પોલીટીકલ:ધનારક ઉતરતા જ જિલ્લાની 192 પંચાયતમાં ઉપસરપંચની ચૂંટણીને લઇ રાજકિય ગરમાવો

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા સરપંચ હોય ત્યાં પુરુષ ઉમેદવાર ઉપસરપંચ પદની હોડમાં અત્યારથી જ ખેંચતાણ

આણંદ જિલ્લાની 192 ગ્રામ પંચાયતોમાં સરપંચ ચૂંટણી પૂર્ણ થયા બાદ ઉત્તરાયણ પર્વ નિમિતે ધનારક બેસી જતાં છેલ્લા 25 દિવસથી ઉપસરપંચ પદની ચૂંટણી ટાળવામાં આવી હતી. હાલમાં મોટાભાગના ગામોમાં સરપંચોએ પણ ઉતરાયણ બાદ પદગ્રહણ કરવાની તૈયારીઓ આરંભી છે. તેની સાથે ઉપસરપંચ પદ માટે ચૂંટણી તૈયારીઓ ચાલી રહી છે. આગામી 17થી 21 જાન્યુઆરી દરમિયાન ડે.સરપંચની ચૂંટણીને લઈ ગ્રામ્ય રાજકારણ ઘમરોળાયું છે.

ખાસ કરીને જે ગામમાં મહિલા સરપંચો ચૂંટાયેલા છે તેવા ગામમાં ઉપસરપંચ પદ મેળવવા માટે પુરૂષ સભ્યોમાં હોડ લાગી છે. લગભગ 102 ગ્રામ પંચાયતોમાં મહિલા સરપંચ ચૂંટાયા છે. તેમાંથી 80 ગામમાં ઉપસરપંચ પદ પુરુષોની મળશે તેવી આશાએ ભારે રસાકસી જોવા મળી રહી છે. રાજકીય આગેવાનો પણ આ ચૂંટણીમાં ખાસ રસ લઈ રહ્યા છે. જ્યાં સરપંચ પોતાનો ન હોય ત્યાં ઉપસરપંચ પોતાનો ચૂંટાય તે માટે અને જ્યાં સરપંચ પોતાનો છે ત્યાં ઉપસરપંચ પણ વિરોધી ન આવે અને પોતાનો માનીતો આવે તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

આણંદ ગ્રામ પંચાયતના અધિનિયમ મુજબ પરિણામ જાહેર થયા બાદ 30 દિવસની અંદર ગ્રામ પંચાયતની સભા બોલાવી ઉપસરપંચની ચૂંટણી યોજાય છે. સરપંચ સહિત નવા ચૂંટાયેલા સભ્યોને પદભારનો ચાર્જ સોંપે છે.

તાલુકામાં ઉપસરપંચની ચૂંટણી તારીખો જાહેર કરાઇ
આણંદ જિલ્લામાં ડે. સરપંચ માટે ઉમરેઠ તાલુકામાં 17, 18 અને 19 જાન્યુઆરી, અંકલાવ અને પેટલાદમાં 17 અને 18 જાન્યુઆરી, સોજીત્રામાં 21 જાન્યુઆરી, તારપુરમાં 18 અને 19 જાન્યુઆરી, જ્યારે ખંભાતમાં 17 અને 24 જાન્યુઆરીની ચૂંટણી યોજવાનું નક્કી કરાયું છે.

ઉપસરપંચ નિમવાની સત્તા પંચાયતના સભ્યોના હાથમાં
ગ્રામ પંચાયતમાં વોર્ડ દીઠ વિજેતા બનેલા સભ્યો અને સરપંચની હાજરીમાં ઉપસરપંચની ચૂંટણી યોજાય છે. જો કોઇ ગામમાં 18 સભ્યો હોય તો તેમાંથી ઉપસરપંચ પદ માટે 2 કે તેથી વધુ ઉમેદવારી નોંધાવે તો ચૂંટણી યોજાય છે. તેમાં સૌથી વધુ મત મળે તે ઉપસરપંચ તરીકે ચૂંટાઇ આવે છે. જયારે કેટલાંક ગામોમાં સર્વસમંતિથી ઉપસરપંચની વરણી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...