હજાર વધી ગયું છે. તો વળી ઉમરેઠ તાલુકામાં 170 ફૂટથી નીચે રેતાળ જમીન હોવાથી બોર ઉંડા કરી શકાતાં નથી. જ્યારે કપડવંજ કઠલાલ પંથકમાં પથ્થરાળ પ્રદેશ હોવાથી 150 ફૂટ નીચે જઇએ તો પણ પાણી વહેતાં જોવા મળતાં નથી.
ટેન્કર પર મદાર
ચરોતરમાં ગત ચોમાસામાં 105 ટકા વરસાદ થવા છતાં તંત્રના આયોજનના અભાવે તળાવો ખાલી થઈ જતાં દર ઉનાળે તળમાં પાણી ઉતરી જાય છે અને માત્ર ટેન્કર પર મદાર રાખવો પડે છે.
પૂર્વ પટ્ટીમાં 170 ફૂટ નીચે પણ પાણી મળતું નથી
પાણી પુરવઠા વિભાગ ખેડા જિલ્લાના જણાવ્યા પ્રમાણે ગ્રામ્ય વિસ્તારના તળાવો ખાલી હોવાથી બોર કે કુવાના પાણીનાં સ્તર નીંચા ગયા છે. કપડવંજ, કઠલાલ, બાલોસિનોર સહિત વિસ્તારની જમીન પથ્થરાળ હોવાથી મે-જૂનમાં 150થી 180 ફૂટ નીચે પાણીના સ્તર પહોંચી જાય છે. આ વિસ્તારમાં 300 ફૂટ ઉંડા બોર કુવા છે. પરંતુ પથ્થરાળ વિસ્તાર હોવાથી પાણી વહેતાં ન હોવાથી કુવામાં પાણી ઓછા જોવા મળી રહ્યાં છે. અન્ય વિસ્તારોમાં પાણીનું સ્તર મે માસમાં 10થી 30 ફૂટ થઇ જાય છે. - અવિનાશ ભટ્ટ, પાણી પૂરવઠા વિભાગ નડિયાદ
આંકલાવ તાલુકામાં બોર પાણી છોડી દે છે
આંકલાવ તાલુકામાં બે દાયકા બાદ ચાલુ વર્ષે પાણીના સ્તર 15 ફૂટથી વધુ નીંચા ગયા હોવાથી 70 ફૂટે પુરતાં પ્રમાણમાં પાણી મળતું ન હોવાથી વારંવાર બોર પાણી છોડી દે છે. જેથી કેટલીક ગ્રામ પંચાયતો બોર 10થી 20 ફૂટ નીચે ઉતારવાની તૈયારી આરંભી દીધી છે. અંબાવ ગામે છેલ્લા 15 દિવસથી વારંવાર બોર પાણી છોડી દે છે.જેથી પાણીની ટાંકી ભરાતી નથી. ગ્રામ પંચાયત દ્વારા બોરમાં પાઇપો 20 ફૂટ નીચે ઉતારવાની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. - દિનેશભાઇ પઢિયાર, સરપંચ, અંબાવ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.